ભાવનગરના જવાહર મેદાન ખાતે આયોજિત નમો સખી સંગમ મેળાના ત્રીજા દિવસે મહત્વપૂર્ણ સેમિનારો યોજાયો હતો. કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયાની ઉપસ્થિતિમાં ‘નારી તું નારાયણી’ અને મહિલા ઉદ્યોગ સાહસિકતા વિષય પર ચર્ચા થઈ હતી. નિમુબેન બાંભણિયાએ જણાવ્યું કે આ ચાર દિવસીય મેળામાં દરરોજ 10 હજારથી વધુ લોકો મુલાકાત લઈ રહ્યા છે. તેમણે ઉમેર્યું કે ભારતમાં 6 કરોડથી વધુ MSMEનું નેટવર્ક છે. તેમાંથી 20 ટકા ઉદ્યોગોનું નેતૃત્વ મહિલાઓ કરી રહી છે. મંત્રીએ બજેટની મહત્વપૂર્ણ જાહેરાતો વિશે માહિતી આપી હતી. MSME માટે લોન ગેરંટી કવર 10 કરોડ કરવામાં આવ્યું છે. મહિલા ઉદ્યોગ સાહસિકોને 2 કરોડ રૂપિયા સુધીની લોન આપવાની જોગવાઈ કરવામાં આવી છે. મોટીવેશનલ સ્પીકર તુષાર શુક્લાએ ‘નારી તું નારાયણી’ વિષય પર પ્રેરક વક્તવ્ય આપ્યું હતું. ઈ.ડી.આઈ.ના સિનિયર પ્રોગ્રામ મેનેજર નિતીનભાઈ પટેલે સ્ટાર્ટઅપ, નાણા વ્યવસ્થાપન અને માર્કેટિંગ અંગે માર્ગદર્શન આપ્યું હતુંય કાર્યક્રમમાં મેયર ભરતભાઈ બારડ, જિલ્લા વિકાસ અધિકારી હનુલ ચૌધરી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જયશ્રીબેન જરૂ સહિત મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.