કેડીલા કેસમાં બલ્ગેરિયન યુવતીએ નેશનલ કમિશન ફોર વુમનમાં સેક્સ્યુઅલ હેરેસમેન્ટની ફરિયાદ કરી હોવા છતાં કોઈ પગલાં લેવામાં આવ્યા ન હતા. નેશનલ કમિશન ફોર વુમને જિલ્લા કલેકટરને યુવતીની ફરિયાદ પર કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યા હતા પરંતુ, કલેકટરે કાર્યવાહી ન કરતા યુવતીએ ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી. આ અરજીમાં નેશનલ કમિશન ઓફ વુમન, અમદાવાદ જિલ્લા કલેકટર અને ગુજરાત રાજ્ય સહિતનાને પક્ષકાર બનાવવામાં આવ્યા હતા. આ અરજી સેકસ્યુઅલ હેરેસમેંટ ઓફ વર્ક પ્લેસ-પ્રિવેન્શન પ્રોહેબિશન એન્ડ રિડ્રેસલ POSH એક્ટ 2013 અંતર્ગત કરવામાં આવી હતી. LCCના રિપોર્ટને રદ કરવા માગ કરાઈ
અગાઉ કોર્ટની કાર્યવાહીમાં યુવતીના વકીલે કોર્ટને જણાવ્યું હતું કે, કલેક્ટરની લોકલ કમ્પ્લેઈન કમિટીએ 7 જાન્યુઆરી, 2025ના રોજ બેઠક યોજીને અરજદાર કે સામા પક્ષકારોને બોલાવ્યા વગર જ ફરિયાદ ક્લોઝ કરી નાખી હતી. કમિટીના રિપોર્ટમાં જણાવ્યું હતું કે, હાઇકોર્ટના નિર્દેશ પર સોલા પોલીસ મથકે યુવતીની ફરિયાદ નોંધાઈ ચૂકી હોવાથી આ અરજી બંધ કરવામાં આવી છે. યુવતીના વકીલનું કહેવું હતું કે, યુવતીને સાંભળ્યા વગર LCC હિયરીંગ ચલાવી શકે નહીં. જેથી, LCCના રિપોર્ટને રદ કરવામાં આવે. વિદેશની કોર્ટમાં પણ સેક્સ્યુઅલ હેરેસમેન્ટના કેસ દાખલ થાય એવી સંભાવના
હવે બલ્ગેરિયન યુવતીની આ અરજીમાં કેડિલામાં અગાઉ કામ કરતી વધુ એક યુવતીએ આ અરજીમાં જોડાવવા માટે માંગ કરી છે. જોકે, મૂળ અરજી બલ્ગેરિયન યુવતીની હોવાથી તેના વકીલે આ યુવતીની અરજીની કોપી માંગી છે તો રાજીવ મોદી વતી જવાબ રજૂ કરવા સિનિયર એડવોકેટ હાયર કરવામાં આવ્યા છે. જેમને આ કેસમાં જવાબ ફાઈલ કરવા સમય માંગ્યો છે. આજે સરકારી વકીલ અન્ય કેસમાં વ્યસ્ત હોવાથી આ કેસમાં ઉપસ્થિત રહી શક્યા નહોતા. કેડિલામાં કામ કરી ચૂકેલી ભારત અને વિદેશની છોકરીઓ POSH એક્ટ હેઠળ ફરિયાદ કરવા વધુ સંખ્યામાં આગામી સમયમાં આવે એવી પૂરી શક્યતાઓ છે. વળી રાજીવ મોદી વિદેશમાં પણ ઘર અને પ્રોપર્ટી ધરાવતા હોવાથી વિદેશની કોર્ટમાં પણ તેમની સામે સેક્સ્યુઅલ હેરેસમેન્ટના કેસ દાખલ થાય એવી પૂરી શક્યતાઓ છે. કલેક્ટર, મહિલા અને બાળ વિકાસ વિભાગ, નેશનલ કમિશન ફોર વુમેનને નોટિસ આપી
અગાઉ આ અરજીની સુનવણીમાં બલ્ગેરિયન યુવતીના વકીલે કોર્ટને જણાવ્યું હતું કે, LCCને સિવિલ કોર્ટ જેવા જ પાવર હોય છે. જેથી, LCC દ્વારા ફરીથી અરજી સાંભળવામાં આવે. POSH એક્ટ અંતર્ગત અલગથી ફરિયાદ કરવી પડે. આ સાથે જ અરજદારે કેડીલાના રાજીવ મોદી અને જુનિયર મોદીને પક્ષકાર બનાવવાની માંગ કરી હતી, જેને ગ્રાહ્ય રાખવામાં આવી હતી. હાઇકોર્ટે આ મામલે અમદાવાદ કલેક્ટર, રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ, નેશનલ કમિશન ફોર વુમેનને નોટિસ આપી હતી. અનેક રજૂઆતો છતાં કોઈ પગલાં લેવામાં આવ્યા ન હતા
ઉલ્લેખનીય છે કે, કેડીલા કંપનીની કર્મચારી બલ્ગેરિયન યુવતીએ કેડિલા ફાર્માના CMD રાજીવ મોદી સામે દુષ્કર્મના આક્ષેપો કર્યા હતા. જે સંદર્ભે મહિલા પોલીસ સ્ટેશન, પોલીસ કમિશનર કચેરી, નેશનલ કમિશન ફોર વુમન વગેરે જગ્યાએ રજૂઆતો કરવા છતાં કોઈ પગલાં લેવામાં આવ્યા ન હતા. ગ્રામ્ય કોર્ટે પોલીસ તપાસ કરાવી હતી પણ તેમાં યોગ્ય તપાસ થઈ નહિ હોવાની અરજી સાથે બલ્ગેરિયન યુવતી ગુજરાત હાઇકોર્ટ પહોંચી હતી. હાઇકોર્ટે સોલા પોલીસને યુવતીની ફરિયાદ નોંધવા આદેશ આપ્યા હતા. અમદાવાદ ગ્રામ્ય કોર્ટે વધુ તપાસના આદેશ આપ્યા હતા
ફરિયાદ નોંધાતા પોલીસે રાજીવ મોદીના ઘરે બલ્ગેરિયન યુવતીને સાથે રાખીને તપાસ કરી હતી. આ સાથે જ સાહેદોના નિવેદન નોંધ્યા હતા. તપાસ બાદ પોલીસે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં પૂરતા પુરાવા ના હોવાની સમરી ફાઇલ કરી હતી. જે મુજબ આરોપી સામે કોઈ પુરાવા ન હોવાનું જણાવ્યું હતું. યુવતીએ આ સમરીને ચેલેન્જ કરી હતી. જેથી, અમદાવાદ ગ્રામ્ય કોર્ટે વધુ તપાસના આદેશ આપ્યા હતા. જેમાં પણ ગ્રામ્ય કોર્ટમાં કાર્યવાહી ચાલુ છે.