શહેરમાં વિવિધ વિસ્તારોમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે રોડ બનાવવામાં આવે છે. છતાં પણ રોડની ફરિયાદો દિન પ્રતિદિન વધી રહી છે. છેલ્લા પાંચ વર્ષમાં 4,383 કરોડનો ખર્ચ કર્યા બાદ પણ 1.53 લાખ જેટલી રોડની ફરિયાદો નાગરિકો દ્વારા કરવામાં આવી છે. 336 જેટલા ભુવા પડવાની ફરિયાદ નોંધાઈ છે. રોડ અંગેની રોજની સરેરાશ 100 જેટલી ફરિયાદો નોંધવામાં આવે છે. કરોડો રૂપિયાનો ખર્ચ છતાં રોડની કામગીરીમાં અધિકારીઓને કોન્ટ્રાક્ટરો બેદરકારી દાખવતા હોવાના કારણે પ્રજાને હાલાકીનો સામનો કરવો પડે છે. વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણે જણાવ્યું હતું કે, ભાજપના સત્તાધીશો દ્વારા વિકાસની વાતો કરવામાં આવે છે, પરંતુ રોડની બાબતે વિકાસ પોકળ સાબિત થયો છે. વર્ષ 2021-22થી વર્ષ 2024-25 દરમિયાન રોડ બનાવવા પાછળ પ્રોજેક્ટ દ્વારા 2,078 કરોડ, વિવિધ ઝોન દ્વારા 590 કરોડ અને સ્વર્ણિમ યોજના અંતર્ગત 1714.86 કરોડ મળી છેલ્લા ચાર વર્ષમાં કુલ 4,383.16 કરોડ જેટલી માતબર રકમ ખર્ચ કરાઇ છે. શાસક પક્ષ દ્વારા વર્ષ 2023-24ના બજેટમાં વોર્ડ દીઠ બે વ્હાઈટ ટોપિંગ રોડ એટલેકે, 48 વોર્ડ પ્રમાણે કુલ 96 વ્હાઈટ ટોપિંગ રોડ બનાવવાની જાહેરાત કરાઇ હતી. પરંતુ 40 ટકા પણ રોડ બનાવી શક્યા નથી. 60 ટકાથી વધુ વ્હાઈટ રોડ બનાવવાના બાકી છે. રોડ પાછળ કરોડો ખર્ચ કરીને કરાતા વિકાસના દાવા વચ્ચે શહેરમાં ચોમાસા દરમિયાન વર્ષ 2021-22માં 49 ભૂવા, 2022-23માં 79, 2023-24માં 158 ભૂવા અને 2024-25માં 50 ભૂવા મળી દરમિયાન ચાર વર્ષમાં કુલ 339 ભૂવા પડયા છે. ચાલુ વર્ષે 19 હજારથી વધુ નાના-મોટા ખાડાઓ પડયા છે. છેલ્લા 10 વર્ષમાં ડામરનો સારો અને ટકાઉ રોડ બનાવાયો નથી. વરસાદી પાણી ભરાઈ જાય છે. વારંવાર પડતા ભુવાના કારણે પ્રજા પરેશાન થઇ ગઈ છે. પ્રજાના ટેક્સના નાણાં વેડફાઈ રહ્યા હોવા છતાં મોડેલ રોડ, વ્હાઈટ ટોપિંગ રોડ અને હવે આઇકોનીક રોડના નામે નવા અખતરાં કરવામાં આવે છે. આ પછી પણ લોકોની સમસ્યાઓ ઠેરની ઠેર છે.