મહારાષ્ટ્રના સંભાજીનગર (જૂનું ઔરંગાબાદ)માં ક્રૂર મુઘલ શાસક ઔરંગઝેબની કબર છે. આ કબર હટાવવા માટે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે નિવેદન આપ્યા પછી બધા પક્ષો એકમત થઈ ગયા. મહારાષ્ટ્રમાં રાજકારણ ભલે નફરતથી ભરેલું હોય પણ આવા સમયે બધા પક્ષો એક બની ગયા છે. ઔરંગઝેબની કબર હટાવવાનો મુદ્દો અચાનક બે કારણોથી સામે આવ્યો. એક, હિન્દી ફિલ્મ છાવાના કારણે ઔરંગઝેબની ક્રૂરતા લોકોએ જાણી. બીજું, મહારાષ્ટ્રના જ સપાના સાંસદે ઔરંગઝેબને તરફેણ કરી ને વિવાદ શરૂ થયો. નમસ્કાર, છાવા ફિલ્મ પછી ઔરંગઝેબની ચર્ચા વધારે થવા લાગી. એમાં મહારાષ્ટ્રના સમાજવાદી પાર્ટીના સાંસદ અબુ આઝમીએ બળતામાં ઘી હોમ્યું. અબુ આઝમી પર યોગી પણ ભડક્યા છે અને મહારાષ્ટ્રમાં બધા પક્ષના નેતાઓ એક થઈને ઔરંગઝેબની કબર હટાવવા સ્ટ્રેટેજી બનાવી રહ્યા છે. અબુ આઝમીના નિવેદન પછી વિવાદ શરૂ થયો
મહારાષ્ટ્રના સપાના સાંસદ અબુ આઝમીએ 3 માર્ચે ઔરંગઝેબ તરફી નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, આજકાલ ફિલ્મો દ્વારા આપણને ખોટો ઇતિહાસ બતાવવામાં આવી રહ્યો છે. ઔરંગઝેબે ઘણા મંદિરો બંધાવ્યા. હું તેને ક્રૂર શાસક નથી માનતો. છત્રપતિ સંભાજી મહારાજ અને ઔરંગઝેબ વચ્ચેનો સંઘર્ષ ધાર્મિક નહોતો પણ સત્તા અને સંપત્તિ માટેનો સંઘર્ષ હતો. જો કોઈ કહે કે આ લડાઈ હિન્દુઓ અને મુસ્લિમો માટે હતી, તો હું માનતો નથી. છત્રપતિ સંભાજી મહારાજ અને ઔરંગઝેબ વચ્ચેનો સંઘર્ષ ધાર્મિક નહોતો, પરંતુ સત્તા અને સંપત્તિ માટેનો સંઘર્ષ હતો. આ નિવેદવથી મહારાષ્ટ્રમાં ભારે વિવાદ શરૂ થયો. શિવસેનાના લોકસભા સાંસદ નરેશ મહસ્કેએ મહારાષ્ટ્રના થાણેમાં અબુ આઝમી વિરુદ્ધ FIR નોંધાવી. પોલીસે ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ 299, 302, 356 (1) અને 356 (2) હેઠળ કેસ નોંધ્યો. આ ઉપરાંત શિવસેના સમર્થકોએ પણ મરીન ડ્રાઇવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. વિવાદ વકરતાં અબુ આઝમીએ શું સ્પષ્ટતા કરી?
અબુ આઝમીએ નિવેદન આપ્યા પછી વિવાદ વકર્યો અને પોલીસ ફરિયાદો થવા લાગી એટલે અબુ આઝમીએ માફી માગી. તેણે સ્પષ્ટતા કરતું નિવેદન આપીને જણાવ્યું કે, ઔરંગઝેબે મંદિરોની સાથે મસ્જિદોનો પણ નાશ કર્યો. મારા શબ્દોને તોડી-મોડી રજૂ કરવામાં આવ્યા છે. પરંતુ તેમ છતાં જો કોઈને મારા શબ્દોથી દુઃખ થયું હોય તો હું મારા શબ્દો, મારું નિવેદન પાછું લઉં છું. મેં ફક્ત એ જ કહ્યું છે જે ઇતિહાસકારો અને લેખકોએ લખ્યું છે. ઔરંગઝેબના સમયમાં ભારતને સોને કી ચીડિયાં કહેવાતું હતું. મેં છત્રપતિ શિવાજી મહારાજ, સંભાજી મહારાજ કે અન્ય કોઈ મહાપુરુષ વિશે કોઈ અપમાનજનક ટિપ્પણી કરી નથી. કોણ છે વિવાદ છેડનાર અબુ આઝમી?
