હાલના યુગમાં યુવાધન દિવસે ને દિવસે વ્યસનના ખપ્પરમાં હોમાઈ રહ્યું છે. સરકાર દ્વારા વ્યસન મુક્તિને લઇને અને જાગૃતિ કાર્યક્રમો કરવામાં આવે છે. ત્યારે જૂનાગઢના નાગરવાડા વિસ્તારમાં છેલ્લા 92 વર્ષથી હોળીની પૂર્વ સંધ્યાએ વાલમ બાપા નામના વ્યક્તિની પ્રતિકાત્મક રીતે નનામી તૈયાર કરવામાં આવે છે અને અંતિમયાત્રા કાઢીને વ્યસન મુક્તિનો સંદેશો આપવામાં આવે છે. ઢોલના તાલે વાલમ બાપાના મરશિયા
વાલમ બાપાની સ્મશાન યાત્રામાં મહિલાઓ રાસ રમતા રમતા ઢોલના તાલે વાલમ બાપાના મરશિયા ગાય છે અને સુત્રોચાર કરે છે કે કોણ મરી ગયું? ત્યારે સામેથી જવાબ આપે છે કે વાલમ બાપા… કેમ મરી ગયા? જવાબ મળે છે કે બીડી પીતા પીતા…. ત્યારે લોકો વ્યસનથી દૂર રહે અને લોકોમાં વ્યસનને લઈ જાગૃતિ આવે એના માટે હોળીની પૂર્વ સંધ્યાએ ખાસ કાર્યક્રમનું આયોજન આ વિસ્તારના લોકો દ્વારા કરવામાં આવે છે. અમારા દાદા-પરદાદાના સમયથી સંદેશ આપીએ છીએ: મેહુલ વૈષ્ણવ
આ અંગે જૂના નાગરવાડાના મેહુલ વૈષ્ણવ જણાવે છે કે, છેલ્લા ત્રણ પેઢીથી હું મારા પરિવાર સાથે અહીં રહું છું, હોળીના પવિત્ર પર્વ પર આ વિસ્તારના લોકો અમારા દાદા પરદાદાના સમયથી જ લોકોમાં વ્યસન મુક્તિને લઇ જાગૃતિ આવે જેને લઇ આ કાર્યક્રમ યોજીએ છીએ. આજના દિવસે હોળીની પૂર્વ તૈયારીઓ થયા બાદ વાલમ બાપા નામના વ્યક્તિની પ્રતિકાત્મક નનામી કાઢવામાં આવે છે. આજના દિવસે ખાસ આ નનામી કાઢવાનું કારણ એ છે કે સરકાર દ્વારા હાલ જે વ્યસન મુક્તિને લઈ મોટા પાયે ઝુંબેશ અને જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે. ત્યારે પ્રતિકાત્મક વાલમ બાપા નનામી કાઢવામાં આવે છે અને તેની સ્મશાનયાત્રામાં રંગે ચંગે આ વિસ્તારના તમામ લોકો ફરે છે. નવી પેઢીમાં જાગૃતિ માટે કરાય છે આયોજન
મેહુલ વૈષ્ણવ વધુમાં જણાવે છે કે, આ સ્મશાન યાત્રામાં લોકો કહે છે કે કોણ મરી ગયું? સામેથી જવાબ મળે છે કે વાલમભાઈ મરી ગયા.. અન્ય લોકો પૂછે છે કે કેમ મરી ગયા? ત્યારે જવાબ આપવામાં આવે છે કે બીડી પીતા પીતા… તે સમયે બીડીના કારણે અને તમાકુના વ્યસનના કારણે ઘણા મૃત્યુ થયા હતા. ત્યારે આજના સમયે ઘણા વ્યસનોએ સમાજમાં ભરડો લીધો છે અને ખાસ કરી દારૂ, ચરસ અને ગાંજાના કારણે મૃત્યુ દર વધ્યો છે. ત્યારે વાલમ બાપાનું મૃત્યુ વ્યસનના કારણે થયું છે તેવા સૂત્રોચાર કરી સમાજમાં જાગૃતિ ફેલાવવાનું કામ હોળીના દિવસે કરવામાં આવે છે. જીવનનું પરમ સત્ય એ મૃત્યુ છે. ત્યારે આ આ અંતિમયાત્રા થતી આજની નવી પેઢી અને નાના બાળકોમાં જાગૃતિ આવે એના માટે આ આયોજન કરવામાં આવે છે. હોલિકા દહનમાં જ વ્યસન પધરાવી મુક્ત બનો: નવનીત શાહે
બીજી તરફ શહેરના જગન્નાથજી મંદિર પાસે પણ વાલમ બાપાની નનામી નીકળી હતી. જ્યાંના સ્થાનિક નવનીતભાઈ શાહે જણાવ્યું હતું કે, દર વર્ષે હોલિકા દહન પહેલા વાલમ બાપાની ઠાઠડીનું આયોજન કરવામાં આવે છે, તેમાં મુખ્યત્વે વ્યસન મુક્તિનો લોકોને સંદેશ આપવામાં આવે છે. કહેવાય છે કે વાલમ બાપા બીડી પીતા હોય અને તેમનું મૃત્યુ થયું હોય ત્યારે હોલિકા દહનમાં જ આપના જે વ્યસન હોય તે પધરાવી વ્યસન મુક્ત બનો. બાળકો દ્વારા વાલમ બાપાની ઠાઠડી કાઢવામાં આવે છે અને કોણ મરી ગયું? વાલમ બાપા તેવા સૂત્રો સાથે વ્યસન મુક્તિનો બાળકો દ્વારા લોકોને સંદેશ આપવામાં આવે છે.