હીરા ઉદ્યોગમાં છેલ્લા બે-ત્રણ વર્ષથી ભારે મંદી ચાલી રહી છે. આજે ડાયમંડ ફેક્ટરી સંચાલકો ડાયમંડ ઓછા પોલિશિંગ કરાવી રહ્યા છે, તેને કારણે રત્નકલાકારોની મહિનાની આવક ઉપર કાપ મુકાઈ ગયો છે. મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ ધીમી થઈ હોવાને કારણે દર મહિને જે વેતન રત્નકલાકારને મળતું હતું તેમાં ઘટાડો નોંધાયો છે. રત્નકલાકારોની આજીવિકા ઉપર મોટી અસર થતાં હાલમાં પરિવારનું ભરણપોષણ કરવું પણ મુશ્કેલ બની ગયું છે. ત્યારે ડાયમંડ વર્કર એસોસિએન દ્વારા છ મુદ્દે સરકારને રજૂઆત કરી છે. જો આ મામલે સરકાર કોઈ નિવારણ નહિ લાવે તો 30 માર્ચથી ડાયમંડ વર્કર એસોસિએશન હડતાળ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે. તો બીજી તરફ ડાયમંડ વેપારી દામજી માવાણીએ બેરોજગારીની વાતને નકારી રત્નકલાકારોને કામ માટે તેઓની પાસે મોકલવાની વાત કરી છે. ડાયમંડ વર્કર યુનિયની માંગણીઓ સરકારને વારંવાર લેખિતમાં રજૂઆત કરીઃ ભાવેશ ટાંક
ડાયમંડ વર્કર એસોસિએશનના ઉપપ્રમુખ ભાવેશ ટાંકે જણાવ્યું કે, રત્નકલાકારો માટે રત્નકલાકાર કલ્યાણ બોર્ડની રચના કરવામાં આવે તે પ્રકારની માગ કરવામાં આવી છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને વારંવાર આ મુદ્દે લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે, પરંતુ અત્યાર સુધી સરકાર દ્વારા કોઈપણ પ્રકારની સહાય કરવામાં આવી નથી કે રત્નકલાકાર કલ્યાણ બોર્ડની રચના માટે વિચારણા પણ કરવામાં આવી નથી. રત્નકલાકારોને જે વેતન આપવામાં આવી રહ્યું છે, તેમાંથી 30 ટકાનો વધારો થવો જોઈએ, તે પ્રકારની માંગ ડાયમંડ વર્કર યુનિયન દ્વારા કરવામાં આવી છે. ‘રત્નકલાકારોનો બંધમાં સહકાર આપવા આહવાન’
વધુમાં ઉમેર્યું કે, કેટલાય કારીગરો બેરોજગાર થઈ ગયા છે. મેન્યુફેક્ચર યુનિટોમાં કામ ઓછું થતું હોવાને કારણે ફેક્ટરીના સંચાલકો કામદારોને નોકરી પરથી દૂર કરી રહ્યા છે. રાજ્ય સરકારને અમે અલ્ટીમેટમ આપ્યું છે કે 20 દિવસની અંદર જો આર્થિક પેકેજની જાહેરાત નહીં કરવામાં આવે તો સુરતના ડાયમંડ ઉદ્યોગમાં કામ કરતા રત્નકલાકારો હડતાલ ઉપર ઉતરશે. અમે રત્નકલાકારોને આહવાન કરીએ છીએ કે, અમે જે બંધ માટેનું એલાન કરી રહ્યા છે, તેમાં અમને સાથ સહકાર આપે. આર્થિક પેકેજની જરૂરિયાત છે, પણ સરકારે હજી સુધી આપ્યું નથીઃ ડાયમંડ એસો.
