‘દિલબર’ અને ‘સાકી સાકી’ ફેમ એક્ટ્રેસ નોરા ફતેહીએ ઘણા ડિરેક્ટરને લઈ કેટલાક ખુલાસાઓ કર્યા છે. એક્ટ્રેસે કહ્યું કે- ડિરેક્ટરો તેને ફિલ્મોમાં લેવાની પ્રોમિસ આપીને સોન્ગ શૂટ કરાવી લે છે અને પછીથી ગાયબ થઈ જાય છે. નોરા ફતેહીએ BBC એશિયા નેટને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું, હવે મેં ઇમોશનલ બનવાનું છોડી દીધું છે. હું પહેલા રડતી હતી, પણ હવે મેં વસ્તુઓને પકડીને રડવાનું બંધ કરી દીધું છે. મને રિજેક્શન, ગોસીપ અને કામ ન મળવાથી દુઃખ થતું હતું. પછી અચાનક મને સમજાયું કે તેનો તમારા જીવનમાં ખરેખર કોઈ મતલબ હોતો નથી. જો તમે મને ના કહો અને મને કામ ન આપો, તો હું મારા માટે અન્ય તક શોધીશ. એક્ટ્રેસે વધુમાં કહ્યું, મારી પાસે ટેલેન્ટ છે, હું વાત કરી શકું છું, હું સ્માર્ટ છું. મારે આગળ વધવા માટે બીજા કોઈની જરૂર નથી. મેં લોકો, એજન્સીઓ, ડિરેક્ટરો અને પ્રોડ્યુસરો પર આધાર રાખવાનું છોડી દીધું છે. કેટલાક મારી પાસે આવે છે અને કહે છે, શું તમે મારી ફિલ્મ માટે એક સોન્ગ શૂટ કરશો, અમે તમને અમારી આગામી ફિલ્મમાં લેવાનું વચન આપીએ છીએ. પણ હકીકતમાં તે ક્યારેય આપેલું વચન પાડતો નથી. ઘણા ડિરેક્ટરોએ મારી સાથે આવું કર્યું છે અને પછી તેઓ ગાયબ થઈ જાય છે. તેથી હવે મેં તેમના પર આધાર રાખવાનું છોડી દીધું છે. હું આ ત્યારે જ કરીશ જ્યારે હું ઈચ્છીશ. મને બદલામાં કંઈ જોઈતું નથી. અને આ રીતે હું આગળ વધી રહી છું. નોરા ફતેહીનો જન્મ કેનેડામાં થયો હતો, જ્યારે તેના માતાપિતા મોરોક્કન છે. થોડા સમય માટે મોડેલિંગ કર્યા પછી, નોરા લગભગ 10 વર્ષ પહેલાં માત્ર 5,000 રૂપિયા લઈને ભારત આવી હતી. મુંબઈમાં શરૂઆતના દિવસોમાં, નોરા 10 છોકરીઓ સાથે એક ફ્લેટ શેર કરતી હતી. લાંબા સંઘર્ષ પછી, નોરા 2014 ની ફિલ્મ રોર: ટાઇગર્સ ઓફ ધ સુંદરબન્સના એક ગીતમાં જોવા મળી. આ પછી, તે બાહુબલી ફિલ્મના ‘મનોહરી’ ગીતમાં પણ જોવા મળી હતી. નોરા ફતેહી 2018ની ફિલ્મ ‘સત્યમેવ જયતે’ના ‘દિલબર’ ગીતથી સ્ટાર બની ગઈ. પછી તેને ‘સાકી સાકી’, ‘કામરિયા’, ‘માનિકે’ જેવા ગીતોમાં કામ કર્યું. ગીતો ઉપરાંત, નોરા ફતેહીએ ‘સ્ટ્રીટ ડાન્સર’, ‘ક્રેક’, ‘ભારત’ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. વર્ષ 2021માં, નોરાએ પરિણીતી ચોપરાનું સ્થાન લીધું અને ફિલ્મ ‘ભુજ: ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા’માં જાસૂસ હિનાની ભૂમિકા ભજવી.