હિંમતનગરમાં ધુળેટી પર્વની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યાલય પર સ્વયંસેવકોએ પરંપરાગત પ્રાકૃતિક રંગોથી ધૂળેટીની ઉજવણી કરી હતી. આ માટે તળાવની માટી, મુલતાની માટી, કેસુડાના ફૂલોનો રસ, હળદર અને ગૌમૂત્રના અર્કનું ખાસ મિશ્રણ તૈયાર કરવામાં આવ્યું હતું. જિલ્લા જેલમાં વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓએ કેદીઓ સાથે ધુળેટીની ઉજવણી કરી હતી. જેલર જગદીશભાઈ ચાવડાની હાજરીમાં VHPના જિલ્લા અધ્યક્ષ મનહરભાઈ સુથાર સહિત અન્ય પદાધિકારીઓએ કેદીઓ સાથે ગુલાલથી રમ્યા હતા. જેલર જગદીશભાઈએ કેદીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે આશા વ્યક્ત કરી કે ભવિષ્યમાં કેદીઓ તેમના પરિવાર સાથે તહેવારો ઉજવી શકે. VHPના વિભાગ સહમંત્રી હિતેશભાઈ પટેલે કેદીઓને જીવનનું મહત્વ સમજાવ્યું હતું. કાર્યક્રમના અંતે કેદીઓને ધાણી અને ખજૂરનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેલ સ્ટાફ, VHPના કાર્યકર્તાઓ અને કેદીઓએ હોળીના ગીતો પર નૃત્ય કરી ઉત્સવની ઉજવણી કરી હતી. હિંમતનગરના હાથમતી નદી કિનારે આવેલા સ્વયંભૂ ભોલેશ્વર મહાદેવ મંદિરે પણ ધુળેટીની ઉજવણી કરવામાં આવી હતી. ભક્તોએ ભગવાન શિવને વિવિધ રંગો અર્પણ કર્યા હતા.