ગોંડલથી લાપતા થયેલા અને અકસ્માતમાં મૃત્યુ પામેલા જાટ યુવક રાજકુમારના કેસને લઈને દિવ્ય ભાસ્કરે આસપાસના સ્થળોએથી પુરાવા એકત્ર કર્યા હતા. પોલીસ સૂત્રો પાસેથી માહિતી મેળવી હતી જેમાં મહત્ત્વની બાબત સામે આવી છે કે, અકસ્માત સ્થળે બે એસયુવી અને એક બાઈક જાણે એમ્બ્યુલન્સ આવવાની રાહ જોતા હોય તેમ એમ્બ્યુલન્સ આવતાની સાથે જ રોડની બંને તરફથી આવી જાય છે ત્યાં ઊભા રહીને કેટલીક વસ્તુ બ્રિજની નીચે ફેંકે છે અને પછી ત્યાંથી રવાના થઈ જાય છે. આ શખ્સો કોણ હતા તે હજુ સુધી સામે આવ્યું નથી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર તરઘડિયામાં યુવકના અકસ્માત સ્થળે સૌથી પહેલાં એમ્બ્યુલન્સ પહોંચી હતી. રાજકોટથી ચોટીલા જતી એમ્બ્યુલન્સ તરઘડિયા પાસેના ઓવરબ્રિજ પર 4 માર્ચે રાત્રે 3 વાગ્યે પહોંચે છે ત્યારે રસ્તાની વચ્ચે ઘાયલ યુવાન મળતાં જ વાહન ઊભું રાખે છે. યુવક દર્દથી કણસતો હોવાથી સ્ટાફ નીચે ઉતરે છે. એવામાં જ 3જી મિનિટની આસપાસ એક કાળા રંગની ફોરર્ચ્યુનર કાર એમ્બ્યુલન્સની પાછળ ઊભી રહે છે જેમાં ચારથી પાંચ શખ્સ બેઠા હોય છે તેઓ નીચે ઉતરે છે અને યુવકની હાલત જુએ છે. ત્યારબાદ બીજી જ મિનિટે રોંગ સાઈડમાંથી બ્રિજ ઉપર જ એક સ્કોર્પિયો એસયુવી આવીને ઊભી રહી છે અને તેની પાછળ એક બાઈક હોય છે. આ શખ્સો વાહનમાંથી ઉતરીને યુવકને જુએ છે અને એક શખ્સ પાસે કાપડ અને પ્લાસ્ટિક જેવો સામાન હોય છે હળવેકથી બ્રિજની નીચે ફેંકી દે છે અને બાદમાં ત્યાંથી રવાના થઈ જાય છે. એમ્બ્યુલન્સ પાંચથી છ મિનિટ ત્યાં ઊભી રહે છે અને તુરંત જ દર્દીને લઈને રવાના થઈ જાય છે. વધુ એક વખત પીએમ અને ફરિયાદ રાજસ્થાન ટ્રાન્સફર કરવાની માંગ ગંગાપુરના પ્રાંતે ફગાવી રાજકુમારનો અકસ્માત થયો તે સ્થળ. તસવીર : પ્રકાશ રાવરાણી યુવાનના શરીર પર 48 ઈજાના નિશાન સિવિલ હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા મુજબ, યુવાનને જ્યારે હોસ્પિટલે લઈ આવ્યા ત્યારે તેના પગમાં ફ્રેક્ચર હતા તેમજ સાથળનું હાડકું બહાર નીકળી ગયું હતું. હાથ અને ગળા તેમજ મોઢા પર ઉઝરડાં હતા. પીએમ કરાયું ત્યારે તેમાં સ્પષ્ટ થયું કે, રાજકુમારના શરીર પર નાની મોટી 48 ઈજાઓ થઈ છે. જે પૈકી કમર, પગ અને માથામાં ગંભીર ઈજા હોવાથી મોત નીપજ્યાનું પ્રાથમિક રિપોર્ટ આપ્યો છે. પરિવારજનોએ રાજસ્થાનના ગંગાપુરના પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી ફરીથી પોસ્ટમોર્ટમ કરાવવાની, ફરિયાદ રાજસ્થાન ટ્રાન્સફર કરવાની અને સીબીઆઇ તપાસની માંગ કરી હતી, જોકે પ્રાંત અધિકારીએ સ્પષ્ટપણે કહ્યું હતું કે, ગુજરાતમાં બે વખત પોસ્ટમોર્ટમ થઇ ચૂક્યું છે તેથી ફરીથી પોસ્ટમોર્ટમ કરી શકાશે નહીં, તેમજ ગુનો પણ નોંધાઇ ચૂક્યો છે અને સીબીઆઇ તપાસની માંગ એ ગુજરાતમાં ઘટના બની હોય તે બાબતે ગુજરાત સરકાર નિર્ણય કરી શકે તેમ કહી રજૂઆતને અસ્વીકૃત કરી હતી, અંતે રાજકુમારના મૃતદેહની અંતિમ વિધિ કરી