અબુ આઝમી મૂળ યુપીના આઝમગઢના રહેવાસી છે. તે મહારાષ્ટ્રમાં સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય છે. ગત ચૂંટણીમાં અબુ આઝમી મહારાષ્ટ્રની માનખુર્દ શિવાજી નગર બેઠક પરથી જીત્યા હતા. 1995માં અબુ આઝમીના નેતૃત્વમાં સપાએ 2 બેઠકો જીતી હતી. 2004માં અબુ આઝમીએ પહેલીવાર વિધાનસભા ચૂંટણી લડી હતી પરંતુ તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. 2002 થી 2008 સુધી સપા તરફથી રાજ્યસભાના સભ્ય રહેલા અબુએ 2009માં લોકસભાની ચૂંટણી લડી હતી અને કોંગ્રેસ પક્ષના ગુરુદાસ કામત સામે હારી ગયા હતા. 2009થી 2024 વચ્ચે અબુ માનખુર્દ શિવાજી નગરથી ત્રણવાર લોકસભા ચૂંટણી જીત્યા. મહારાષ્ટ્રમાં ઔરંગઝેબની કબર હટાવવા રાજકારણ ગરમાયું
‘છાવા’ ફિલ્મમાં જે રીતે ઔરંગઝેબને સંભાજી મહારાજ પર અત્યાચાર કરતો બતાવાયો છે તેનાથી ભલભલાંના રુંવાડા ઊભાં થઈ જાય છે. એવામાં અબુ આઝમીએ આપેલા નિવેદનથી મહારાષ્ટ્રમાં ઔરંગઝંબની કબર હટાવવા મામલે પણ રાજકારણીઓ એક મંચ પર આવી ગયા છે. મહારાષ્ટ્રના સંભાજીનગરમાં આવેલી ઔરંગઝેબની કબરને દૂર કરવાની માંગણીએ જોર પકડ્યું છે. આ મામલે બધા પક્ષો એક થઈ ગયા છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ કબર દૂર કરવા ઈચ્છા દર્શાવી છે. તેને કોંગ્રેસ, શિવસેના, મનસે, બધાએ સર્વાનુમતે તેને ટેકો આપ્યો છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે અમે ઔરંગઝેબની કબર પણ દૂર કરવા માંગીએ છીએ, પરંતુ તે એક રક્ષિત સ્મારક છે. કોંગ્રેસ સરકાર દરમિયાન તેને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ તરફથી રક્ષણ મળ્યું હતું. આનો જવાબ આપતાં કોંગ્રેસે ભાજપ પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસના નેતા નાના પટોલેએ કહ્યું કે દેવેન્દ્ર ફડણવીસ ત્રણ વખત મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. દર વખતે કોંગ્રેસને દોષ આપવો યોગ્ય નથી. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારે પોતાનો નિર્ણય જાતે લેવો જોઈએ. ભાજપના નેતા સુધીર મુનગંટીવારે કહ્યું, મહાવિકાસ અઘાડી સરકાર આ નકબરને જાળવી રાખવા માંગતી હતી, જ્યારે અમારી સરકાર તેને દૂર કરવાના પક્ષમાં છે. ઔરંગઝેબ જેવા આક્રમણખોરનોનું મહિમામંડન ન થવું જોઈએ. શિવસેનાના નેતા શંભુરાજે દેસાઈએ કહ્યું કે અમારી સરકાર ઔરંગઝેબની કબર દૂર કરવાના પક્ષમાં છે. મુખ્યમંત્રી અને બંને નાયબ મુખ્યમંત્રીઓ આ મુદ્દે કેન્દ્ર સરકાર સાથે વાત કરશે. બીજી તરફ સતારા રાજપરિવારના સભ્ય, ભાજપના સદસ્ય અને છત્રપતિ શિવાજી મહારાજના વંશજ શિવેન્દ્ર રાજે ભોંસલેએ આ મુદ્દે સ્પષ્ટતા કરી કે, ઔરંગઝેબની કબર