માલપુરના રંભોડા ગામમાં આજે બપોરના સમયે જંગલમાં મોટી આગ લાગવાની ઘટના બની છે. ગામથી આશરે 800 મીટર દૂર જંગલ વિસ્તારમાં અચાનક ધુમાડો દેખાતા ગ્રામજનો ત્યાં દોડી ગયા હતા. ઘટના સ્થળે પહોંચેલા લોકોએ જોયું કે જંગલની સૂકી વનસ્પતિ ભડભડ સળગી રહી હતી. પવનના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. સૂકી વનસ્પતિને કારણે આગ ઝડપથી ફેલાતી ગઈ હતી. ગ્રામજનોએ તાત્કાલિક વન વિભાગના અધિકારીઓને જાણ કરી હતી. વન વિભાગનો સ્ટાફ તુરંત જ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી હતી. ઉનાળાની શરૂઆત થતાં જ જંગલ વિસ્તારોમાં આગની ઘટનાઓ વધી જાય છે. જો કે, આ ઘટનામાં આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. વન વિભાગ દ્વારા આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.