વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ મુક્તાનંદ સર્કલ પાસે ગઈકાલે(12 માર્ચ, 2025) રાત્રે નશામાં ચૂર કાર ચાલકે 8 લોકોને અડફેટે લઈને ફુટબોલની જેમ ફંગોળ્યા હતા. જેમાં ઘટના સ્થળે જ હેમાલી પટેલ નામની મહિલાનું મોત થયું હતું. જ્યારે 7 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જેમાં સૌથી પહેલા ભોગ બનેલા અને ખાનગી યુનિવર્સિટીમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરતા વિકાસ કેવલાણીએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું, ‘માત્ર એક સેકેન્ડમાં આખી લાઇફ ચેન્જ થઈ ગઇ, પડતાં પડતાં મેં જોયું તો મારા ભાઈ-બહેન રસ્તા પર પડ્યા હતા અને અમારી સોસાયટીમાં સાથે રહેતા પરિવારને હવામાં ફંગોળતો ગયો’. જુઓ, અકસ્માત સર્જનાર રક્ષિત ચોરસિયાએ દિવ્ય ભાસ્કર સાથેની ખાસ વાતચીતમાં શું કહ્યું અમે રાત્રે આઇસ્ક્રિમ ખાવા અને ફ્રેશ થવા નીકળ્યા હતા
અકસ્માતમાં સૌપ્રથમ ભોગ બનનાર, વિકાસ કેવલાણીએ દિવ્ય ભાસ્કર સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, મારું નામ વિકાસ કેવલાણી છે અને હું ફતેગંજ વિસ્તારમાં રહું છું. મારા બેન અને ભાઈ જયેશ કેવલાણી અને કોમલ કેવલાણી સાથે પૂરવભાઈ પટેલ અને તેમની પત્ની હેમાલીબેન પટેલ અમે બધા રાત્રે આઈસ્ક્રિમ, ફાલુદો ખાવા અને ફ્રેશ થવા નીકળ્યા હતા. અમે સંગમથી મુક્તાનંદ સાઇડ જઈ રહ્યા હતા અને ખૂબ જ ધીમી ગતિથી ગાડી ચલાવી રહ્યા હતા. અચાનક પાછળથી 120ની સ્પીડે કાર આવી ને ઉડાવ્યા
અચાનક પાછળથી ફૂલસ્પીડમાં આવતી કારે અમને ઉડાવ્યા. આ કારની સ્પીડ 100થી 120ની ઉપરની સ્પીડ હતી અને કઈ ભાનમાં પણ ન હતો, નશાની હાલતમાં હતો. અમને પાછળથી ઉડાવી દીધો હતો જેના કારણે અમને ઈજાઓ પહોંચી છે. આ સાથે મારી બહેન અને ભાઈને ફ્રેક્ચર થયું છે. સાથે જ મારી સોસાયટીમાં રહેતા પૂરવભાઈને પણ ખૂબ જ ગંભીર ઇજાઓ થતા તેઓ આઈસીયુમાં છે અને તેઓની પત્નીનું મોત થયું છે. એક સેકેન્ડમાં અમારી આખી લાઇફ ચેન્જ થઈ ગઈ
વધુમાં જણાવ્યું કે, મારી બહેન હોમિયોપેથક ડોક્ટર છે અને માસ્ટર્સ કરે છે. એક સેકન્ડમાં અમારી આખી લાઇફ ચેન્જ થઈ ગઈ. પહેલા હું પડ્યો સ્થિતિ એટલી ન હોવા છતાં મેં જોયું તો ભાઈ, બહેન રસ્તા પર હતા. હું પોતે રસ્તા પર પડી ગયો હતો અને મને ઈજાઓ પહોંચી અને અકસ્માતના કારણે ઢસડાયો હતો, મેં મારા ભાઈ-બહેનને જોવા માટે ઉઠ્યો અને જોયું તો પૂરવભાઈ અને તેઓની પત્નીને તે બહુ આગળ સુધી લઈ ગયો. કારના ટુકડા અને પુરવભાઈના પત્ની હવામાં ઉડતા નજરે પડ્યા
આ કાર ચાલકે અમને માત્ર ટક્કર મારી હતી જેથી અમે જમીન પર પડ્યા હતા, પરંતુ ગંભીર રીતે ઇજાગ્રસ્ત પૂરવભાઈ પટેલ અને તેઓની મૃતક પત્ની હેમાલી બહેનને ટક્કર મારી ખૂબ આગળ સુધી લઈ ગયો હતો, હૂં જયારે પડી રહ્યો હતો ત્યારે આખું દૃશ્ય જોયું તો હવામાં ઊડતા દૃશ્યો જોયા, જેમાં કારના ટુકડા અને પુરવભાઈના પત્ની હવામાં ઉડતા નજરે પડ્યા હતા. હેમાલી પટેલનું ગંભીર ઇજાને લઈ મોત નીપજ્યું
ઉલખનીય છે કે, આ સમગ્ર ઘટનામાં પટેલ પરિવારના બે સભ્યો, કેવલાણી પરિવારના ત્રણ સભ્યો અને શાહ પરિવારના ત્રણ સભ્યો અકસ્માતનો ભોગ બન્યા છે. જે ત્રણેયને અલગ અલગ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. આઠ ઇજાગ્રસ્તો પૈકી હેમાલી પટેલનું ગંભીર ઇજાને લઈ મોત નીપજ્યું છે. જ્યારે અન્ય વ્યક્તિઓની સ્થિતિ સામાન્યથી લઈ ગંભીર હોવાનું સામે આવ્યું છે. મૃતકનું નામ હેમાલીબેન પુરવભાઈ પટેલ (ઉંમર વર્ષ 37)