back to top
Homeગુજરાતતીનપત્તીમાં 4 લાખ હારતા ઝઘડો થતાં પતિએ પત્ની-પુત્રની હત્યા કરી:તું શું કામ...

તીનપત્તીમાં 4 લાખ હારતા ઝઘડો થતાં પતિએ પત્ની-પુત્રની હત્યા કરી:તું શું કામ મરે? હું જ તને મારું નાખું કહી લોખંડનો રોડ માર્યો, ગાંધીનગરના સરગાસણ ડબલ મર્ડરના આરોપીની ધરપકડ

ગાંધીનગરના સરગાસણમાં શ્રી રંગ નેનો સિટી-1માં 6 માર્ચે એક ચકચારી ડબલ મર્ડર થયું હતું. આરોપીને ઓનલાઈન તીનપત્તી (રમી સર્કલ) ગેમની લત લાગી હતી. સુરેન્દ્રનગરમાં મકાન ખરીદવા માટે પત્નીએ ઉછીના લાવેલા ₹ચાર લાખ પણ તે ગેમમાં હારી ગયો હતો. જેથી પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. પત્નીએ મરી જવાની વાત કરતાં આવેશમાં આવી પતિએ લોખંડના રોડથી હુમલો કર્યો અને દુપટ્ટાથી ગળું દબાવી તેની હત્યા કરી હતી. ઊંઘમાંથી જાગેલા ચાર વર્ષીય પુત્રને પણ માથામાં સળિયો મારીને મોતને ઘાટ ઉતાર્યો હતો. ઈન્ફોસિટી પોલીસે આરોપીની ધરપકડ કરી છે. આરોપીને તેના ઘરે લઈ જઈને રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. ચાર લાખ હારતા ઘરકંકાસ ચાલતો હતો
ગાંધીનગરના સરગાસણમાં શ્રી રંગ નેનો સિટી-1માં પત્ની-પુત્રની નિર્મમ હત્યા કરનાર પતિની પોલીસે ધરપકડ કરી લીધી છે. ઓનલાઇન તીનપત્તી (રમી સર્કલ ગેમ) રમવાની લતમાં ચાર લાખનું દેવું થઇ જતાં દંપતી વચ્ચે ઘરકંકાસ ચાલતો હતો. ગત ગુરુવારે પણ માથાકૂટ થતાં પત્નીએ મરી જવાનું કહેતા જાતે જ દુપટ્ટા વડે ગળેટૂંપો આપી ચાર વર્ષના દીકરાને માથામાં સળિયો મારીને હત્યાને અંજામ આપ્યો હોવાનું ઈન્ફોસિટી પોલીસ સમક્ષ હત્યારા પતિએ કબૂલાત કરી છે. નવ વર્ષના લગ્નજીવનમાં ચાર વર્ષના દીકરો હતો
આજથી નવ વર્ષ અગાઉ સુરેન્દ્રનગરનાં અને હાલમાં સરગાસણ શ્રીરંગ નેનો સિટી-1 મકાન નંબર-આઇ/303 માં રહેતા હરેશ કનુભાઈ વાઘેલા સાથે આશાબહેનનાં લગ્ન થયાં હતાં. આ લગ્નજીવનથી દંપતીને ચાર વર્ષનો દીકરો ધ્રુવ હતો. જ્યારે હરેશ સેક્ટર-11 સુમન ટાવરમાં આવેલા એમ્પાયર હેર સલૂન નોકરી કરતો હતો. તેમજ આશાબેન અલગ અલગ જગ્યાએ રસોઇકામ કરતાં હતાં. ગુરુવારે શેરબજારમાં દેવું થયાની થિયરી કહી
ગત ગુરુવારે તેણે પત્ની આશાબેન તથા ચાર વર્ષના પુત્ર ધ્રુવની હત્યા કરીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. હરેશે પત્ની આશાનું ગળું દબાવી અને પુત્ર ધ્રુવનું તિજોરી સાથે માથું અથડાવીને કરપીણ હત્યા કરી હોવાની થિયરી પોલીસ તપાસમાં બહાર આવી રહી હતી. પોલીસને સ્થળ પરથી એક સુસાઈડ નોટ મળી આવી છે. જેમાં તેણે સુરેન્દ્રનગરમાં મકાન લેવું હોઇ અને શેરબજારમાં દેવું થઈ જતાં આ કૃત્ય આચર્યું હોવાનો ઉલ્લેખ કર્યો હતો. જોકે, પોલીસની પ્રાથમિક તપાસમાં હરેશ શેરબજારની અજ્ઞાનતા ધરાવતો હોવાનું સામે આવ્યું હતું. હત્યારો પત્ની-પુત્રની લાશ પાસે પડી રહ્યો
