2001માં જ્યારે ન્યૂયોર્કમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર આતંકવાદી હુમલો થયો ત્યારે શાહરુખ ખાન અમેરિકામાં હતો. એક્ટરે એક ઇન્ટરવ્યૂમાં આ વાતનો ખુલાસો કર્યો હતો. તેણે કહ્યું કે 9/11ના હુમલા સમયે તે ન્યૂયોર્કમાં હતો. તેનો પરિવાર અને કરન જોહરની માતા હીરુ જોહર પણ તેમની સાથે હાજર હતા. એટલું જ નહીં, પાછા જવા માટે તેને ખાસ પરવાનગી પણ લેવી પડી. ડીડબ્લ્યુ ન્યૂઝ સાથે વાત કરતા શાહરુખ ખાને કહ્યું હતું કે, હું તે સમયે ન્યૂયોર્કમાં જ હતો. મારી સાથે કરન જોહરની માતા હીરુ, મારી પત્ની ગૌરી અને મારો દીકરો આર્યન હતા. અમારે ફિલ્મ અશોકના લોન્ચ માટે ઇન્ટરવ્યૂ લેવાના હતા, જ્યારે બાકીની ટીમને અમારાથી ચાર કલાક પહેલા ટોરોન્ટો જવાનું હતું. તે સમયે શાહરુખ ખાન પોતાની ફિલ્મ ‘માય નેમ ઈઝ ખાન’નું પ્રમોશન પણ કરી રહ્યા હતા, જે આતંકવાદી હુમલા પછી પશ્ચિમમાં વધી રહેલા ઈસ્લામોફોબિયા પર આધારિત હતી. શાહરુખ ખાને કહ્યું, હું સૂતો હતો ત્યારે અચાનક કરન જોહરની માતા આવી અને મને જગાડ્યો અને આતંકવાદી હુમલાના સીન બતાવ્યા. તેમણે મને ટીવી પર જે સમાચાર બતાવ્યા તે વિમાન દુર્ઘટના વિશે હતા. શરૂઆતમાં મને લાગ્યું કે અમારી ટીમનું વિમાન ક્રેશ થયું છે, તેથી જ તે મને તેના વિશે કહી રહી છે. તે સમયે મને સમજાતું નહોતું કે શું કરવું. મીડિયા મારા રૂમની નીચે ઇન્ટરવ્યૂ માટે રાહ જોઈ રહ્યું હતું જ્યારે હું વિચારી રહ્યો હતો કે શું થયું. શાહરુખ ખાને ખુલાસો કર્યો કે ફ્લાઇટ્સ રદ થવાને કારણે તે આગામી થોડા દિવસો માટે ન્યૂયોર્કમાં અટવાયો હતો. પરંતુ થોડા દિવસો પછી, તેને અધિકારીઓની ખાસ પરવાનગી મળી અને તે તેના પરિવાર અને કરનની માતા સાથે ટોરોન્ટો ગયો. શાહરુખે વધુમાં કહ્યું કે તેમને લાગે છે કે આ ઘટનાનો તેમના પર ઊંડો પ્રભાવ પડ્યો, જેમ બીજા લોકો પર પડ્યો હતો.