મહારાષ્ટ્રમાં ન રહેવી જોઈએ. આમાં કોઈને ખોટું લગાડવા જેવું કંઈ નથી. રાજ ઠાકરેની પાર્ટી મનસેના નેતા બાલા નંદગાંવકરે કહ્યું કે શિવાજી મહારાજને પરેશાન કરનારા અને સંભાજી મહારાજની હત્યા કરનારા ઔરંગઝેબની કબરની કોઈ જરૂર નથી. તેને શક્ય તેટલી વહેલી તકે દૂર કરવી જોઈએ. યોગી આદિત્યનાથે આઝમીનું નામ લીધા વગર કહ્યું, એને યુપી મોકલો, અમે ઉપચાર કરીશું
સપા સાંસદ અબુ આઝમીએ આપેલા નિવેદન પછી ઈન્ડિયા ટુડે કોન્ક્લેવમાં યોગી આદિત્યનાથે કહ્યું કે, જો કોઈ ઔરંગઝેબને પોતાનો નાયક માને છે તો એ માનસિક વિકૃતિનો શિકાર છે. કોઈ સભ્ય મુસલમાન પરિવાર પણ પોતાના પુત્રનું નામ ઔરંગઝેબ નથી રાખતા. કારણ કે ઔરંગઝેબે પોતાના પિતા શાહજહાંને જ કેદ કરી દીધા હતા. પાણીના એકએક ટીપાં માટે તરસાવ્યા હતા. સાંજાએ પોતાની આત્મકથામાં લખ્યું છે કે, આવો ક્રૂર દીકરો કોઈને પેદા ન થાય. કમ સે કમ એ હિન્દુ સારા છે કે જેમાં વૃદ્ધ મા-બાપની સેવા થાય છે ને મૃત્યુ પછી પણ તર્પણ થાય છે. કાશી વિશ્વનાથ મંદિર, મથુરામાં કૃષ્ણ જન્મભૂમિ મંદિર, હજારો મંદિરો ઔરંગઝેબે તોડ્યા હતા. ભારતની આસ્થાને દુભાવી હતી. હજારો હિન્દુઓની કતલ કરી હતી. આવા ક્રૂર ઔરંગઝેબને કોઈ પોતાનો આદર્શ માને તો આવી માનસિક વિકૃતિના ઈલાજનું સૌથી સારું સેન્ટર ઉત્તર પ્રદેશ છે. અહીં આવો, બહુ સારી રીતે ઉપચાર કરી દેશું. ઔરંગઝેબ અને છત્રપતિ સંભાજી વચ્ચેની દુશ્મનાવટની કહાની શું છે?
લેખક શિવાજી સાવંત દ્વારા લખાયેલા પુસ્તક “છાવા” માં ઉલ્લેખ છે કે સંભાજી મરાઠા સામ્રાજ્યના સ્થાપક છત્રપતિ શિવાજીના મોટા પુત્ર અને સામ્રાજ્યના વારસદાર હતા. શિવાજીના મૃત્યુ પછી તેઓ મરાઠા સામ્રાજ્યના સિંહાસન પર બેઠા. તેમણે 1681 થી 1689 સુધી શાસન કર્યું. મરાઠાઓ અને મુઘલો વચ્ચેના મોટાભાગના સંઘર્ષો તેમના કાર્યકાળ દરમિયાન થયા હતા. તે સમયે મુઘલ સામ્રાજ્યનો શાસક ઔરંગઝેબ હતો. એક તરફ સંભાજી કોઈપણ કિંમતે દખ્ખણ (દક્ષિણ)માં મુઘલોના વિસ્તરણને રોકવા માંગતા હતા. તો બીજી તરફ ઔરંગઝેબ કોઈપણ ભોગે મરાઠા સામ્રાજ્યનો અંત લાવવા માંગતો હતો. આ કારણે સંભાજીએ હાલના મધ્યપ્રદેશમાં બુરહાનપુર પર હુમલો કર્યો, જે એ સમયે મુઘલોના નિયંત્રણ હેઠળ હતું. તે સમયે બુરહાનપુર વેપારનું એક મુખ્ય કેન્દ્ર હતું. સંભાજીની આ યોજનાના કારણે ઔરંગઝેબ આગળ વધી શક્યો નહીં. ત્યાર પછીના વર્ષોમાં મુઘલ અને મરાઠા સામ્રાજ્યો ઘણી વખત સામસામે આવ્યા. પછી આખરે 1 ફેબ્રુઆરી 1689ના દિવસે ઔરંગઝેબે વિશ્વાસઘાત કરીને સંભાજીને કેદ કરી લીધા. ઔરંગઝેબે સંભાજીને ઘણા દિવસો સુધી ત્રાસ આપ્યો અને પછી તેમની હત્યા કરી. ઔરંગઝેબનો જન્મ ગુજરાતના દાહોદમાં થયો હતો!!