હતી. શંકા ઉપજાવે એવા આટલા મુદ્દા 4 માર્ચે એમ્બ્યુલન્સ ઈજાગ્રસ્ત હાલતમાં રહેલા રાજકુમાર પાસે પહોંચી ત્યારે તેની એકાદ મિનિટ બાદ જ પાછળથી કાળા કલરની ફોર્ચ્યુનર આવે છે અને તેમાંથી ઉતરેલા યુવાનો સેવા કરવાનું કહી યુવક સુધી જાય છે આ વાત કદાચ માની શકાય કે રાજકોટથી અમદાવાદ તરફ કાળા કલરની ફોર્ચ્યુનરમાં શખ્સો જઈ રહ્યા છે અને મદદની ભાવનાથી કદાચ ઊભા રહ્યા હશે જોકે સૌથી મોટો અને મહત્ત્વનો મુદ્દો એ છે કે, એક સ્કોર્પિયો અને બાઈક બ્રિજ પર રોંગ સાઈડમાં આવ્યા હતા. જે બ્રિજ પર અકસ્માત થયો તે લગભગ પોણા બે કિલોમીટર લંબાઈનો છે. તેમાં વચ્ચે અને બંને સાઈડ લોખંડની ગ્રીલ ફિટ કરેલી છે. ક્રિષ્ના પાર્ક અને ભગીરથ પેટ્રોલ પંપ પાસે પુલ પરથી ઉતરી સર્વિસ રોડ પર જવા માટે જગ્યા છે. જ્યાં અકસ્માત થયો તે સ્થળ આ બંને ખાચા પાસે ઊભા રહીએ તો દેખાય નહિ ત્યારે સવાલ એ છે કે, સ્કોર્પિયો અને બાઈકમાં આવેલા શખ્સોને કેવી રીતે જાણ થઈ કે પુલ પર અકસ્માત થયો છે. કારણ કે, તેઓ અકસ્માત સ્થળે આવીને ઊભા રહ્યા હતા અને કેટલીક શંકાસ્પદ ગતિવિધિ કરી હતી. આ બાબત પોલીસ તપાસનો મુદ્દો છે. { આ શખ્સોએ ઓવરબ્રિજ પર ઊભા રહીને અમુક સામાન રેલિંગ પરથી નીચે ફેંકી દીધો, હવે કોઇનો પત્તો લાગતો નથી ગોંડલમાંથી લાપતા થયેલા અને રાજકોટના તરઘડિયા નજીક જેનું અકસ્માતમાં મૃત્યુ નીપજ્યું તે કેસમાં દિવ્ય ભાસ્કરની ટીમે ઘટનાસ્થળ ઉપરાંત રાજકુમાર જે રામધામ આશ્રમમાં આઠ કલાક જેટલો સમય રોકાયો હતો તેના મહંત રામકુમારદાસ સાથે વાતચીતકરી હતી. મહંતે જણાવ્યું હતું કે, યુવાન આશ્રમમાં જ્યારે આવ્યો ત્યારે અત્યંત થાકેલો લાગતો હતો, તેના પગમાં ચંપલ પણ નહોતા, થોડીવાર તેને આશ્રમમાં બેસાડ્યો હતો, આ સમયે રાજકુમારે પોતાની પાસે જમવાનું માગ્યું હતું. તેથી તેને ભોજન કરાવડાવ્યું હતું અને ઓઢવા માટે ભગવા કલરની એક શાલ પણ આપી હતી. વધુમાં માહિતી આપતા મહંતે કહ્યું હતું કે, મને થોડી શંકા ગઇ હતી, કે આ યુવાન ઘરેથી ભાગીને આવ્યો લાગે છે, આથી તેને ભોજન કરી લીધું ત્યારપછી મેં તેને પૂછ્યું હતું કે, તારી પાસે મોબાઇલ ફોનછે ?, જો હોય તો લાવ તારા પરિવાર સાથે વાત કરીઅે, જોકે યુવાને પોતાની પાસે મોબાઇલ ન હોવાનું જણાવ્યું હતું, આથી મેં કહ્યું હતું કે, તારા પરિવારના ફોન નંબર આપ મારી પાસે ફોન છે તેમાંથી તારા પરિવાર સાથે તારી વાત કરાવી દઉં. જોકે યુવાને એમ કહ્યું કે, મારા પરિવાર સાથે મારે વાત કરવી નથી હું ચાલીને ચોટીલા જાઉં છું, ત્યાં દર્શન કરી બાદમાં પરત મારા ઘેર જતો રહીશ. મહંતે અંતમાં એમપણ કહ્યું હતું કે, યુવાન વહેલી સવારના બે વાગ્યા બાદ આશ્રમથી નીકળી ગયો હતો અને પોતાના ચંપલ પહેરતો ગયો હતો અને અોઢવા માટે ભગવા કલરની જે શાલ આપી હતી તે પણ પોતાની સાથે લઇ ગયો હતો. જ્યાં અકસ્માત થયો ત્યાંથી પોતાના ચંપલ મળી આવ્યાનું પોલીસે કહ્યું હતું. જ્યારે શાલ ક્યાં છે તે અંગે પોતે કંઇ જાણતા નથી.