રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે. જેમાં સ્કૂટર પરથી પડી જવાના કારણે ઈજા પામેલા એક 9 વર્ષનાં બાળકને વોકહાર્ટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં હોસ્પિટલનાં ડૉક્ટર્સ દ્વારા બાળકનાં હાથમાં 7 ટાંકા લેવાયા હતા. પરિવારે મેડીક્લેમ હોવાનું જણાવતા તેને 24 કલાક દાખલ કર્યો હતો. એટલું જ નહીં પરંતુ આ સામાન્ય સારવાર માટેનું રૂ. 1.60 લાખનું બિલ ફટકાર્યું હતું. જેને લઈ બાળકના દાદાએ વોકહાર્ટ હોસ્પિટલ સામે સવાલ ઉઠાવ્યા છે. તો સાથે જ યોગ્ય જવાબ ન મળે તો કાયદેસર કાર્યવાહી કરવાની તૈયારી પણ દર્શાવી છે. સમગ્ર મામલે વોકહાર્ટ હોસ્પિટલનાં સેન્ટર હેડ ડૉ. દુષ્યંત પટેલે તમામ ચાર્જીસ નિયમ મુજબ લેવાયા હોવાનો લુલો બચાવ કર્યો હતો. અક્સ્માતમાં પડી જતા વોકહાર્ટ હોસ્પિટલમાં ખસેડાયો હતો
ભોગ બનનાર 9 વર્ષના બાળકનાં દાદા જગદીશભાઈ પટેલે આ અંગે જણાવ્યું હતું કે, તેમનો પૌત્ર અને પુત્રવધુ 4 માર્ચે સ્કૂટર પર જતાં હતાં. દરમિયાન ઓચિંતી બ્રેક લાગતા સ્કૂટરની સાથે પૌત્ર પણ પડી જતા તેનો હાથ ફંસાઈ ગયો હતો. જે ખેંચવા જતા પતરું લાગવાથી હાથમાં ઈજા પહોંચી હતી. અને તે ખૂબ ગભરાઈને રડવા લાગતા તેને નજીકની વોકહાર્ટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ડૉક્ટર્સ સહિત સ્ટાફ દ્વારા તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી. પૌત્રનાં હાથમાં પતરું લાગ્યું હોવાથી તરત ક્લીન કરવામાં આવ્યું હતું. તેમજ પાટો બાંધી આપ્યા બાદ સ્ટીચ લેવા જરૂરી હોવાનું પણ જણાવ્યું હતું. કેશલેસ હોવા છતાં રૂ. 10 હજાર રોકડ વસુલાયા
બાદમાં અમને મેડીક્લેમ અંગે પૂછવામાં આવતા અમે મેડીક્લેમ હોવાનું જણાવ્યું હતું. જેથી અમને 24 કલાક એડમિટ થવા માટે કહેતા અમે હા પાડી હતી. રાત્રે 10 વાગ્યા પછી પૌત્રને સ્ટીચ લેવા ઓપરેશન થિયેટર અંદર લઈ ગયા હતા. અને એકાદ કલાકમાં રૂમમાં શિફ્ટ કરી દીધો હતો. સવારે તેને ખૂબ સારું હતું અને તે બોલતો ચાલતો અને હરતો-ફરતો હોવાથી અમે રજા માટે પૂછ્યું હતું. ત્યારે 24 કલાક થયા બાદ સાંજે રજા આપવાનું સ્ટાફ દ્વારા જણાવાયું હતું. બાદમાં સાંજે 7 વાગ્યાનાં સુમારે 24 કલાક પુરા થતા અમે ફરી રજા આપવા કહ્યું હતું. આ દરમિયાન કેશલેસ સારવાર હોવા છતાં રૂ. 10 હજાર રોકડ વસુલાયા હતા. જેમાંથી માત્ર રૂ. 1400નું રિફંડ આપવામાં આવ્યું હતું. સામાન્ય સ્ટીચ લેવાનું રૂ. 1,60,910 બિલ
