પાટણના બગવાડા દરવાજા ખાતે ધુળેટી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે પાટણના ધારાસભ્ય ડૉ. કિરીટ પટેલે પોતાના સમર્થકો અને શહેરના પ્રબુદ્ધ નાગરિકો સાથે ડીજેના તાલે આનંદ માણ્યો હતો. ધારાસભ્ય ડૉ. કિરીટ પટેલે હોળી-ધુળેટીની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું કે રંગોનો આ તહેવાર એકતાનો સંદેશ આપે છે. તેમણે લોકોને મતભેદ અને જાતિભેદ ભૂલીને તહેવારની ઉજવણી કરવા અપીલ કરી હતી. તેમણે ગુજરાત અને દેશના વિકાસની કામના વ્યક્ત કરી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોએ અબીલ-ગુલાલ અને રંગબેરંગી કલરથી એકબીજાને રંગીને ઉત્સવની મજા માણી હતી. આ પ્રસંગે પાટણ જિલ્લા અને શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત પાર્ટીના આગેવાનો, કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. સૌએ સાથે મળીને રંગોના તહેવારની ઉજવણી કરી હતી.