ડાયમંડ એસોસિએશનના પ્રમુખ જગદીશ ખુટે જણાવ્યું કે, અમે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને ઘણી વખત રત્નકલાકારોની સ્થિતિ અંગે લેખિતમાં જાણ કરી છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના બજેટ પહેલા પણ અમે આર્થિક સહાય મળે તેના માટે રજૂઆત કરી છે. પરંતુ આજ દિવસ સુધી સરકારે આ બાબતે કોઈ નિર્ણય કર્યો નથી. અમને આશા છે કે, આ ડાયમંડ ઉદ્યોગની જે સ્થિતિ છે તે અંગે સરકારને તમામ પ્રકારની માહિતી છે અને ઝડપથી કોઈ સારો નિર્ણય લઈ રત્નકલાકારોને આર્થિક રીતે મદદ કરશે. ‘રત્નકલાકારોની આવકમાં ચોક્કસ ઘટાડો થયો’
વધુમાં ઉમેર્યું કે, રત્નકલાકારોના બાળકોની શાળાની ફી તેમજ તેમને ઓછા દરે લોન આપવામાં આવે, જેથી કરીને તેઓ આર્થિક હોય તો થોડી રાહત મળી શકે. ક્યા ક્રાઈટેરિયામાં રત્નકલાકારોને મદદ આપી શકાય તે અંગે સરકાર સર્વે કરાવતી હશે. બેરોજગારી નથી, પરંતુ જે આવક રત્નકલાકારોની આવક થતી હતી, તેમાં ઘટાડો થયો છે, એ વાત ચોક્કસ છે. ડાયમંડ ઉદ્યોગમાં જ્યારે તેજીનો માહોલ હોય મેન્યુફેક્ચરિંગ વધુ થતી હોય ત્યારે કોઈપણ ફેક્ટરી સંચાલકને કહેવું નથી પડતું કે ડાયમંડમાં કામ કરતા રત્નકલાકારને પગાર વધારો કરી આપવામાં આવે. આજ રીતે સતત માર્કેટ સ્ટેબલ રહેશે તો આવનાર દેશોમાં ફરી જે હતા તે મુજબના પગાર ડાયમંડ વર્કરોને મળતા થઈ જશે. બેરોજગારીની વાત ડાયમંડ વર્કર યુનિયનની તદ્દન ખોટીઃ દામજી માવાણી
ડાયમંડ વેપારી દામજી માવાણીએ જણાવ્યું કે, એસોસિએશન દ્વારા બેરોજગારીની વાતો કરવામાં આવી રહી છે, પરંતુ તે તદ્દન ખોટી છે. હું આજે પણ ડાયમંડ વર્કર યુનિયનના સભ્યોને કહેવા માંગુ છું કે, જેટલા પણ બેરોજગાર રત્નકલાકારો છે તેને અમારી પાસે લાવવામાં આવે, અમે તેમને તરત જ કામ આપી દઈશું. બેરોજગારીનો કોઈ પ્રશ્નો ઉભો થતો નથી, પરંતુ જે આવક છે તેમાં થોડો ઘટાડો થયો છે એવા ચોક્કસ છે. દરેક ઉદ્યોગમાં આ પ્રકારની સ્થિતિ સર્જાતી હોય છે. તેજી-મંદીનો માહોલ રહેતો હોય છે, પરંતુ ખોટી રીતે બેરોજગારીની વાતો કરવી તદ્દન નિરર્થક છે. ડાયમંડ વર્કર યુનિયને લીસ્ટ આપવું જોઈએ કે, કોણ-કોણ રત્નકલાકારો બેરોજગાર થયા છે. બીજા ઉદ્યોગની સરખામણીએ રત્નકલાકારોને પગાર સારો મળે છે. પરંતુ તેજીના માહોલમાં જે પગાર મળતો હોય છે, સ્વભાવિક છે કે મંદિમાં તેમાં ઘટાડો થઈ જાય. સુરતમાં એક વર્ષમાં 52 રત્નકલાકારની આત્મહત્યા
છેલ્લાં એક જ વર્ષમાં 52 રત્નકલાકારોએ આત્મહત્યા કરી હોવાનો દાવો સુરત ડાયમંડ વર્કર યુનિયન દ્વારા કરવામાં આવ્યો છે. છેલ્લાં 50 વર્ષમાં ડાયમંડ ઉદ્યૌદમાં સૌથી મોટી મંદિને લઈને વિવિધ માંગણીઓ ડાયમંડ વર્કર યુનિયન દ્વારા કરવામાં આવી છે. સુરત જિલ્લા કલેક્ટરને રજૂઆત કરીને ચિમકી ઉચ્ચારવામાં આવી હતી કે, જો માંગણી નહીં સંતોષાય તો 30મી માર્ચે હડતાળ પડાશે. સુરત જિલ્લા કલેક્ટરને આપવામાં આવેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે, હીરા ઉદ્યોગમાં છેલ્લાં ઘણા સમયથી મંદી છે, જેની સીધી અસર રત્નકલાકારો પર પડી છે. મંદિને કારણે લાખો રત્નકલાકારો બેરોજગાર બન્યા છે. તેમના પગારમાં 50 ટકા જેટલો ઘટાડો થયો છે, રત્નકલાકારો રામ ભરોસે છે. રત્નકલાકારો મુશ્કેલીમાં હોવા છતાં સરકાર દ્વારા કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી જેને લઈને 30મી માર્ચ સુધીનું અલ્ટીમેટમ આપવામાં આવે છે.