આજથી બરાબર 5 વર્ષ પહેલાં એટલે કે 11 માર્ચ 2020એ WHOએ કોરોના પેનડેમિકની જાહેરાત કરી હતી. ત્યારે આજે રાજકોટમાં કોરોનાકાળમાં જીવના જોખમે ફરજ બજાવતા કર્મચારીના મોત બાદ પરિવારને મળતી સહાયમાં કટકીના ખેલનો ખુલાસો થયો છે. વળી આ કટકીનો ખેલ બીજું કોઈ નહીં પણ કોર્પોરેટ ઓફિસમાં એચ.આર. વિભાગના આસિસ્ટન્ટ સેક્રેટરી રૂપેશ મોદી અને ધ્રોલ સબ ડિવિઝનના ડેપ્યુટી ઈજનેર કે.એન.મિયાત્રા કરતા હોવાનો ખુલાસો એક ઓડિયો ક્લિપના માધ્યમથી થયો છે. આ ક્લિપમાં તેઓ ધ્રોલમાં કોરોનામાં મૃત્યુ પામેલા કર્મચારીના પરિવારને રૂ. 25 લાખની સહાયના બદલામાં રૂ. 10 લાખ આપવાની માંગણી કરવાની વાત કરી રહ્યા છે. ક્લિપ વાઇરલ થયા બાદ PGVCLએ બંને કર્મચારીને સસ્પેન્ડ કરીને સંતોષ માની લીધો છે, પરંતુ વાતચીત દરમિયાન CMના વચેટિયાનો ઉલ્લેખ છે, તે કોણ છે અને આ મામલે ACBમાં ફરિયાદ થશે કે કેમ? તે મામલે અધિકારીનું ભેદી મૌન જોવા મળ્યું હતું. PGVCL સિવાય અન્ય વીજ કંપનીઓએ સહાય ચૂકવી દીધી
કોરોનામાં મૃત્યુ પામેલા કર્મચારીઓને સરકાર દ્વારા રૂ. 25 લાખની સહાય આપવાની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં PGVCL સિવાય અન્ય તમામ વીજ કંપનીએ કર્મચારીઓના પરિવારને સહાય ચૂકવી દીધી હતી. એકમાત્ર PGVCLમાં કર્મચારીઓને સહાય ચૂકવવામાં આવી ન હતી. આથી ગત સપ્તાહે યુનિયનના આગેવાનોએ ઊર્જામંત્રીને રૂબરૂ મળી રૂ. 25 લાખની સહાય ચૂકવવાની રજૂઆત કરતા જ ઊર્જામંત્રીએ મેનેજિંગ ડિરેક્ટરને સહાય આપવાના આદેશ કરતા 48 કર્મચારીઓને સહાય માટે રૂ. 14 કરોડની જાહેરાત કરવામાં આવી હતી. રૂપેશ મોદી-કે.એન.મિયાત્રાની ઓડિયો ક્લિપ વાઇરલ
સરકારે સહાય મંજૂર કરતા કોર્પોરેટ ઓફિસ અને ધ્રોલ સબ ડિવિઝનના અધિકારીઓ વચ્ચે થયેલી વાતચીતના ઓડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા હતા. તેમાં કોર્પોરેટ ઓફિસમાં એચ.આર. વિભાગના આસિસ્ટન્ટ સેક્રેટરી રૂપેશ મોદી અને ધ્રોલ સબ ડિવિઝનના ડેપ્યુટી ઈજનેર કે.એન.મિયાત્રા દ્વારા ધ્રોલમાં કોરોનામાં મૃત્યુ પામેલા કર્મચારીના પરિવારને રૂ. 25 લાખની સહાયના બદલામાં રૂ. 10 લાખ આપવાની માંગણી કરવામાં આવે છે. ‘વચેટિયો CM અને EPDમાં અધિકારીઓને ઓળખે છે’
