સરગાસણમાં રહેતી 16 વર્ષ 6 મહિનાની વિદ્યાર્થિનીએ ધોરણ-12 સાયન્સની પરીક્ષામાં નબળા દેખાવથી નિરાશ થઈને ગૃહત્યાગ કર્યો છે. વિદ્યાર્થિનીએ 10 માર્ચે કમ્પ્યૂટર સાયન્સના છેલ્લા પેપર સાથે પરીક્ષા પૂરી કરી હતી. પરીક્ષા બાદ રાત્રે પિતા સાથેની વાતચીતમાં વિદ્યાર્થિનીએ પેપર સારા ન જવા અંગે અફસોસ વ્યક્ત કર્યો હતો. પરિવારે તેને આશ્વાસન આપ્યું હતું. રાત્રે જમીને સૂતેલી વિદ્યાર્થિની સવારે 6 વાગ્યા સુધીમાં ઘરેથી નીકળી ગઈ હતી. માતાએ સવારે જોયું ત્યારે મુખ્ય દરવાજો ખુલ્લો હતો અને દીકરી ગાયબ હતી. પરિવારે આસપાસના વિસ્તારમાં શોધખોળ કરી પરંતુ કોઈ પત્તો ન મળતાં ઈન્ફોસિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ કેસને ગંભીરતાથી લઈને તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી છે. એક ટીમ સીસીટીવી ફૂટેજ ચકાસી રહી છે, જ્યારે બીજી ટીમે તમામ પોલીસ સ્ટેશનોમાં સગીરાની વિગતો મોકલી છે. પોલીસે મુખ્ય માર્ગો અને કેનાલ વિસ્તારમાં પેટ્રોલિંગ વધારી દીધું છે. પોલીસ વિદ્યાર્થિનીને શોધવા માટે સઘન પ્રયાસો કરી રહી છે.