સુરતના સચિન હોજીવાલા વિસ્તારમાં રોડ નંબર 17 પર આવેલી પાર્થ પ્લાસ્ટિક તેમજ પ્લેટિનિયમ ઇન્ટરનેશનલ કાપડની કંપનીમાં ભીષણ આગની ઘટના બની છે. કાપડની કંપનીમાં DGVCLની ડીપીમાં બ્લાસ્ટથી શોર્ટ સર્કિટ થતાં યાર્નમાં આગ લાગી હતી. આગ બેકાબૂ થતાં બાજુની પ્લાસ્ટિકની કંપનીમાં પણ આગ લાગી હતી. 10 કિમી દૂર સુધી ધુમાડાના ગોટેગોટા દેખાયા હતા. હોજીવાલા ફાયર બ્રિગેડની પાંચથી વધુ ગાડી ઘટનાસ્થળે ખડકી દેવામાં આવી છે અને સતત પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. સદનસીબે આજે હોળીની રજા હોવાથી કંપનીમાં કોઈ હાજર ન હતું જેથી કોઈ જાનહાનિ થઈ નથી. કાપડની મિલમાં લાગેલી આગે પ્લાસ્ટિકની મિલને ચપેટમાં લીધી
સુરતના સચિન હોજીવાલા વિસ્તારમાં પાર્થ પ્લાસ્ટિક અને પ્લેટિનિયમ ઇન્ટરનેશનલ કાપડની મિલમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. પ્લેટિનિયમ ઇન્ટરનેશનલ કાપડની મિલની DGVCLની ડીપીમાં બ્લાસ્ટથી શોર્ટ સર્કિટ થયું હતું. જેને પગલે મિલમાં પડેલા યાર્નના જથ્થામાં આગ લાગી હતી અને ત્યાર બાદ બાજુમાં જ આવેલી પાર્થ પ્લાસ્ટિકની મિલને પણ આગની ચપેટમાં લઈ લીધી હતી. આગ પ્લાસ્ટિક હોવાને કારણે ખૂબ જ ઝડપથી પ્રસરી ગઈ હતી. બંને કંપનીમાં પડેલી વસ્તુ ખૂબ જ જ્વલંતશીલ હોવાને કારણે આગ ખૂબ ઝડપથી પ્રસરી હતી. આગના ગોટેગોટા દૂર સુધી ઉડતા દેખાયા હતા. ડીપીમાં ધડાકા થતા આગ લાગી
પ્લેટિનિયમ ઇન્ટરનેશનલ કંપનીના સંચાલક રસિકભાઈએ જણાવ્યું કે, અમારી પ્લેટિનિયમ ઇન્ટરનેશનલ કાપડની કંપનીમાં યાર્ન ખૂબ મોટા પ્રમાણમાં હતું. ડીજીવીસીએલની ડીપીમાં બ્લાસ્ટ થતા કંપનીમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી હતી. આગ બેકાબૂ થતાં બાજુની પ્લાસ્ટિકની કંપનીમાં પણ આગ લાગી હતી. હોળીની રજા હોવાથી કંપનીમાં કોઈ હાજર ન હતું જેથી કોઈ જાનહાનિ થઈ નથી. આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી
ફાયર ઓફિસર વસંત સૂર્યવંશીએ જણાવ્યું કે, આગની ઘટનાની જાણ સતત હોજીવાલા ફાયર સ્ટેશનના ફાયર બ્રિગેડો પાંચથી વધુ ગાડી લઈ ઘટનાસ્થળે પહોંચ્યા છે અને આગને કાબૂમાં લેવાની કામગીરી શરૂ કરી છે. આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી. કુલિંગની કામગીરી ચાલુ છે. કોઈ વ્યક્તિને જાનહાનિ થઈ નથી પ્લાસ્ટિકનો જથ્થો ખૂબ મોટા પ્રમાણમાં હોવાને કારણે આગ વધુ ઝડપથી પ્રસરી ગઈ હતી. થોડા દિવસો પહેલા શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં આગની ઘટના બની હતી
સુરતના શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટના બેઝમેન્ટમાં 25 ફેબ્રુઆરી રોજ આગની ઘટના બની હતી. જે બાદ 26 ફેબ્રુઆરીના રોજ સવારે 8:30 વાગ્યાના અરસામાં ફરી ભીષણ આગ લાગી હતી. જેના કારણે ટેક્સટાઈલ માર્કેટમાં 50-100 નહીં પણ 843 કાપડની દુકાનો હતી. જેમાંથી 700 દુકાનો તો બળીને ખાક થઈ ગઈ હતી. 26 ફેબ્રુઆરીના રોજ સવારના 7 વાગ્યે લાગેલી આગ 27 ફેબ્રુઆરીના બપોરના 3 વાગ્યે માંડ કાબૂમાં આવી હતી. આમ આ આગ 32 કલાકે કાબૂમાં આવી હતી. ફાયર વિભાગની 40થી વધુ ગાડીઓએ સતત 40 લાખ લિટરથી વધુ પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. 822 દુકાનની કિંમત સાથે 850 કરોડ જેટલું નુકસાન
1996માં શિવશક્તિ માર્કેટ ભૂપત પટેલ અને અરુણ પટેલ નામના બે ભાઈ દ્વારા બનાવવામાં આવ્યું હતું. આ માર્કેટમાં એક ફ્લોર પર એક 137 દુકાન છે. આમ, 6 ફ્લોર મળીને 822 દુકાન આવેલી છે, જેમાંથી અંદાજે 700 જેટલી દુકાન સંપૂર્ણ ખાક થઈ ગઈ છે. એક દુકાનની કિંમત 60-70 લાખથી એક કરોડની છે. આ હિસાબે એક દુકાનની સરેરાશ 90 લાખ કિંમત ગણીએ તો 740 કરોડ જેટલી થાય છે. જ્યારે દુકાનમાં 12થી 15 લાખનો માલ પડ્યો હતો. આ માલની સરેરાશ કિંમત 13 લાખ ગણીએ તો 106 કરોડ 86 લાખ થાય છે. આમ, કુલ નુકસાન 850 કરોડ જેટલું ગણી શકાય. ઓર્ચિડ ટાવર-રઘુવીર સિલિયમ માર્કેટ આગની યાદ તાજા થઈ
ઉલ્લેખનીય છે કે, શિવશક્તિ ટેક્સટાઈલ માર્કેટની આગે સુરતવાસીઓને ઓર્ચિડ ટાવર-રઘુવીર સિલિયમ માર્કેટ આગની યાદ તાજા કરાવી દીધી છે. 29 મે 2014માં પુણા-કુંભારિયા રોડ પર ઓર્ચિડ ટાવરમાં ભીષણ આગ લાગવાની ઘટના હજી પણ લોકોના સ્મૃતિ પટલ પર યથાવત્ છે. સતત ત્રણ દિવસ સુધી લાગેલી આગમાં આખુ માર્કેટ સ્વાહા થઈ ગયું હતું. ત્યાર બાદ જાન્યુઆરી 2020માં સારોલી રોડ પર પુણા-કુંભારિયા ખાતે આવેલા રઘુવીર સિલિયમ ટેક્સટાઈલ માર્કેટમાં પણ વિકરાળ આગમાં આખે આખું માર્કેટ ચપેટમાં આવી ગયું હતું. સમગ્ર સમાચાર વાંચવા અહીં ક્લિક કરો…