આ ઓડિયો વાઇરલ થયા બાદ કોર્પોરેટ કચેરીના રૂપેશ મોદીની તાબડતોબ અંજાર બદલી કરી નાખવામાં આવી હતી. બાદમાં આજે વડી કચેરી દ્વારા અંજાર બદલી કરવામાં આવેલ આસિસ્ટન્ટ સેક્રેટરી રૂપેશ મોદીને સસ્પેન્ડ કરી મોરબી અને ધ્રોલના ડેપ્યુટી ઈજનેર કે.એન.મિયાત્રાને સસ્પેન્ડ કરી સુરેન્દ્રનગર બદલી કરવામાં આવી છે. PGVCLના બન્ને કર્મચારીઓના વાઇરલ થયેલ ઓડિયોમાં જે કેસમાં રૂ. 25 લાખ મંજૂર કરવામાં આવ્યા છે. આમાં એક વચેટિયાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વચેટિયો મુખ્યમંત્રી અને EPD(એનર્જી પેટ્રોલિયમ ડિપાર્ટમેન્ટ)માં અધિકારીઓને ઓળખે છે તેની ભલામણથી આ કેસ મંજૂર કરવામાં આવ્યો હોવાથી રૂ. 10 લાખનો ચેક લેવાની વાતચીત કરવામાં આવે છે. આ સાથે એક મહિનામાં સહાય મંજૂર કરી રકમ ચૂકવી દેવામાં આવશે તેવો દાવો કરવામાં આવ્યો છે. કોરોનામાં PGVCLના 62 કર્મચારીઓના મૃત્યુ થયા હતા
આ બાબતે PGVCLના એચ.આર.વિભાગના એડિશનલ જનરલ મેનેજર અવિનાશ કટારાએ જણાવ્યું હતું કે વર્ષ 2020-21માં કોરોનાના કારણે PGVCLના 62 કર્મચારીઓના મૃત્યુ થયા હતા, જેમાંથી 48 કેસમાં તમામ વિગતો એકઠી કરી વડી કચેરીમાં મોકલી આપવામાં આવી હતી અને ત્યારબાદ સરકાર દ્વારા તેઓને રૂપિયા 25 લાખની સહાય ચૂકવવાની જાહેરાત કરવામાં આવી હતી. ‘પરિવારે કહ્યું કે પૈસા માગ્યા પણ આપ્યા નથી’
આ દરમિયાન ઓડિયો ક્લિપ વાઇરલ થઈ હતી પરંતુ આ કર્મચારીઓના પરિવારજનોને સરકારની સહાય ચૂકવી આપવામાં આવી છે. એક અઠવાડિયા પહેલાંની ઓડિયો ક્લિપ વાઇરલ થયા બાદ જે પરિવાર પાસે પૈસાની માંગણી કરવામાં આવી હતી તેમનો સંપર્ક કરવામાં આવ્યો હતો ત્યારે તે પરિવાર દ્વારા કહેવામાં આવ્યું કે અમારી પાસે રૂપિયા 10 લાખની માંગણી કરવામાં આવી હતી પરંતુ અમોએ કોઈ નાણાં આપ્યા નથી અન્ય એક પણ કર્મચારીઓનાં પરિવારજનો પાસે નાણાં માંગવામાં આવ્યા ન હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. આ વચેટિયો કોણ છે?
જોકે મહત્ત્વની વાત એ છે કે પૈસાની માંગણી કરવામાં આવે તો પણ એ એક પ્રકારની લાંચ રિશ્વત ગણવામાં આવે છે પરંતુ PGVCL દ્વારા આ બાબતે એન્ટિ કરપ્શન બ્યુરોમાં ફરિયાદ કરવામાં આવશે કે કેમ તેનો જવાબ અધિકારી આપી શક્યા ન હતા. આ સાથે જ HR વિભાગના સેક્રેટરી કક્ષાના અધિકારી મુખ્યમંત્રી અને એનર્જી પેટ્રોલિયમ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ વચ્ચેના વચેટિયાનો ઉલ્લેખ ઓડિયો ક્લિપમાં કરે છે ત્યારે આ વચેટિયો કોણ છે તેની તપાસ કરવાની તસ્દી PGVCL દ્વારા લેવામાં આવી નથી. જેથી PGVCLના ઉચ્ચ અધિકારીઓ પણ શંકાના દાયરામાં હોવાનું સામે આવ્યું છે.