રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે 1600થી વધુ વાહનોની આવક હતી. જેમાં ધાણા, ઘઉં, જીરું, તુવેર, રાય અને રાયડો, મેથી તેમજ કપાસની આવક હતી. તો ધાણાની રેકોર્ડબ્રેક 1.30 લાખ મણની આવક નોંધાઈ હતી. અને જીરું 66,000 મણ, ઘઉં 64,000 મણ, તુવેર 8,000 મણ, કપાસ 7,000 મણ, રાય-રાયડો 4,500 મણ અને મેથીની 9,000 મણ આવક નોંધાઈ હતી. તમામ જણસી ભરેલા વાહનોને માર્કેટયાર્ડમાં ક્રમવાર પ્રવેશ આપવામાં આવ્યો હતો. રાજકોટ માર્કેટયાર્ડના ચેરમેન જયેશભાઈ બોઘરા વા.ચેરમેન તથા ડિરેક્ટરો સહિતના સ્ટાફ દ્વારા આ જણસીઓની ઉતરાઈની વ્યવસ્થા કરવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય વ્યાપાર મેળા SVUM 2025નો પ્રારંભ
સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય વેપાર મેળા SVUM 2025નો આજથી NSIC ગ્રાઉન્ડ ખાતે પ્રારંભ થયો હતો. આ વેપાર મેળો આજે અગ્રણીઓની હાજરીમાં આર્ષ વિદ્યામંદિરના સ્વામી પરમાત્માનંદજી તેમજ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ખુલો મુકાયો હતો. સતત 11મી વખત આ વેપાર મેળો યોજાઈ રહ્યો છે. જે આજ તા.11 થી તા.13 માર્ચ ત્રણ દિવસ સુધી ચાલશે. આ વેપાર મેળામાં 20થી વધુ દેશના 100 સૌથી વધુ પ્રતિનિધિઓ હાજરી આપશે. અને 25 હજારથી વધુ સ્થાનિક લોકો મુલાકાત લેશે. આ વેપારી મેળાએ સૌરાષ્ટ્ર ગુજરાત તેમજ દેશ વિદેશમાં અનોખું આકર્ષણ જમાવ્યું છે. સવારે 10 થી સાંજે 6 કલાક સુધી ચાલુ રહેનાર આ વેપાર મેળામાં દરેક લોકો માટે પ્રવેશ વિનામૂલ્યે રાખવામાં આવ્યો છે. આ મેળામાં 90થી વધુ કંપની ભાગ લઇ રહી છે. સૌથી મહત્ત્વનું સ્ટાર્ટઅપ અને મહિલા ઉદ્યમીને પણ સ્ટોલ ફાળવવામાં આવ્યા છે. જેમાં નાનામાં નાના ઉત્પાદક કે વેપારીઓ સરકારની સબસિડીના દ્વારા દેશ – વિદેશનો વેપાર વિકસાવી શકશે. આ આંતરરાષ્ટ્રીય વેપાર મેળામાં શ્રીલંકા, ઝિમ્બાબ્વે અને સાઉથ આફ્રિકાના ડેલિગેટ્સ જોડાશે. વેરા વિભાગે 12 મિલકતો સીલ કરી 51.60 લાખની વસુલાત કરી
રાજકોટ મનપાનાં વેરા વિભાગે 12 મિલકતો સીલ કરી રૂ. 51.60 લાખની વસુલાત કરી હતી. જેમાં વોર્ડ નં.7 સોની બજારમાં 11 શોપ સહિત 14 મિલ્કતોને સીલ સાથે 11 મિલ્કતને નોટીસ આપવામાં આવી હતી. વેરા શાખાએ ટાર્ગેટ પૂર્ણ કરવા રીકવરી ઝુંબેશને વધુ વેંગવતી બનાવી છે. 18 મિલ્કતોને સીલની કાર્યવાહી કરતા સ્થળ ઉપર જ રીકવરી થઈ હતી. વેરા વિભાગે વોર્ડ-7માં સોની બજારમાં આવેલ જે.પી. ટાવર્સ થર્ડ ફલોર શોપ નં-48 સોની બજાર મેઈન રોડ પર આવેલ વ્રજશાંતિ ગોલ્ડ પેલેસ સેકન્ડ ફલોર શોપ નં. 204 સોની બજાર મેઈન રોડ પર આવેલ વ્રજશાંતિ ગોલ્ડ પેલેસ સેકન્ડ ફલોર શોપ નં. 201 સોની બજાર આવેલ શ્રીઅમુભાઈ આર્કેડ ફર્સ્ટ ફલોર શોપ નં. 102 ફર્સ્ટ ફલોર શોપ નં. 101, ફર્સ્ટ ફલોર શોપ નં. 103, ફર્સ્ટ ફલોર શોપ નં. 105, સેકન્ડ ફલોર શોપ નં. 205, થર્ડ ફલોર શોપ નં. 308 ફોર્થ ફલોર શોપ નં. 404 સોની બજાર આવેલ ઓમ ચેમ્બરર્સ ગ્રાઉન્ડ ફલોર શોપ નં. 2 અને ગુંદાવાડીમાં 1-યુનિટને સીલ કરેલ છે. (સીલ) કરી હતી. વોર્ડ નં. 18માં કોઠારીયા રોડ પર 4 યુનિટને સીલ કરવાની કાર્યવાહી કરતા રીકવરી થઈ હતી. આજે વધુ રૂ. 51.60 લાખની વસુલાત થઈ હતી. 31મી માર્ચ સુધી રજાના દિવસોમાં પણ વેરા વસુલાતની કામગીરી ચાલુ રાખવામાં આવશે. 19 માર્ચે મનપાનું જનરલ બોર્ડ, 16 કોર્પોરેટરોનાં 23 પ્રશ્નો ચર્ચાશે
રાજકોટ મહાનગરપાલિકા કચેરીએ આગામી તારીખ 19 માર્ચના રોજ જનરલ બોર્ડની બેઠક યોજાનાર છે. બોર્ડમાં ભાજપના 14 કોર્પોરેટરોનાં 17 અને કોંગ્રેસના 2 નગર સેવકોના 6 મળી કુલ 16 કોર્પોરેટરોનાં 23 પ્રશ્નોની ચર્ચા કરવામાં આવશે. જોકે પ્રથમ ત્રણ પ્રશ્નો શાસક પક્ષનાં નગરસેવકોનાં હોવાથી વિપક્ષનાં વેધક પ્રશ્નો અંગે કોઈ ચર્ચા થવાની શક્યતા નથી. આ કારણે જનરલ બોર્ડમાં વિપક્ષ હોબાળો કરે તેવી શક્યતા છે. બીજીતરફ બોર્ડ માટે મ્યુ. કમિશનરે એઇમ્સ હોસ્પિટલવાળા સર્કલનું નામ ‘ઈશ્વરીયા મહાદેવ સર્કલ’ કરવા સહિત મહાપાલિકાની માધાપર ટીપી સ્કીમ નં. 11 સરકારમાં મોકલાયા બાદ તે રદ્દ કરવામાં આવી હતી. આ સ્કીમને લાગુ રાજકોટના સર્વે નં. 512 અને 514નો વિસ્તાર યોજનામાં સમાવેશ કરવા સૂચના મોકલતા આ નવી ટીપી સ્કીમ બનાવવા સરકારનો પરામર્શ મેળવવાની દરખાસ્ત સહિત કુલ 5 દરખાસ્ત જનરલ બોર્ડમાં કમિશનરે મોકલી છે. ત્યારે આ બોર્ડમાં તમામ દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા છે.