મહેસાણા જિલ્લામાં ધૂળેટીના પર્વે રંગોત્સવનો માહોલ જામ્યો હતો. જિલ્લાના શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં જાહેર માર્ગો પર રંગોની છોળો છવાઈ હતી. રાજ્યસભાના સાંસદ મયંક નાયકના સેવાલય કાર્યાલય ખાતે કાર્યકરો માટે રંગોત્સવનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે લોકસભા સાંસદ હરિભાઈ પટેલ અને જિલ્લા ભાજપ પ્રમુખ ગીરીશભાઈ રાજગોર સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યકરો રાજસ્થાની સંગીતના તાલે ઝૂમી ઉઠ્યા હતા. સાંસદ મયંક નાયક અને હરિભાઈ પટેલે એકબીજાને રંગ લગાવી હોળીની શુભેચ્છાઓ પાઠવી હતી. જિલ્લાની શાળાઓ અને કોલેજોમાં પણ રંગોત્સવના કાર્યક્રમો યોજાયા હતા. આ વર્ષે ફૂલોના અને પ્રાકૃતિક રંગોથી હોળી-ધૂળેટી રમવાનું વિશેષ આકર્ષણ જોવા મળ્યું હતું. યુવાનો અને કિશોરો મિત્રો સાથે જાહેર માર્ગો પર અવનવી પિચકારીઓથી હોળી રમતા નજરે પડ્યા હતા.