પાટણમાં વર્ષો જૂની પરંપરા મુજબ શુક્રવારે રાત્રે ધૂળેટીના દિવસે ‘ઇલાજીભા’ની શોભાયાત્રા ધામધૂમથી નીકળી હતી. મદારસા વિસ્તારના મદારસા ચોકમાં શ્વેત વસ્ત્રમાંથી બનાવેલા ખાસ પૂતળાને દર્શન માટે મૂકવામાં આવ્યું હતું. મદારસા યુવક મંડળના આયોજન અંતર્ગત ગુરુવારે સવારે વિસ્તારની બહેનોએ ગણેશ સ્થાપના કરી હતી. વિશેષ પૂજા સાથે બહેનોએ લાડુ બનાવ્યાં હતા. આ લાડુનો પ્રસાદ નવપરિણીત મહિલાઓને આપવામાં આવ્યો હતો. સાથે ચોકલેટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. ગુરુવારે રાત્રે આનંદનો ગરબા કાર્યક્રમ યોજાયો હતો. મોટી સંખ્યામાં ભાવિકોએ ભાગ લીધો હતો. હોલિકા દહન પણ કરવામાં આવ્યું હતું. શુક્રવારે સાંજે નવજાત શિશુઓને માનતાથી જોખવાની અને બાધા પૂરી કરવાની વિધિ કરવામાં આવી હતી. ત્યારબાદ રાત્રે ઇલાજીભાની શોભાયાત્રા વાજતે-ગાજતે નીકળી હતી. વરઘોડો શહેરના વિવિધ વિસ્તારોમાં ફર્યો હતો. આ દરમિયાન બાળકોના માથે ઇલાજીભાનો હાથ મૂકીને આશીર્વાદ આપવામાં આવ્યા હતા. શોભાયાત્રામાં મોટી સંખ્યામાં વિસ્તારના લોકો જોડાયા હતા.