રાજ્યમાં અનેકવાર સરકારી ભરતીમાં કૌભાંડ ખૂલ્યાં છે, ત્યારે સરકારી ભરતીમાં નોકરી અપાવવાની લાલચમાં ઠગાઈનો વધુ એક કિસ્સો સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ગાંધીનગરમાં પ્રેસ કોન્ફરન્સ યોજીને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા GSRTCમાં નોકરી અપાવવાના બહાને 45 જેટલા લોકો સાથે ઠગાઈ કરાઈ હોવાનો દાવો કરાયો છે. જેમાં એક નોકરી વાંછુક પાસેથી રૂ. 97,200 લઈને સિનિયર કલાર્કનો બોગસ એપોઇનમેન્ટ લેટર પણ આપી દેવાયો હતો. વડોદરાના નિલેશ મકવાણા અને તેના મળતિયા આશિષ ક્રિશ્ચિયન નામના વ્યક્તિ દ્વારા 45 લોકો સાથે ઠગાઈ કરાયાના પુરાવા સાથે યુવરાજસિંહ દ્વારા દાવો કરી વધુ એક કૌભાંડ બહાર લાવવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. CM સુધી જાણ કરાઇ પણ ફરિયાદ નથી લેવાતી: યુવરાજસિંહ
ગાંધીનગરમાં કોન્ફરન્સમાં કરીને યુવરાજસિંહે જણાવ્યું હતું કે, વાહન વ્યવહાર નિગમમાં વિવિધ ભરતીઓમાં આ કૌભાંડ થયું છે. જેમાં નકલી એપોઇન્ટમેન્ટ લેટર, આઈકાર્ડ આપવામાં આવે છે. લેભાગુ તત્ત્વો દ્વારા ઉમેદવારોને મોકલવામાં આવ્યા છે. ઉમેદવારોને જ્યારે જાણ થઈ કે આ બાબતે તેમની સાથે છેતરપિંડી થઈ છે ત્યારે ખોખરા અને વટવા પોલીસ સ્ટેશને જાણ કરવામાં આવી હતી. જોકે, ફરિયાદ ન લેવાતા આ કેસમાં મુખ્યમંત્રી સુધી જાણ કરવામાં આવી હતી છતાં હજી સુધી ફરિયાદ લેવામાં આવી નથી. ગૃહરાજ્યમંત્રી કહે છે કે કોઈપણની ફરિયાદ થવી જોઈએ. જોકે આમાં ભોગ બનનાર 6 મહિનાથી ફરિયાદ કરી રહ્યા છે, પણ ફરિયાદ નોંધાવવા આવતી નથી. સિનિયર ક્લાર્કનો નકલી લેટર પણ ઇસ્યૂ કર્યો: યુવરાજસિંહ
યુવરાજસિંહે મુખ્ય આરોપી બોરસદનો હોવાનો દાવો કર્યો છે અને ટેલિફોન રેકોર્ડિંગના પુરાવા પણ ઉપલબ્ધ હોવાનું જણાવ્યું છે. તેમણે જણાવ્યું કે, લેભાગુ તત્ત્વો દ્વારા ઈમેલના માધ્યમથી એપોઇન્ટમેન્ટ લેટર પણ નકલી મોકલવામાં આવતો હતો. જેમાં ગૌરાંગ રોહિતભાઈ ગજ્જર નામના પીડિત યુવકનો સિનિયર ક્લાર્કનો લેટર પણ ઇસ્યૂ કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી અને ગૃહરાજ્યમંત્રી પાસે અમારી માંગણી છે કે આ તત્ત્વો સામે તાત્કાલિક પોલીસ ફરિયાદ નોંધવામાં આવે. મેં 97 હજાર ટ્રાન્સફર કર્યા, હવે ધમકીઓ આપે છે: ગૌરાંગ ગજ્જર
આ ઘટનામાં ભોગ બનનાર ગૌરાંગ ગજ્જરે જણાવ્યું હતું કે, પોતે અમદાવાદમાં કોમ્પ્યુટર રિપેર કરનાર આશિષ ક્રિશ્ચિયને નામના વ્યક્તિના સંપર્કમાં આવ્યા હતા. આશિષ ક્રિશ્ચિયને નોકરી આપવાની લાલચ આપી હતી. રૂપિયાનો વ્યવહાર થશે પછી સો ટકા નોકરી મળી જશે તેવી ખાતરી પણ આપવામાં આવી હતી. પોતાની ઉંમર 41 વર્ષ હોવાથી વયમર્યાદામાં નોકરી ન મળે પણ આશિષે ખાતરી આપી હતી કે તેઓને નોકરી મળી જશે. મુખ્ય આરોપી નિલેશ મકવાણાના ખાતામાં તેઓએ 97,000 થી વધુ રૂપિયા ટ્રાન્સફર કર્યા છે. હવે નિલેશ મકવાણા દ્વારા ધમકીઓ આપવામાં આવી રહી છે.