ગુજરાત યુનિવર્સિટીમાં ફીમાં 5500 રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે જેને લઈને NSUI દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.NSUI દ્વારા ગુજરાત યુનિવર્સિટીથી ચાલીને કુલપતિન ઘર સુધી પહોંચી ઘરનો ઘેરાવ કરવાની હતો તે અગાઉ પોલીસે NSUIના કાર્યકરોની ટીંગાટોળી કરી અટકાયત કરી છે. NSUI ના કાર્યકરો પોલીસની બસ પર ચઢી ગયા હતા જ્યારે કુલપતિના ઘર સુધી કાર્યકરો પહોંચી ગયા હતા.જેસીપી,ડીસીપી સહિતનો પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. ફીમાં રૂ. 1800થી 5500 સુધીનો વધારો કરાતા વિરોધ
ગુજરાત યુનિવર્સિટીમાં તાજેતરમાં જ બી.કોમથી લઈને પીએચડીના કોર્સમાં 1800 રૂપિયાથી લઈ 5500 રૂપિયા સુધીનો ફી વધારો કરવામાં આવ્યો છે.આ ફી વધારો નવા શૈક્ષણિક સત્રથી લાગુ કરવામાં આવશે.ફી વધારાને લઈને કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUI દ્વારા ગત અઠવાડિયે વિરોધ કરવામાં આવ્યો હતો. ફી વધારો પરત ખેંચવાની માંગણી કરવામાં આવી હતી.જો ફી વધારો પરત ના ખેંચાય તો યુનિવર્સિટીનો ઘેરાવ કરવાની ચીમકી આપવામાં આવી હતી જેને લઈને આજે NSUI દ્વારા કુલપતિના ઘરનો ઘેરાવ કરવામાં આવ્યો હતો. વિરોધ કરી રહેલા કાર્યકર્તાઓની ટીંગાટોળી કરી અટકાયત
આજે NSUI ના કાર્યકરોએ મોટી સંખ્યામાં ગુજરાત યુનિવર્સિટીથી ચાલીને કુલપતિના બંગલે જઈ રહ્યા હતા આ દરમિયાન પોલીસે રસ્તામાંથી જ કાર્યકરોની ટીંગાટોળી કરીને અટકાયત કરી હતી.કેટલાક કાર્યકર પોલીસની બસ પર ચઢી ગયા હતા તો કેટલાક કુલપતિના બંગલે પણ પહોંચી ગયા હતા.જોકે પોલીસે તમામની અટકાયત કરી હતી.આ કાર્યક્રમને પગલે સેક્ટર 1 જેસીપી,ઝોન 1 ડીસીપી,એસીપી,પીઆઈ સહિતનો કાફલો મોટી સંખ્યામાં પહોંચ્યો હતો.કુલપતિ બંગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. કુલપતિને ઘરની બહાર નીકળવું મુશ્કેલ બને તે રીતે આંદોલન કરીશું- NSUI
NSUI ના નેતા વિક્રમસિંહ ગોહિલે જણાવ્યું હતું કે ગુજરાત યુનિવર્સિટીમાં બીકોમથી પીએચડી સુધીના અભ્યાસમાં ધરખમ ફી વધારો કરવામાં આવ્યો છે જેના વિરોધમાં કુલપતિના ઘરનો ઘેરાવ કરવા જતા હતા પરંતુ પોલીસનો ઉપયોગ કરીને ફી વધારો યથાવત રાખવા અમારી અટકાયત કરાવી છે. કુલપતિનું ઘરની બહાર નીકળવું મુશ્કેલ બને તે રીતે અમે આંદોલન કરીશું.ફી વધારો પરત ન ખેંચાય ત્યાં સુધી આંદોલન કરીશું.