ક્રૂર મુઘલ શાસક ઔરંગઝેબનો જન્મ 4 નવેમ્બર 1618માં ગુજરાતના દાહોદમાં થયો હતો. ઔરંગઝંબનું આખું નામ અબુલ મુઝફ્ફર મુહિઉદ્દીન મુહમ્મદ ઔરંગઝેબ હતું. તે શાહજહાં અને મુમતાઝનો દીકરો હતો. ઔરંગઝેબ ચાર ભાઈઓમાં સૌથી નાનો હતો. તેના ત્રણ મોટા ભાઈના નામ હતા શિકોહ, શાહ શુજા અને મુરાદ બખ્શ. ઔરંગઝેબે આમાંથી એક ભાઈ દારા સિકોહનું મસ્તક કાપીને તેના પિતાને મોકલ્યું હતું. ઔરંગઝંબે 1658થી 1707 સુધી લગભગ 49 વર્ષ શાસન કર્યું. પહેલાં નામ હટ્યાં, હવે કબર હટશે! નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા પછી 2015માં મધ્ય દિલ્હીના એક રોડનું નામ લોર્ડ ડેલહાઉસી હતું તે બદલીને દારા શિકોહ રોડ કરી નાખ્યું. આ માર્ગ રાષ્ટ્રપતિ ભવનથી માત્ર 2 કિ.મી.દૂર છે. આ જ વર્ષમાં ઔરંગઝેબ માર્ગનું નામ બદલીને ડો. એ.પી.જે.અબ્દુલ કલામ કરી નાખવામાં આવ્યું હતું. એટલે 2015માં રોડના નામમાંથી ઔરંગઝેબનું નામ હટી ગયું, હવે દાયકા પછી તેની કબર પણ હટશે. ઔરંગઝેબ અને સંભાજીની દુશ્મની પર બનેલી ફિલ્મ 500 કરોડ કમાઈ ગઈ
વિકી કૌશલ અભિનિત ફિલ્મ છાવા મરાઠી ઉપન્યાસ પરથી બની છે. થિયેટરમાં રિલિઝ થયે આ ફિલ્મને એક મહિનો થશે. અત્યાર સુધીમાં આ ફિલ્મે 500 કરોડથી વધારેની કમાણી કરી છે. ફિલ્મમાં લોકોને સંભાજી મહારાજ પર થયેલા અત્યાચારના દ્રશ્યોએ હચમચાવી નાખ્યા છે. ત્યારથી લોકોમાં ઔરંગઝેબ પ્રત્યે વધારે નફરત ઊભી થઈ છે. આ ફિલ્મ રિલિઝ થઈ પછી જ ઔરંગઝેબની ક્રૂરતાની વાતો વધારે થવા લાગી છે. છેલ્લે,
એક તરફ મુઘલ બાદશાહની કબર હટાવવા મહારાષ્ટ્રમાં માગ ઉઠી છે તો પાડોશી દેશ નેપાળમાં રાજા જ્ઞાનેન્દ્રસિંહની વાપસી માટે માગ ઉઠી છે. નેપાળમાં આર્થિક હાલત કફોડી બની છે અને લોકો સમસ્યાઓથી ઘેરાયેલા છે એટલે ઓલી સરકાર સામે પસ્તાળ પડી છે. જોવાનું એ રહે છે કે, ભારતમાંથી બાદશાહની કબર હટશે કે નેપાળમાં ફરી રાજા બિરાજશે? બંને બાબત અનિશ્ચિત છે. સોમવારથી શુક્રવાર તમે રાત્રે 8 વાગ્યે જોતા રહો એડિટર્સ વ્યૂ… આવતીકાલે ફરી મળીએ… નમસ્કાર (રિસર્ચ -યશપાલ બક્ષી)