મિહિર ભટ્ટ
કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ દેશવિરોધીઓ સાથે સંબંધ રાખીને ડ્રગ્સનો વેપાર કરતો હોવાના અનેક પુરાવા NIA (નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી)ને હાથ લાગ્યાં છે. પાકિસ્તાનમાં બેઠેલા અને ભારતમાં સંખ્યાબંધ ડ્રગ્સની ખેપમાં જે વોન્ટેડ છે તેવા અબ્દુલ્લા ઉર્ફ ભાઈજાન ઉપરાંત શંકાસ્પદ રીતે મોતને ભેટેલા બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ (BKI)ના ભારતના ચીફ એવા રિન્દા સાથે પણ લોરેન્સના સંબંધો હતા. આવા પુરાવા અને કડીઓ ઉપરાંત જૂના કેસની વિગતો સાથે 2022ના મધદરિયે ગુજરાત ATS એ પકડેલા ડ્રગ્સની ચાર્જશીટ કરવામાં આવી હોવાનું NIAના સૂત્રોનું કહેવું છે. NIA ના આધારભૂત સૂત્રોનું કહેવું છે કે, વર્ષ 2022માં ગુજરાત ATSના તત્કાલીન DIG દિપન ભદ્રન અને SP સુનિલ જોષીની આગેવાની હેઠળ ટીમે મધદરિયે ડ્રગ્સની એક ખેપ પકડી કેટલાક પાકિસ્તાનીઓની ધરપકડ કરી હતી. જેમની પાસેથી માહિતી મળી હતી કે, ડ્રગ્સ દરિયે લેન્ડ થાય ત્યારે સરતાજ અને જગ્ગી નામના બે શખ્સો તે લેવા આવવાનાં છે. ATS એ આ બન્ને શખ્સોની પણ અમદાવાદ નજીકથી ધરપકડ કરી લીધી હતી. બન્નેની પૂછપરછમાં એક લેડી ડોન એની ઉર્ફ અનિતાનું નામ ખુલ્યું હતુ. જે લોરેન્સના ખાસ ગણાતા ચીફ ઓબન્નાની સાથે જોડાયેલી હતી. એટલું જ નહીં જગ્ગી અને સરતાજે કબૂલત પણ કરી હતી કે, એનીએ તેમને સૂચના આપી હતી કે, ‘ડ્રગ્સનો જથ્થો લોરેન્સનો છે માટે કોઈ ભૂલ થવી ના જોઈએ’. IB હેડક્વાર્ટર પર હુમલો અને મૂસેવાલા હત્યાકાંડમાં સંબંધો ખૂલ્યા
{ પંજાબમાં આઈ.બી હેડક્વાર્ટર પર થયેલા હુમલા પાછળ પાકિસ્તાનમાં ભાગીને છુપાયેલા પંજાબના એક વખતના ગેંગસ્ટર અને પાછળથી બબ્બર ખાલસા ઈન્ટરનેશનલના ભારત ચીફ બનેલા હરિન્દરસિંઘ ઉર્ફ રિન્દાનું નામ ખૂલ્યું હતુ. તેમાં પકડાયેલા હુમલાખોરો લોરેન્સ ગેંગના સભ્યો હોવાની વાતથી બન્ને વચ્ચેના સંબંધો પોલીસને જાણવા મળ્યા હતા. આ ઉપરાંત સિંગર સિધ્ધુ મૂસેવાલા હત્યાકાંડમાં લોરેન્સનું નામ ખૂલ્યા બાદ હરિન્દરસિંગ ઉર્ફ રિન્દાનું નામ સામે આવ્યું હતું. ફેબ્રુઆરી-2022માં 15 કિલો હેરોઈન ગુજરાતથી જ ગયંુ હતંુ!
{ દરિયામાંથી પકડાયેલા ડ્રગ્સની તપાસ પાછળથી NIA ને સોંપાઈ હતી. NIA ને જાણવા મળ્યું હતુ કે, અગાઉ રૂટ ટેસ્ટિંગ માટે 15 કિલો હેરોઈન ગુજરાતના માર્ગે જ પંજાબ સુધી પહોંચ્યું હતું. તેમાં સફળ થયા બાદ મે મહિનામાં મોટો જથ્થો લાવવા પ્રયાસ કર્યો હતો જો કે, તેમાં સફળતા મળી નહીં માટે બે-ત્રણ મહિના પછી ડ્રગ્સ લવાયું અને પકડાઈ ગયું.