સુરતની ચોક બજાર પોલીસની સરાહનીય કામગીરી સામે આવી હતી. પાંચ દિવસ અગાઉ બિહારથી સુરત આવેલી 15 વર્ષીય સગીરા ફૂલવાડી માર્કેટમાં ફુલ ખરીદવા ગઈ હતી, ત્યાંથી પરિવારથી વિખુટી પડી ગઈ હતી. ભારે શોધખોળ બાદ પણ પરિવારને સગીરાની ભાળ ન મળતા ચોક બજાર પોલીસનો સંપર્ક કર્યો હતો અને સીસીટીવી ફૂટેજની મદદથી સગીરાને દિલ્હી ગેટ વિસ્તારમાંથી પોલીસે શોધી કાઢી પરિવારને સુપરત કરી હતી. ત્યારે ભાવુક દ્રશ્યો સર્જાયા હતા અને પોલીસ પર ફૂલોની વર્ષા કરવામાં આવી હતી. ફુલ માર્કેટેની ભીડમાં સગીરા વિખુટી પડી ગઈ હતી
સુરતના ચોક બજાર વિસ્તારમાં રહેતા પરિવારની એક દીકરી બિહાર રહેતી હતી. આ 15 વર્ષીય કિશોરીને પાંચ દિવસ પહેલાં જ સુરત લાવવામાં આવી હતી. આ કિશોરી સુરત આવ્યા બાદ બહેનોની સાથે ફુલ માર્કેટમાં ખરીદી કરવા ગઈ હતી. જે દરમિયાન સગીરા લોકોની ભીડમાં વિખુટી પડી ગઈ હતી. જેથી બહેનોએ સગીરાની શોધખોળ કરી હતી પરંતુ આસપાસ મળી ન હતી જેથી તાત્કાલિક પરિવારને બહેનોએ જાણ કરી હતી. પરિવારે પણ કિશોરીની શોધખોળ કરી પરંતુ કોઈ ભાળ ન મળતા પરિવારે ચોક બજાર પોલીસને જાણ કરતા પોલીસે સગીરા ગુમ થઈ ગઇ હોવાથી ગંભીરતાપૂર્વક શોધખોળ આદરી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજ આધારે તપાસ શરૂ કરી હતી
15 વર્ષીય સગીરા હજુ પાંચ દિવસ પહેલા જ બિહારથી સુરત આવી હતી. સગીરાએ સુરતમાં કોઈપણ જગ્યા જોઈ ન હોવાથી તેમજ તેમની પાસે મોબાઇલ ફોન પણ ન હતો. જેથી બાળકી ભટકતી ભટકતી દિલ્હી ગેટ વિસ્તારમાં પહોંચી હતી. સગીરા ગુમ થઈ જતા પરિવારે એક બાદ એક એમ અલગ અલગ સીસીટીવી ફૂટેજ તપાસવાનું શરૂ કર્યું હતું. જેમાં પોલીસે અલગ અલગ ટીમ બનાવી અલગ અલગ વિસ્તારમાં શોધખોળ આદરી હતી. પોલીસ સીસીટીવી ફૂટેજ તપાસતા તપાસતા દિલ્હી ગેટ વિસ્તારમાં પહોંચી હતી, જ્યાં 15 વર્ષીય કિશોરીને પોલીસે હેમખેમ શોધી કાઢી હતી. દીકરી મળી જતા પરિવારને જાણ કરવામાં આવી હતી. પોલીસે પરિવારને દીકરી સુપરત કરી હતી
પોલીસે દિલ્હી ગેટ વિસ્તારમાંથી કિશોરીને લઈ જઈ કાઉન્સેલિંગ કર્યું હતું. ત્યાર બાદ બાળકીને તેના ઘરે લઈ જવામાં આવી હતી. ખુદ ચોક બજાર પોલીસ સ્ટેશનના પીઆઇ તેમજ તેમનો સ્ટાફ કિશોરીના ઘરે જઈ પરિવારને દીકરી સુપરત કરી હતી. કિશોરીને જ્યારે પરિવારને સોંપવામાં આવી ત્યારે પોલીસ પર પરિવારે પુષ્પ વર્ષા કરી હતી અને પોલીસની કામગીરીને પરિવારજનોએ બિરદાવી અને પોલીસનો આભાર માન્યો હતો. પરિવારે પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો
બાળકી અને પરિવારનું પુનઃમિલન થયું ત્યારે લાગણીસભર દૃશ્યો સર્જાયા હતા. એક મેકની આંખોમાં હર્ષના આંસુ હતા અને બધા એકબીજાને ભેટી પડ્યા હતા. જ્યાં હાજર સૌ કોઈની આંખો પણ ભીની થઈ ગઈ હતી. પોલીસની ત્વરિત કામગીરીને લઈ સગીરા સુરક્ષિત અને હેમખેમ હાલતમાં મળી આવતા પરિવારે પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.