બૂરા ના માનો હોલી હૈ…. આજે બધા આવું કહીને પોતાના મનની વાત કહી દે છે. તો ચાલો દુખ નહીં લાગે એવી આશા રાખી આપણે પણ સત્યનો અરીસો જોઈએ. અને શરૂઆત કરીએ પક્ષપલટો કરતા નેતાઓના મનની વાતથી. આપણને એમ છે કે નેતાઓ પક્ષપલટો કરે છે એ પોતાના સ્વાર્થ માટે કરે છે. ના, એવું નથી. એમને તો સેવા કરવી હોય છે.પણ પક્ષવાળા રોકતા હોય એટલે બીજા પક્ષમાં જઈને સેવા કરે. તમે સમજો. પછી ચૂંટણી પહેલા મત માગવા આવતા નેતાઓ. એમને તો આપણી જરૂરિયાતોની બધી ખબર. વચન એવા આપે કે આપણને એમ થાય કે આ જ તો જોઈએ છે મારે. પછી આપણે ભોળાભાવે મત આપી આવીએ. વળી પાછું એમની પાસે એવી જડીબુટ્ટી હોય કે ચૂંટણી પછી શોધ્યા ના જડે. સીધા દેખાય રંગે રમતા. પબ્લિકને ભલે હૈયાહોળી હોય પણ નેતાઓની મોજ ઘટવી ના જોઈએ. પછી આ પોલીસવાળા અઠવાડિયું ડ્રાઈવ ચલાવીને હેલમેટનો દંડ લે છે. એ કંઈ પોતાના સ્વાર્થ માટે કે ટાર્ગેટ પુરા કરવા માટે થોડા લે છે. એ તો એ એક અઠવાડિયામાં કંઈક એવી ખગોળિય ઘટના બનતી હશે એટલે એક સપ્તાહ આપણું ધ્યાન રાખે છે. પછી જુઓને ક્યાંય રસ્તે દેખાય છે. તમે ટ્રાફિકમાં હેરાન થતા હોય તોય નિયમન કરાવવા આવે છે? એમને તમારા માથાની ચિંતા છે એટલે એક અઠવાડિયું તમને જાગૃત કરે છે. અને લાંચ લેતા સરકારી બાબુઓ. એમાંથી શીખવા જેવું છે. કે ચોરી કરવી ગુનો નથી, ચોરી કરતા પકડાઈ જવું એ ગુનો છે. અને સિસ્ટમમાંથી કોન્ટ્રાક્ટ કેવી રીતે મેળવવા એમાંથી કટકી કરીને ઘર કેમ ભરવું..એ (કોઈ ઈનસે સીખે) બુરા ના માનો હોલી હૈ…….