વધુમાં પોલીસ તપાસમાં હત્યાકાંડને અંજામ આપ્યા પછી તે કલાકો સુધી પત્ની-પુત્રની લાશ જોડે રહ્યો હતો. દરમિયાન તેણે ચાર-ચાર વખત આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમાં પ્રથમ વખત હરેશે શરીર પર કેરોસીન છાંટ્યું હતું, પરંતુ તે દીવાસળી સળગાવવાની હિંમત કરી શક્યો નહતો. બાદમાં તેણે પંખે દુપટ્ટો બાંધીને ફાંસો ખાવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેમાં પણ તે ડરી ગયો હતો. ત્યારબાદ તેણે હાથની નસ કાપવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તે હાથની નસ કાપવાથી પણ થરથરી ગયો હતો. આથી નસની બાજુમાં થોડાઘણા કાપા માર્યા હતા. આખરે તેણે ઘરમાં પડેલી ઝેરી દવા પણ ગટગટાવી લઈને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેના આ ચોથા પ્રયાસમાં પણ તે બચી ગયો હોવાની થિયરી પોલીસ તપાસમાં ખૂલી હતી. તીનપત્તીમાં નવ લાખ દેવું કર્યું, પતિ-પત્નીએ ભર્યુ
ત્યારે ગઈકાલે (9 માર્ચે) રાતના પોલીસે હત્યારા હરેશની ધરપકડ કરી પૂછતાછ કરતાં હત્યારાએ નવી જ થિયરી વર્ણવી છે. જેમાં તેણે કબૂલાત કરી છે કે, અગાઉ પાંચેક વર્ષ પહેલાં ઓનલાઇન તીનપત્તી રમવામાં નવ લાખ જેટલું દેવું થઈ ગયું હતું. જેની આ લતના લીધે પત્ની આશા રિસાઈને પિયર જતી રહી હતી. બાદમાં સામાજિક રાહે સમાધાન થતાં છેલ્લાં ત્રણેક વર્ષથી જોડે રહેતાં હતાં. આશા લોકોના ઘરે રસોઇ બનાવવા જતી અને હરેશ સલૂનમાં નોકરી કરતો હતો અને બંનેએ અગાઉનું દેવું પણ ચૂકતે કરી દીધું હતું. પત્નીએ ઘર લેવા ચાર લાખ ઉછીના લીધા હતા
બાદમાં સુરેન્દ્રનગરમાં મકાન લેવાનું હોવાથી આશા હાથ ઉછીના ચારેક લાખ લઈ આવી હતી. જે પૈસા પણ પોતે ઓનલાઇન તીનપત્તી રમવામાં હારી ગયો હતો. જેના લીધે ઘરકંકાસ ચાલતો હતો. બનાવના દિવસે સવારે પત્ની જોડે માથાકૂટ થઇ હતી. દરમિયાન આશાએ આવેગમાં આવી મરી જઈ પોતાની જિંદગીનો અંત લાવી દેવાનું કહ્યું હતું. એટલે હરેશ કહેવા લાગેલો કે, તું શું કામ મરે છે, હું જ તને મારી નાખું એમ કહી તેણે આશાને લોખંડનો રોડ (સળિયો) માથામાં માર્યો હતો. અને આશા લોહી નિતરતી હાલતમાં નીચે ફસડાઈ પડી હતી. આટલેથી નહીં અટકેલા હરેશે પત્નીએ પહેરેલા દુપટ્ટા વડે ગળેટૂંપો આપ્યો હતો અને આશા તરફડિયાં મારીને મોતને ભેટી હતી. એવામાં પુત્ર ઊંઘમાંથી ઊઠી ગયો હતો અને એનું શું થશે એમ વિચારી હરેશે પુત્રને માથામાં સળિયો મારી પતાવી દીધો હતો. અરીસાથી નસ કાપી, ફિનાઈલ પીધું ચાર ચાર પ્રયાસ