જવાબમાં હજુ એપૃવલ નહીં આવ્યું હોવાનું જણાવાયું હતું. અને 5 માર્ચે છેક રાત્રે 10:40 વાગ્યે ડિસ્ચાર્જ કરાયા હતા ત્યારબાદ છેલ્લે અમને રૂ. 1,60,910નું બિલ આપવામાં આવતા અમને ખૂબ આશ્ચર્ય થયું હતું. કે સામાન્ય સ્ટીચ લેવાનું આટલું બિલ કઈ રીતે હોઈ શકે? આમ છતાંય અમે ત્યાંથી નીકળી ગયા હતા. બે દિવસ અમે કેટલાક લોકોની સલાહ લીધી હતી. બાદમાં એક જાગૃત નાગરિક તરીકે હોસ્પિટલ સામે સવાલ ઉઠાવવાનો નિર્ણય લેવાયો હતો. જેને લઈને અમે મીડિયા દ્વારા વોકહાર્ટ હોસ્પિટલ સામે સવાલ ઉઠાવ્યો છે. અને જો હોસ્પિટલ દ્વારા આ મામલે સંતોષકારક જવાબ આપવામાં નહીં આવે તો કાયદેસરની કાર્યવાહી કરવાની અમારી તૈયારી છે. નાના માણસોને મુશ્કેલી ન થાય તે માટે મામલો ઉઠાવ્યો
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, અમુક વખત ડૉક્ટરોનો ચાર્જ ઘણો વધારે હોય છે. મારી જ વાત કરું તો મારી હર્નિયા અને પ્રોસ્ટેટની સર્જરી કરવામાં આવી ચૂકી છે. જેમાં હું 7 દિવસ હોસ્પિટલમાં રહ્યો હોવા છતાં માત્ર રૂ. 1 લાખનું બિલ આવ્યું હતું. જેમાં 7 દિવસનો રૂમ ચાર્જ, બંને ઓપરેશન અને 15 દિવસની દવાઓ પણ અપાઈ હતી. જ્યારે મારા પૌત્રનાં કિસ્સામાં કોઈપણ સર્જરી તો હતી જ નહીં. માત્ર સ્ટીચ લેવાયા હતા. ત્યારે આટલું મોટું બિલ કઈ રીતે હોઈ શકે ? આવી હોસ્પિટલમાં જે ડૉક્ટર્સ વિઝીટમાં આવે છે તે હાથ પણ લગાડતા નથી. પરંતુ તેનો વિઝીટ ચાર્જ લગાવવામાં આવે છે. ખરેખર જો પેશન્ટને જરૂરિયાત હોય તો જ ડોક્ટર મોકલવા જોઈએ. મારી રકમ તો ઇન્શ્યોરન્સ કંપનીએ ચૂકવી છે. પરંતુ નાના માણસોને મુશ્કેલી ન થાય તે માટે આ મામલો મીડિયા સમક્ષ લાવવામાં આવ્યો હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું. વોકહાર્ટ હોસ્પિટલમાં કઈ રીતે ચાર્જ વસુલાયો? કુલ બિલ- રૂ.1,60,910 વોક હાર્ટ હોસ્પિટલને બદલે સેલ્બી હોસ્પિટલ કહી વખાણ કર્યા
આ મામલે વોકહાર્ટ હોસ્પિટલનાં સેન્ટર હેડ ડૉ. દુષ્યંત પટેલે જણાવ્યું હતું કે, દર્દીને અહીં ઈમરજન્સીમાં દાખલ કરવા લઈ આવ્યા હતા. મોટો ચેકો હતો અને ડસ્ટ પણ હોવાને કારણે ઈમરજન્સી સર્જરી કરવી પડી હતી. અને સારવાર આપી બીજા દિવસે જ રજા આપવામાં આવી હતી. રજા આપ્યા બાદ ડૉકટરોને પણ બતાવવા માટે આવ્યા હતા. ઇન્સ્યોરન્સ કંપનીના ડોક્યુમેન્ટ તૈયાર કરવામાં આવ્યા ત્યારે પણ વાલીઓએ સંમતિ આપી હતી. જોકે ડૉ.હાર્દિક ધમસાણીયાએ રૂ. 61 હજારનો ચાર્જ શેનો લીધો તે જવાબ આપવામાં ગલ્લા તલ્લા કર્યા હતા. અને તમામ ચાર્જીસ નિયમ મુજબ હોવાનો લુલો બચાવ કર્યો હતો. સેન્ટર હેડ દુષ્યંત પટેલ આ અંગે જવાબ આપવામાં નિષ્ફળ રહ્યા હતા. એટલું જ નહીં આ સેન્ટર હેડ ભાન ભૂલ્યા અને વોક હાર્ટ હોસ્પિટલને બદલે સેલ્બી હોસ્પિટલ કહી વખાણ પણ કર્યા હતા. બાદમાં મીડિયાએ ધ્યાન દોરતા પોતાની ભૂલ સ્વીકારી હતી. આ પણ વાંચો: રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલ વિવાદમાં:ગાદીનું ઓપરેશન કર્યા વગર રૂપિયા લીધાનો દર્દીનો આક્ષેપ, ડોક્ટરે કહ્યું- વાની તકલીફ છે તેનો દુ:ખાવો છે