સાબરકાંઠાના પ્રાંતિજના મજરા ગામમાં હોળી પર્વની એક અનોખી પરંપરા 500 વર્ષથી ચાલી આવે છે. અહીં હોળી પ્રગટાવ્યા બાદ શ્રદ્ધાળુઓ ધગધગતા અંગારા પર ખુલ્લા પગે દોડે છે. ગામના યુવાનો સવારથી લાકડા એકત્રિત કરી ભૈરવ દાદાના મંદિર પાસે લાવે છે. સાંજે હોલિકા દહન કરવામાં આવે છે. નવવધૂ અને પ્રથમ ખોળો ભરાયેલા દંપતી બાળક સાથે પ્રદક્ષિણા ફરે છે. શ્રદ્ધાળુઓ ભૈરવદાદાનું નામ લઈ અંગારા પર દોડે છે. આશ્ચર્યની વાત એ છે કે કોઈને કશું થતું નથી. આજુબાજુના 50 જેટલા ગામમાંથી લોકો દર્શન માટે આવે છે. સાંસદ શોભનાબેન બારૈયા, જેમનું આ ગામ પિયર છે, તેઓ પણ આ પ્રાચીન હોળીકા દહનના દર્શને આવ્યા હતા. ગામના આયોજક કમલેશસિંહ રાઠોડના જણાવ્યા મુજબ, અહીં નવા પરણેલા યુગલો દર્શન કરી પ્રદક્ષિણા કરે છે. ઘણા લોકો બાધા પૂરી કરવા આવે છે. ગ્રામજનો સૂકા ઘાસના પૂડા સાથે હોળીની પ્રદક્ષિણા કરે છે. આ પૂડા પછીથી પશુઓને ખવડાવવામાં આવે છે, જેનાથી તેમને રોગ થતા નથી. લોકોની માન્યતા છે કે અંગારા પર ચાલવાથી કે દોડવાથી કોઈને નુકસાન ન થવાનું કારણ ભૈરવદાદાની કૃપા છે. આ અનોખી પરંપરા આજે પણ એટલી જ શ્રદ્ધાથી નિભાવવામાં આવે છે.