આમિર ખાનને બોલિવૂડનો મિસ્ટર પરફેક્શનિસ્ટ કહેવામાં આવે છે. પરંતુ આ ટાઈટલ પ્રાપ્ત કરવું તેના માટે બિલકુલ સરળ નહોતું. આ માટે તેણે ઘણો સંઘર્ષ કરવો પડ્યો. જોકે, તેનું નસીબ ત્યારે બદલાઈ ગયું જ્યારે તેમની ફિલ્મ ‘કયામત સે કયામત તક’ બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર બની. આ ફિલ્મ પછી, તેને ફક્ત એક કે બે નહીં, પરંતુ લગભગ 300-400 ફિલ્મોની ઓફર મળી. આમિર ખાન ફિલ્મ ફેસ્ટિવલના લોન્ચિંગ ઇવેન્ટમાં એક્ટરે પોતે આ વાતનો ખુલાસો કર્યો હતો. તેણે કહ્યું, જ્યારે મેં મારી ફિલ્મી કારકિર્દી શરૂ કરી હતી, ત્યારે મેં જે ફિલ્મો માટે હા પાડી હતી તેનાથી હું ક્યારેય સંતુષ્ટ નહોતો. ઘણીવાર, મારું દિલ તૂટી જતું. પણ મારી ફિલ્મ ‘કયામત સે કયામત તક’ બ્લોકબસ્ટર બનતાની સાથે જ એવું લાગ્યું કે મારું નસીબ બદલાઈ ગયું. મને ઘણી બધી ઑફરો મળવા લાગી. સાચું કહું તો, મને લગભગ 300થી 400 ફિલ્મોની ઓફર મળી હતી. અલગ-અલગ જગ્યાએથી નિર્માતાઓ મને મળવા આવતા. હું તે સમયે નવો હતો. મને ખ્યાલ નહોતો કે ફિલ્મ સાઇન કરવી એ પણ એક મોટી જવાબદારી છે. તે સમયે એક એક્ટર એક સાથે ઓછામાં ઓછી 30 થી 50 ફિલ્મોમાં કામ કરતો હતો. આ જોઈને મેં પણ એકસાથે 9-10 ફિલ્મો સાઇન કરી. જ્યારે આ ફિલ્મોનું શૂટિંગ શરૂ થયું, ત્યારે મને ખ્યાલ આવ્યો કે મેં એક મોટી ભૂલ કરી છે. આમિરે કહ્યું, ‘હું દિવસમાં ત્રણ શિફ્ટમાં કામ કરતો હતો અને ખુશ નહોતો. ઘરે પાછા ફર્યા પછી હું રડતો હતો. હું ખૂબ જ પરેશાન હતો. પણ મને તે સમયે સમજાયું કે માત્ર સારી સ્ક્રિપ્ટ પૂરતી નથી, પરંતુ ડિરેક્ટર, પ્રોડ્યુસર અને તેમના વિચારો પણ એટલા જ મહત્ત્વપૂર્ણ છે. આમિરના મતે, જ્યારે તેની ફિલ્મો ‘લવ લવ લવ’, ‘અવલ નંબર’ અને ‘તુમ મેરે હો’ ફ્લોપ થઈ, ત્યારે તેને લાગ્યું કે તેનું કરિયર પૂરું થઈ ગયું છે. કોઈ તેને કાસ્ટ કરી રહ્યું ન હતું. તેને એવું લાગ્યું કે તે કોઈ દલદલમાં ફસાઈ ગયો છે અને બહાર નીકળવાનો કોઈ રસ્તો નથી. જોકે, ઇન્દ્ર કુમારની ફિલ્મ ‘દિલ’ બ્લોકબસ્ટર બની. આ પછી, ફરી એકવાર તેની ફિલ્મી કરિયર નવી ઊંચાઈએ પહોંચી ગઈ.