પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ તથા EMRI GREEN HEALTH SERVICE દ્વારા સંચાલિત ધનવંતરી આરોગ્ય રથ છેલ્લા આઠ વર્ષથી સક્રિય છે. આ રથ કંસ્ટ્રકશન સાઇટ અને કડિયાનાકા શ્રમિક વસાહત જેવા વિસ્તારોમાં જઈને શ્રમિકોને વિનામૂલ્યે આરોગ્ય સેવાઓ પૂરી પાડે છે. ડૉ. નસીમ મનસુરી સહિતની ટીમ દ્વારા શ્રમિકોને ઈ-નિર્માણ કાર્ડ અને ઈ-શ્રમકાર્ડ આપવામાં આવે છે. સાથે જ શિક્ષણ સહાય, પ્રસુતિ સહાય, PMJJBY અને આકસ્મિક મૃત્યુ સહાય જેવી યોજનાઓનો લાભ મેળવવા માટે માર્ગદર્શન આપવામાં આવે છે. તાજેતરમાં, ચંચોપા મેડિકલ કોલેજના બાંધકામ દરમિયાન એક શ્રમિક રાકેશકુમાર પટેલનું અકસ્માતથી મૃત્યુ થયું હતું. આરોગ્ય રથની ટીમે તેમના પરિવારનો સંપર્ક કરી અકસ્માત મૃત્યુ સહાય યોજના માટે મદદ કરી હતી. આરોગ્ય રથની કામગીરીનું સંચાલન EMRI GREEN HEALTH SERVICEના પ્રોજેક્ટ કોર્ડિનેટર સહદેવસિંહ પરમાર અને બાંધકામ શાખાના પ્રોજેક્ટ મેનેજર સોનલબેન બારીઆના માર્ગદર્શન હેઠળ થાય છે. ટીમમાં લેબર કાઉન્સિલર શૈલેષકુમાર બારીઆ, પેરામેડિક અશ્વિનભાઈ ડામોર, લેબ ટેકનિશિયન આરતીબેન ડામોર અને પાયલોટ વિક્રમસિંહ ડાભી સેવા આપી રહ્યા છે.