બાદમાં કલાકો સુધી બંનેની લાશ જોડે રહ્યો હતો. પોતે પણ મરી જવાનું વિચારી ધાબા પર ગયો હતો. પરંતુ સવાર સવારમાં ધાબા ઉપર તેને એક યુવતી જોઈ ગઈ હતી. એટલે ફરી પાછો રૂમમાં આવી લાલ કલરનો દુપટ્ટો પંખાએ બાંધેલો, પણ ફાંસો ખાવાની હિંમત થઈ ન હતી. એટલે તિજોરીનો અરીસો તોડી હાથની નસ કાપી હતી. જેમાં લોહી તો વહેતું હતું પણ કોઈ ખાસ અસર થઈ ન હતી. જેથી સોસાયટીની બહાર જઈ ફિનાઈલની બોટલ લઈ આવી ગટગટાવી હતી. જે તેનાં કપડાં પર પણ પડ્યું હતું. (જેની ગંધ કેરોસીન જેવી આવતી હોય પોલીસ કેરોસીન છાંટ્યું માની બેઠેલી) જેનાં લીધે તે દોઢ બે કલાક બેભાન રહ્યો હતો. અને ઊઠ્યો એટલે કાચ વડે ફરી ડાબા હાથ ઉપર ઘા માર્યા હતા. આ વખતે પુષ્કળ લોહી વહેવા લાગ્યું હતું. બાદમાં દરવાજો આડો કરીને પત્ની-પુત્રની લાશ જોડે જઈને સૂઈ ગયો હતો. આ વખતે એને એમ હતું કે આપઘાતમાં સફળ થશે, પરંતુ એવામાં પાડોશી ચાર્જિંગવાળો બલ્બ લેવા ગયા ને સમગ્ર હત્યાકાંડ બહાર આવ્યો હતો. જોકે, હરેશને પત્નીને આડાસંબંધો હોવાની પણ શંકાઓ હતી. પરંતુ તેની પાસે કોઈ પુરાવા નથી એવું પણ પોલીસ પૂછતાછમાં બહાર આવ્યું છે. હાલમાં તો ઈન્ફોસિટી પીઆઈ વી. આર. ખેરે ટીમ સાથે હત્યારા પતિને સાથે રાખી સમગ્ર હત્યાકાંડનું રિકન્સ્ટ્રકશન કરવામાં આવ્યું છે. જેના રિમાન્ડ દરમિયાન વધુ વિગતો બહાર આવે એવી શક્યતા વર્તાઈ રહી છે. આરોપી પોલીસને ગેરમાર્ગે દોરતા દાવા કરી રહ્યો છે
બીજી તરફ સુસાઇડ નોટમાં શેરબજારમાં દેવું થઈ ગયાના ઉલ્લેખ કરી પોલીસને ગેરમાર્ગે દોરવા મામલે હત્યારાએ પોલીસ સમક્ષ દાવો કર્યો છે કે, ઓનલાઇન ગેમનું પ્રોપર નામ આવડતું નહીં હોવાથી શેરબજારમાં દેવું થયાનું લખી દીધું હતું. જોકે, આ નિવેદન પણ ઘણી શંકાઓ ઉપજાવી રહી છે. કેમ કે, તીનપત્તી ગેમ રમવામાં લાખો રૂપિયા હારી જવાનો દાવો કરનાર હરેશ ઓનલાઇન ગેમનું નામ નહીં જાણતો હોય એવું લાગી રહ્યું નથી અને માત્ર ચાર લાખની માથાકૂટમાં પત્ની- પુત્રની હત્યા કરી હોવાની થિયરી પણ અનેક શંકાઓ ઉપજાવી રહી છે. એ જ રીતે પોતે સલૂનમાં કામ કરતો હોવા છતાં હાથની નસ કાપવા માટે તિજોરીનો અરીસો તોડ્યો હોવાનો પણ હરેશ દાવો કરી રહ્યો છે. હાથની નસ જ કાપવી જ હોત તો પોતાના અસ્ત્રા કે ઘરમાં રહેલી છરી ચાકુ વડે પણ નસ કાપી શકતો હોત. પરંતુ તેણે ઘરમાં છરી ચપ્પુ કે અન્ય તીક્ષ્ણ હથિયાર નહીં હોવાનું જણાવી પોલીસને પણ ગોથે ચઢાવી દીધી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments