back to top
Homeગુજરાત'અમે અમારો છોકરો એમના ભરોસે મૂક્યો'તો':પચ્છમ છાત્રાલયના પીડિતના પરિવારનો આક્ષેપ- સંસ્થાના સંચાલકોએ...

‘અમે અમારો છોકરો એમના ભરોસે મૂક્યો’તો’:પચ્છમ છાત્રાલયના પીડિતના પરિવારનો આક્ષેપ- સંસ્થાના સંચાલકોએ CCTV ડિલીટ કર્યાં; 5 વિદ્યાર્થી હોસ્ટેલમાંથી સસ્પેન્ડ

ધંધુકા તાલુકાના પચ્છમ ગામના છાત્રાલયમાં એક ગંભીર ઘટના સામે આવી હતી. એક વિદ્યાર્થી સાથે અમાનવીય શારીરિક ત્રાસ અને દુષ્કર્મના કેસમાં પોલીસે પાંચ સગીર આરોપીને રાઉન્ડ અપ કર્યા છે. આ સમગ્ર મામલે DEOની ટીમે છાત્રાલયની મુલાકાત લઈ નિવેદનો લીધાં હતાં. અમદાવાદ ગ્રામ્ય DEOએ સંચાલક અને આચાર્યની રૂબરૂ પૂછપરછ કરી કારણદર્શક નોટિસ ફટકારી. હાલ આ મામલે પાંચ વિદ્યાર્થીને હોસ્ટેલમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પીડિત વિદ્યાર્થીનાં પરિવારજનોએ આ કેસમાં નિષ્પક્ષ તપાસની માગ કરતાં જણાવ્યું હતું કે, અમે તો અમારો છોકરો એમના ભરોસે મૂક્યો હતો પણ, સંચાલકોએ ધ્યાન ન આપ્યું. પરિવારે આક્ષેપ કર્યો છે કે, સંસ્થાના સંચાલકોની ઘોર બેદરકારી છે, તેમણે CCTV ફૂટેજ ડિલેટ કરી દીધા છે. એટલું નહિ આવા તો અનેક બનાવો આ છાત્રાલયમાં બન્યા છે. અમારી એક જ માગ છે કે, આ ઘટના માટે જવાબદાર તમામને કડક સજા કરવામાં આવે. પોલીસ તપાસમાં વધુ આરોપીઓ સામે પણ પુરાવા મળી શકે છે. અમદાવાદ ગ્રામ્ય DEO કૃપા ઝાનું ઘટના અંગે નિવેદન
15 દિવસ પહેલાં ઘટના બની હોવાનો સંચાલકોનો દાવો છે. શાળા આચાર્ય અને સંચાલકને નોટિસ આપવામાં આવી છે. શાળા કક્ષાનાં બાળકોમાં આવી વિકૃતિ દુઃખદ બાબત છે. સંચાલકોએ ભવિષ્યમાં આવી ઘટના ના બને એની બાંહેધરી આપી છે. શાળાનાં બાળકોમાં આ પ્રકારની ઘટના બને તે ખૂબ જ નિમ્ન બાબત છે. તમામ વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ કરવામાં આવશે. હાલ આ મામલે પાંચ વિદ્યાર્થીને હોસ્ટેલમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જો કે, શિક્ષકોએ ભણતરની સાથે વિદ્યાર્થીઓને મોરલ વેલ્યૂ અને નૈતિકતાના પાઠ ભણાવવા જોઇએ. પચ્છમમાં છાત્રાલયમાં બનેલી ઘટના અંગે સંચાલકનું નિવેદન
જે બનાવ બન્યો હું તે અંગે અજાણ છું. બાવીસ દિવસ અગાઉ ઝઘડો થયો હતો. ત્યારે વાલીએ ધંધુકામાં ફરિયાદ નોંધાવી હતી. જો કે, ભોગ બનનાર વાલીએ ભવિષ્યને ધ્યાનમાં રાખીને સમાધાન કર્યું હતું. ત્યાર બાદ આ વીડિયો વાઇરલ કરવામાં આવ્યો હતો. જે બાદ જે પાંચ વિદ્યાર્થીઓ દોષિત હતા, તેમનો પ્રવેશ રદ કરવામાં આવ્યો છે. હવે પછી આવી ઘટના ન બને તે અંગે ધ્યાન રાખવામાં આવશે. છાત્રાલયમાં કોઈ વોર્ડન હાજર ન હતા. રાત્રિના સમયે આ ઘટના બની હતી. શું હતો સમગ્ર મામલો?
ધંધુકા તાલુકાના પચ્છમ ગામમાં સમાજકલ્યાણ વિભાગ દ્વારા સંચાલિત સરસ્વતી કુમાર છાત્રાલયની એક રૂમમાં એક સગીર વિદ્યાર્થી સાથે અન્ય પાંચ સગીર આરોપીએ એકબીજાની મદદગારી કરી, બાળકને નિર્વસ્ત્ર કર્યો અને સાથે તેની સાથે 35 મિનિટ સુધી અમાનવીય કૃત્ય કર્યું હતું. એટલું જ નહિ આ સમગ્ર ઘટનાનો વીડિયો ઉતાર્યો અને જો કોઇને કહેશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી માર માર્યો હતો. સંપૂર્ણ અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો. ‘છોકરાનું ભણતર ન બગડે એટલે પહેલા સમાધાન કર્યું હતું’
પીડિતના સગાએ જણાવ્યું હતું કે, ભોગ બનનાર છોકરો અમારો સગો થાય છે, તેણે 22/2/2025ના રોજ અમને જાણ કરી કે મારી સાથે આવું બન્યું છે. જેથી અમે તેને ત્યાંથી ઘરે લાવ્યા હતા. ઘરે આવીને તેણે અમને જણાવ્યું કે તેને માર મારવામાં આવ્યો છે. જેથી અમે તેની ફરિયાદ કરી હતી, જો કે તે બાબતે સમાજિક રીતે સમાધાન થઇ ગયું હતું. સમાજના લોકોએ કહ્યું કોઇ છોકરાનું ભણતર ન બગડે એટલે આપણે ફરિયાદ ન કરતાં સમાધાન કરી લેવું જોઇએ. ‘અમે રાત્રે 10 વાગે ફરિયાદ આપવા ગયા’
જે પછી આટલા દિવસો બાદ તારીખ 8/3/2025ના રોજ એક વીડિયો વાઇરલ થયો તેની અમને જાણ થઇ. પચ્છમ ગામના જે છોકરાઓએ આ વીડિયો ઉતાર્યો હતો, તેમણે તેને વાઇરલ કરી દીધો હતો. જેની અમને મીડિયા દ્વારા સમગ્ર ઘટના અંગે જાણ થઇ. જેથી અમે પોલીસને આ અંગે રજૂઆત કરી હતી. અમે રાત્રે 10 વાગે ફરિયાદ આપવા આવ્યા હતા. જો કે પોલીસે અમને રાત્રે 12 વાગે જણાવ્યું કે, તમે બીજા દિવસે એટલે કે, 9 તારીખે ફરિયાદ આપવા આવજો. બીજા દિવસે અમે સવારે 10 વાગે ફરિયાદ આપવા આવ્યા તો પોલીસે પહેલા અમારા દીકરાની પૂછપરછ કર્યા બાદ અમારી ફરિયાદ લીધી હતી. ‘અમારો છોકરો ડરી ગયો હતો એટલે કંઇ બોલી શક્યો ન હતો’
કાલ રાત્રે અમારા દીકરાએ અમને બધી હકીકત જણાવી. તે પહેલાં તો તેણે અમને ખાલી માર માર્યો એટલું જ જણાવ્યું હતું. જો કે અમે વીડિયો જોયા બાદ તેને સમજાવતા તેણે અમને સમગ્ર હકીકત જણાવી હતી. પચ્છમ ગામની હોસ્ટેલમાં અમારો છોકરો રહેતો હતો. તે સરસ્વતી કુમાર બક્ષીપંચ છાત્રાલયમાં ભણતો હતો. ત્યાં ભણતાં પાંચ છોકાઓએ તેની સાથે આ કૃત્ય કર્યું તેવું તેણે અમને કાલે સાંજે જણાવ્યું હતું. છેલ્લા 7-8 દિવસથી એ લોકો અમારા છોકરાને હેરાન કરતા હતા અને તેને મારી નાખવાની ધમકી આપતા હતા. તેની સાથે ના કરવાનું કૃત્ય કર્યુ, જેથી અમારો છોકરો ડરી ગયો હતો અને તે કાંઇ બોલી શક્યો ન હતો. અમે છોકરાને હિંમત આપી પોલીસમાં જાણ કરી હતી. ‘આવા બનાવો અનેક છોકરાઓ સાથે બન્યા’
આ બાબતે સંચાલકો સાવ બેદરકાર છે. ડોડિયા સુખદેવભાઇ સંસ્થાના સંચાલક છે. ઘનશ્યામભાઇ મેરુભાઇ ત્યાંના ગૃહપતિ છે. મહેન્દ્રભાઇ ડોડિયા ત્યાંના રાત્રી સિક્યોરિટી ગાર્ડ છે. તેમ છતાં ઘટના ઘટી ત્યારે ત્યાં કોઇપણ હાજર રહ્યા ન હતા. એટલું જ નહિ, છાત્રાલયના CCTV પણ તેમણે ડિલેટ કરી નાખ્યા છે તેવું અમને ગામલોકો દ્વારા જાણવા મળ્યું છે. આ બનાવમાં સંચાલકોની ઘોર બેદરકારી સામે આવી છે. એવું પણ જાણવા મળ્યું છે કે, આવા બનાવો અનેક છોકરાઓ સાથે બન્યા છે. જેનું આ લોકો કાંઇ ધ્યાન આપતા નથી. જવાબદાર વ્યક્તિઓ સામે કડક સજાની માગ
અમે તો અમારો છોકરો એમના ભરોસે મૂક્યો હતો. અમારા પછી તેના માટે જવાબદાર વ્યક્તિ સંસ્થાના સંચાલકો છે. પણ, તેમણે કોઇપણ જાતનું ધ્યાન રાખ્યું નથી. અમારી માગ છે કે, આમાં સંડોવાયેલા પાંચ આરોપીઓ તેમજ બેદરકાર સંચાલકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. આ ઉપરાંત આમાં સંડોવાયેલા તમામ લોકોને કાનૂન સજા આપે, જેથી ફરીવાર કોઇ છોકરા સાથે આવું ન થાય. બસ અમારી આ જ માગ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments