કોડીનાર તાલુકાના વેળવા ગામે સાંજે 8 વાગ્યા પછી એક ગંભીર અકસ્માત ટળ્યો છે. વેળવા ગામના પુલ નજીક કોડીનાર તરફ જઈ રહેલી મિની ટ્રક (GJ 36 V 6469) અને સામેથી આવી રહેલી સ્કોર્પિયો કાર (GJ 07 DH 0999) વચ્ચે અકસ્માત સર્જાયો હતો. મિની ટ્રકમાં 10થી 12 મુસાફરો સવાર હતા. રસ્તો બંધ હોવાના કારણે બંને વાહનો સામસામે આવી ગયા હતા. સ્કોર્પિયો ચાલકે સમયસૂચકતા વાપરીને કારને ડિવાઈડર પર ચઢાવી દીધી હતી. આ સૂઝબૂઝભર્યા નિર્ણયથી મોટી દુર્ઘટના ટળી હતી. અકસ્માતમાં મિની ટ્રકના ડ્રાઈવર અને કારના એક મુસાફરને સામાન્ય ઈજા થઈ હતી. બંને ઘાયલોને સારવાર માટે કોડીનાર ખસેડવામાં આવ્યા છે. બંને વાહનોમાં કુલ 15થી 20 લોકો મુસાફરી કરી રહ્યા હતા. કોડીનાર પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી કરી અને રસ્તો ખુલ્લો કરાવ્યો હતો. નોંધનીય છે કે વેળવા ગામના પુલ પર મરામતનું કામ ચાલી રહ્યું છે. જો કે, આ અંગે કોઈ સૂચના બોર્ડ મૂકવામાં આવ્યા નથી, જે ચિંતાનો વિષય છે.