ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના ભૂતપૂર્વ ચેરમેન અને ભાગેડુ લલિત મોદીની વાનુઆતુની નાગરિકતા રદ થશે. વનુઆતુના વડાપ્રધાન જોથમ નાપાટે દેશના નાગરિકતા આયોગને લલિત મોદીને જાહેર કરાયેલ પાસપોર્ટ રદ કરવાનો આદેશ આપ્યો છે. વાનુઆતુ ડેઇલી પોસ્ટના અહેવાલ મુજબ, લલિત મોદી ભારત પ્રત્યાર્પણ ટાળવાનો પ્રયાસ કરી રહ્યા હોવાના દાવાવાળા અહેવાલોના આધારે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ અંગે આંતરરાષ્ટ્રીય મીડિયામાં ઘણા અહેવાલો પ્રકાશિત થયા હતા. પ્રધાનમંત્રી કાર્યાલયના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ઇન્ટરપોલે લલિત મોદી વિરુદ્ધ બે વાર એલર્ટ જારી કરવાનો ઇનકાર કર્યો હતો. આ કારણે તેમની પાસપોર્ટ અરજી નકારવામાં આવી ન હતી. ભારતીય પાસપોર્ટ સરેન્ડર કરવા માટે અરજી કરી વાનુઆતુ નાગરિકતા લીધા પછી, લલિત મોદીએ પોતાનો ભારતીય પાસપોર્ટ સરેન્ડર કરવા માટે અરજી કરી હતી. વિદેશ મંત્રાલયે 7 માર્ચે કહ્યું હતું કે લલિતે લંડન ખાતે ભારતીય હાઈ કમિશનમાં પોતાનો પાસપોર્ટ જમા કરાવ્યો છે. મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, “લલિત મોદીએ વાનુઆતુ નાગરિકતા મેળવી લીધી છે. અમે કાયદા અનુસાર તેમની સામે કેસ ચાલુ રાખીશું.” 8 માર્ચે X પર પોસ્ટ કરતી વખતે, લલિત મોદીએ લખ્યું કે, મારી સામે ભારતની કોઈપણ કોર્ટમાં કોઈ કેસ પેન્ડિંગ નથી. આ ફક્ત મીડિયાની કલ્પના છે. પંદર વર્ષ થઈ ગયા, પણ તેઓ હજુ પણ કહે છે કે તેઓ મારી પાછળ પડ્યા છે. વાનુઆતુ ક્યાં છે? વાનુઆતુ દક્ષિણ પેસિફિક મહાસાગરમાં આવેલ છે. અહીંનું અર્થતંત્ર મુખ્યત્વે ખેતી, પર્યટન, માછીમારી અને વિદેશી નાણાકીય સેવાઓ પર આધારિત છે. વાનુઆતુમાં રોકાણ આધારિત નાગરિકતા છે, એટલે કે અહીં રોકાણ કરીને નાગરિકતા મેળવી શકાય છે. પાસપોર્ટનું વેચાણ અહીંની સરકાર માટે આવકનો મુખ્ય સ્ત્રોત છે. એક રિપોર્ટ અનુસાર, 2025 સુધીમાં વાનુઆતુનો પાસપોર્ટ 113 દેશોમાં વિઝા વીના જ એન્ટ્રીની મંજૂરી આપે છે. હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ મુજબ, વાનુઆતુનો પાસપોર્ટ વિશ્વમાં 51મા નેબરે છે (199 દેશોમાંથી), જે સાઉદી અરેબિયા (57), ચીન (59) અને ઈન્ડોનેશિયા (64) કરતાં ઉપર છે. ભારતીય પાસપોર્ટ 80માં સ્થાને છે. છેલ્લા બે વર્ષમાં 30 શ્રીમંત ભારતીયોએ અહીંની નાગરિકતા મેળવી છે એક રસપ્રદ વાત એ છે કે વાનુઆતુ એક ટેક્સ હેવન છે, જ્યાં તમારે કોઈ આવક, સંપત્તિ કે કોર્પોરેટ ટેક્સ ચૂકવવો પડતો નથી. છેલ્લા બે વર્ષમાં 30 શ્રીમંત ભારતીયોએ અહીંની નાગરિકતા મેળવી છે અને અહીંની નાગરિકતા લેવામાં ચીનના લોકો સૌથી આગળ છે. લલિત મોદી ભારતમાંથી કેમ ભાગી ગયા? લલિત મોદી 2005 થી 2009 સુધી રાજસ્થાન ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ હતા. 2008માં તેણે IPL શરૂ કરી. BCCIએ તેમને IPLના અધ્યક્ષ અને કમિશનર બનાવ્યા. 2010માં, લલિત પર IPLમાં ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો હતો. લલિતે મોરેશિયસની કંપની વર્લ્ડ સ્પોર્ટ્સને 425 કરોડ રૂપિયાનો IPL કોન્ટ્રાક્ટ આપ્યો હતો. મોદી પર 125 કરોડ રૂપિયાનું કમિશન લેવાનો આરોપ હતો. એવું પણ કહેવામાં આવ્યું હતું કે તેણે બે નવી ટીમોની હરાજી દરમિયાન ગોટાળા કર્યા હતા. 2010માં, BCCI એ IPLની ત્રીજી સીઝનની ફાઇનલ પછી તરત જ લલિતને સસ્પેન્ડ કરી દીધો. 2010માં જ, અંડરવર્લ્ડ તરફથી ધમકીઓનો હવાલો આપીને, લલિત મોદી ભારતથી લંડન ભાગી ગયો. EDએ તેમની સામે ‘બ્લુ કોર્નર’ નોટિસ જાહેર કરી. તેમનો પાસપોર્ટ પણ રદ કરવામાં આવ્યો હતો. 2011માં, BCCIએ અરુણ જેટલીના નેતૃત્વમાં એક તપાસ સમિતિની રચના કરી. તત્કાલીન કોંગ્રેસના સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયા અને તત્કાલીન BCCI અધ્યક્ષ એન શ્રીનિવાસન તેના સભ્યો હતા. 2012માં, લલિત મોદીએ કહ્યું હતું કે તેણે 2009ના આઈપીએલમાં CSKમાં ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર એન્ડ્રુ ફ્લિન્ટોફને લાવવામાં શ્રીનિવાસનને મદદ કરી હતી. લલિત મોદી 12 હજાર કરોડની કંપનીનો માલિક છે લલિત મોદી, મોદી એન્ટરપ્રાઇઝનો પ્રમુખ છે. મોદી એન્ટરપ્રાઇઝની કુલ નેટવર્થ 12 હજાર કરોડ રૂપિયા છે. કંપની કૃષિ, તમાકુ, પાન મસાલા, માઉથ ફ્રેશનર, કન્ફેક્શનરી, રિટેલ, શિક્ષણ, કોસ્મેટિક, એન્ટરટેનમેન્ટ અને રેસ્ટોરાંનો બિઝનેસ કરે છે. ભારત ઉપરાંત, મોદી એન્ટરપ્રાઇઝનો કારોબાર મિડલ ઈસ્ટ, પશ્ચિમ આફ્રિકા, દક્ષિણ-પૂર્વ આફ્રિકા, દક્ષિણ-પૂર્વ એશિયા, પૂર્વ યુરોપ, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ અમેરિકા અને સેન્ટ્રલ અમેરિકા સુધી વિસ્તરેલો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, લલિત મોદીની કુલ સંપત્તિ 4.5 હજાર કરોડ રૂપિયા છે. લલિત મોદી પાસે 15 કરોડ રૂપિયાની કિંમતની ત્રણ ફેરારી કાર છે.