વેરાવળ-કોડીનાર હાઈવે પર સુંદરપરા ગામ પાસે મંગળવારે રાત્રે 11 વાગ્યે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ભગુડા મોગલધામ દર્શન માટે જતી જાત્રાની બસ પલટી મારી જતાં એક યુવકનું મોત નીપજ્યું હતું અને 23 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. વેરાવળના ખારવા સમુદાયના 56 લોકો ધુળેટીના તહેવાર નિમિત્તે દેવ દર્શન માટે નીકળ્યા હતા. અકસ્માતમાં 22 વર્ષીય યોગેશ પ્રભુદાસ ચોરવાડીનું મૃત્યુ થયું હતું. ઈજાગ્રસ્તોમાં બાળકોનો પણ સમાવેશ થાય છે. વેરાવળ-કોડીનાર હાઈવે પર સુંદરપરા ગામ પાસે અકસ્માત
વેરાવળ ખારવાવાડ વિસ્તારમાંથી ઈશ્વરભાઈ ગોહેલ નામના વ્યક્તિએ યાત્રા સંઘનું આયોજન કર્યું હતું. જે વેરાવળથી બગદાણા, ભગુડા મોગલધામ, ઉંચા કોટડા, સાળંગપુર અને બીજા દિવસે પરત આવવાનું આયોજન હતું. આ માટે વેરાવળના વિનાયક ટ્રાવેલ્સની બસ બાંધવામાં આવી હતી. જે બસ (નંબર GJ03 AX 0119) વેરાવળથી અંદાજે 11 વાગ્યે ઉપડી હતી. જેનો વેરાવળથી 18 કીમી દૂર સુંદરપરા ગામના પાટિયાથી આગળ જતાં સમયે સાડા અગિયાર વાગ્યાની આસપાસ અકસ્માત સર્જાયો હતો. અશોક નામના ડ્રાઇવર દ્વારા સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દેતાં બસ પલટી મારી ગઈ હતી. ખારવા સમાજમાં શોકની લાગણી છવાઈ
તમામ ઘાયલોને તાત્કાલિક વેરાવળ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની જાણ થતાં જ વેરાવળ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. હોસ્પિટલ ખાતે લોકોના ટોળા એકત્ર થયા હતા. હોળી-ધુળેટીના તહેવાર દરમિયાન બનેલી આ દુર્ઘટનાને કારણે ખારવા સમાજમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. 23 પૈકી બે મહિલાને વધુ ઇજા થતાં રીફર કરાયા
બસના ક્લીનર અલ્ફાજ ઇનાયત પઠાણને ગંભીર ઇજા થતાં તેમને વેરાવળ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા. જ્યારે હંસાબેન કાનજીભાઈ ભટ્ટી અને ભૂમિબેન કિશોરભાઈ ગોહેલને વધુ ઇજા થતાં જૂનાગઢ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જ્યાં તેમની હાલ સ્થિતિ સારી હોવાનું જાણવા મળ્યું હતું. ગફલતભરી-બેફિકરાઇથી બસ ચલાવતાં અકસ્માત
બનાવ અંગે અકસ્માત સર્જી નાશી ગયેલા બસના ડ્રાઇવર અશોક વિરુદ્ધ મૃતકના પિતરાઈ ભાઈ દિનેશ ચુનીલાલ ડાલકીએ ફરિયાદ નોંધાવી છે. જેના આધારે ગફલતભરી અને બેફિકરાઇથી બસ ચલાવી અકસ્માત સર્જવા અંગે પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઇજાગ્રસ્તોની યાદી
1. સુશીલાબેન હિતેશભાઈ આગિયા
2. નિમુબેન મધુભાઈ જુંગી
3. હંસાબેન કાનજીભાઈ ભુટી
4. દિપકભાઈ અરવિંદભાઈ ચાવડા
5. રાજુભાઈ ઈશ્વરભાઈ ગોહેલ
6. સુમિતાબેન ગણેશભાઈ કુહાડા
7. નિશાબેન મહેશભાઈ કુહાડા
8. નયનાબેન ભરતભાઈ વણિક
9. મોહનભાઈ નરસિંગભાઈ ડોડીયા
10. તુલસીભાઈ કાનજીભાઈ ખાપંડી
11. ભૂમિબેન કિશોરભાઈ ગોહેલ
12. વિજયાબેન બાબુભાઈ જુંગી
13. મહેન્દ્રભાઈ મોહનભાઈ કુહાડા
14. ગૌરીબેન મુકેશભાઈ ગોહેલ
15. મીત હિતેશભાઈ આગિયા
16. ખુશાલ વિજયભાઈ કુહાડા
17. યસ વિજયભાઈ કુહાડા
18. વિજય કાનજીભાઈ કુહાડા
19. માયાભાઈ વરજાંગભાઈ ચાવડા
20. વિજય ધનજીભાઈ ભેસલા
21. રંજનબેન પદમશીભાઈ કુહાડા
22. વર્ષાબેન વિજયભાઈ કુહાડા
23. અલ્ફાજ ઇનાયત પઠાણ (બસના ક્લીનર)