રાજકોટનું માધાપર ચોકડી બસ સ્ટેશન નિર્માણ ન પામતા ત્યાં દૈનિક અવરજવર કરતા 400 બસના મુસાફરોને આકરો તાપ સહન કરવો પડે છે. અહીં મુસાફરો માટે પીવાના પાણી કે યુરીનલની પણ વ્યવસ્થા નથી. આ મામલે ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિ દ્વારા મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમમાં ફરિયાદ કરવામાં આવી છે. જો દસ દિવસની અંદર કોઇ નિરાકરણ નહીં આવે તો વિદ્યાર્થીઓને સાથે રાખી ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. જ્યારે બીજી તરફ ગ્રીનલેન્ડ ચોકડી ઉપરાંત સોરઠીયાવાડી સહિતના પિક અપ પોઇન્ટ કે જ્યાં એસટી બસની રાહ જોઈને મુસાફરો ઉભા હોય અને ત્યાં આગ ઝરતી ગરમીમાં છાંયડાની વ્યવસ્થા નથી. ગુજરાત રાજ્ય એસટી નિગમ દ્વારા 25 ટકા ભાડા વધારો કરવામાં આવ્યો અને તેના થકી રૂ. 1200 કરોડની આવક થઇ છે. ત્યારે એસટી નિગમ રાજ્યના મુસાફરો માટે બસ સ્ટેશન અને પીકઅપ પોઇન્ટ ઉપર છાયડાની વ્યવસ્થા ન કરી શકે તેવો સવાલ સમિતિના સંચાલક ગજેન્દ્રસિંહ ઝાલાએ ઉઠાવ્યો છે. માધાપર ચોકનું બસ સ્ટેન્ડ ખંઢેર બની ગયું
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટ વિભાગના જામનગર રોડ પરના 150 ફૂટ રીંગ રોડના એસ.ટી બસ સ્ટેશન (માધાપર ચોક) તારીખ 16 ફેબ્રુઆરીના મુસાફર હિતરક્ષક સમિતિ દ્વારા પોલ ખોલ કાર્યક્રમ અંતર્ગત લાખોના ખર્ચે બનાવેલા આ બસ સ્ટેશનની સાઈટ વિઝીટ કરતા બસ સ્ટેશન ભૂતિયા મહેલ અને ખંઢેર બની ગયું હતું. યુરીનલોમાં દેશી દારૂની ખાલી કોથળીઓ મળી આવી હતી. જેના પગલે સમિતિ દ્વારા રાજકોટ શહેર પોલીસ કમિશનરને પણ લેખિત ફરિયાદ કરી હતી. અસામાજિકો અને આવારા તત્વોનો જાણે કે અડ્ડો હોય તેવું જણાતું આ એસ.ટી બસ સ્ટેશન અધિકારીઓની બેદરકારી અને લાપરવાહીના પગલે ભેંકાર દેખાતું હતું. એસ.ટી બસ સ્ટેશન પુનઃ શરૂ કરવા લેખિત રજૂઆતો
બસ સ્ટેશનમાં એક પણ બસની અવરજવર ન હોવાથી ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિ દ્વારા તારીખ 18 ફેબ્રુઆરીના ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની વડી કચેરીના મુખ્ય પરિવહન અને વાણિજ્ય વ્યવસ્થાપક અને રાજકોટના વિભાગીય નિયામકને આ એસ.ટી બસ સ્ટેશન પુનઃ શરૂ કરવા લેખિત રજૂઆતો કરવામાં આવી હતી. જેની નકલો વિસ્તારના ધારાસભ્ય અને સાંસદ સભ્યને પણ આપવામાં આવી છે. મુસાફરોની હાલત વધુ કફોડી બની
માધાપર ચોકડીએ હાલ જે સ્થળે બસો ઉભી રહે છે ત્યાં કોઈ જાતની મુસાફરો માટે સગવડતા નથી, છાયડાની વ્યવસ્થા નથી, યુરીનલ નથી, પીવાનું પાણી નથી, બસોનું સમયપત્રક નથી, ટ્રાફિક પોઇન્ટની કેબિનમાં કાયમી અલીગઢી તાળું લટકતું જોવા મળે છે. પ્રાઇવેટ પેસેન્જર વાહનોનો ત્રાસ છે અને એસ.ટી.ની ટ્રાફિક પોઇન્ટની કેબિનમાં ભંગાર જોવા મળ્યો હતો. ઉનાળો શરૂ થઈ ગયો હોય તે પ્રકારે છેલ્લા બે દિવસથી આકરો તાપ પડી રહ્યો છે. ધોમધખતા તાપમાં સિનિયર સિટીઝન, બાળકો, મહિલાઓ મુસાફરોની હાલત વધુ કફોડી બની છે. તંત્રને 10 દિવસનું અલ્ટીમેટમ આપી આંદોલનની ચીમકી
અહીંયા અંદાજે 400થી વધુ બસોની અવર જવર રહે છે તે માટે તાત્કાલિક એસ.ટી બસ સ્ટેશન માધાપર ચોક શરૂ કરવા રજૂઆત કરવામાં આવી છે. જેથી રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે દર માસના ચોથા ગુરુવારે યોજવામાં આવતા મુખ્યમંત્રી સ્વાગત માર્ચ 2025ના કાર્યક્રમમાં હજારો મુસાફરોના હિતોને ધ્યાનમાં રાખીને ગુજરાત એસટી મુસાફર હિતરક્ષક સમિતિના સભ્યોએ ફરિયાદ કરવામાં આવી છે. નિંભર તંત્ર વાહકોને 10 દિવસનું અલ્ટીમેટમ છે અને આ માગ નહીં સ્વીકારવામાં આવે તો અપડાઉન કરતા વિદ્યાર્થીઓ અને મુસાફરો તેમજ આ વિસ્તારની પ્રજાને સાથે રાખીને ધરણા, ઘંટારવ સહિતના ગાંધી સિંધિયા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે.