back to top
Homeગુજરાતરાજકોટના સ્વચ્છતા સર્વેક્ષણમાં રેન્ક સુધારવા કવાયત્:મ્યુ. કમિશનરે સફાઈ માટે ખાસ ટીમ બનાવી, ​​​​​​​નાકરાવાડીમાં...

રાજકોટના સ્વચ્છતા સર્વેક્ષણમાં રેન્ક સુધારવા કવાયત્:મ્યુ. કમિશનરે સફાઈ માટે ખાસ ટીમ બનાવી, ​​​​​​​નાકરાવાડીમાં કચરાનાં ઢગલા-લોકજાગૃતિનો અભાવ મોટા પડકારો

કેન્દ્ર સરકાર દ્વારા દરવર્ષે યોજાતી સ્વચ્છતા સર્વેક્ષણ સ્પર્ધામાં રાજકોટ સતત પાછળ ધકેલાઈ રહ્યું છે, જેને લઈને નવનિયુક્ત મ્યુ. કમિશનર તુષાર સુમેરાએ શહેરની વ્યવસ્થિત સફાઈ કરાવવા માટે ખાસ ટીમ બનાવી છે. આ ટીમ દ્વારા હાલ ક્યાં વિસ્તારમાં વધારે કચરો થાય છે, તેનો સ્થળ પર જ નિકાલ માટે શું કાર્યવાહી કરી શકાય તે અંગે સર્વે કરવામાં આવી રહ્યો છે. મ્યુ. કમિશનર રાજકોટ શહેરને 1થી 15માં લાવવાનાં ટાર્ગેટ સાથે કામગીરી કરી રહ્યા છે. જોકે, સોલીડ વેસ્ટની ઢીલી કામગીરી રાજકોટ શહેરમાં પ્રજાની જાહેરમાં કચરો ફેંકવાની આદત, તેમજ નાકરાવાડીમાં રહેલા કચરાઓના ઢગલા સહિતનાં મોટા પડકારો છે. ત્યારે વર્ષ 2025માં સ્વચ્છતામાં રાજકોટનો રેન્ક સુધરશે કે નહીં તે આવનારો સમય જ બતાવશે. તો બીજી તરફ RTI એક્ટિવિસ્ટ શૈલેન્દ્રસિંહ જાડેજાએ દિવ્ય ભાસ્કર સાથેની ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, સ્વચ્છતા સર્વેક્ષણની ટીમને નાકરાવાડીના કચરાના ઢગલા દૂરથી ન દેખાય એ માટે મંડપથી ઢાંકી દેવાનો પ્રયાસ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યો છે. સ્વચ્છતા સર્વેક્ષણમાં રાજકોટનું નાક કાપતી નાકરાવાડી
પૂર્વ સીએમ વિજય રૂપાણીનું હોમટાઉન રાજકોટ દેશના શ્રેષ્ઠ સ્વચ્છ શહેરોની સ્પર્ધામાં સતત પાછળ ધકેલાઈ રહ્યુ છે. પ્રથમ વખત સ્વચ્છતા સર્વેક્ષણ હાથ ઘરાયું હતું, ત્યારે રાજકોટ 7માં ક્રમે હતુ. એ પછી 18માં ક્રમે અને છેલ્લે 29માં ક્રમે ધકેલાયું હતું. હવે આ વર્ષે સ્વચ્છતા સર્વેક્ષણમાં રાજકોટનો નંબર કેટલામો હશે? એ તો આવનારો સમય જ કહેશે. પણ, જ્યાં આખા શહેરનો કચરો એકત્ર થાય છે, તેવુ નાકરાવાડી અવારનવાર સ્વચ્છતા સર્વેક્ષણમાં રાજકોટનું નાક કાપે છે. નવા ભળેલા વિસ્તારોમાં એકત્ર થતો કચરો અને ન્યૂસન્સ પોઈન્ટ પણ રાજકોટનાં રેન્કને પાછળ ધકેલવામાં ખૂબ મહત્વની ભૂમિકા ભજવે છે. જોકે, મ્યુ. કમિશનરે તમામ પડકારો સામે લડાઈ શરૂ કરી છે. સ્વચ્છતાનો મંત્ર નાગરિકો સુધી લઈ જવા પ્રયાસઃ તુષાર સુમેરા
મ્યુ. કમિશનર તુષાર સુમેરાએ દિવ્ય ભાસ્કર સાથે તેમની તૈયારીઓ અંગે ખાસ વાતચીત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, સ્વચ્છતા સર્વેક્ષણ-2025 હાલ ચાલી રહ્યું છે, જેમાં રાજકોટનો રેન્ક ઉપર લાવવો છે. આ રેન્ક 1થી 15માં આવે તે માટેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. સૌથી સારી બાબત છે કે આ માટેનાં સર્વેમાં રાજકોટનાં 44,000 કરતા વધુ નાગરિકોએ ભાગ લઈ પોતાના મહત્વના સૂચનો આપ્યા છે. સર્વેનાં ફીડબેકમાં રાજકોટ ભારતમાં 8માં ક્રમે છે, જે ખરેખર ખૂબ સારી બાબત ગણી શકાય. સ્વચ્છતામાં અગ્રેસર બનવા માટે લોકજાગૃતિ ખૂબ મહત્વની છે. આ માટે સ્વચ્છતાનો મંત્ર નાગરિકો સુધી લઈ જવા માટે પ્રયાસ શરૂ કરવામાં આવી ચુક્યા છે. ‘નાકરાવાડી અંગે 44,000 લોકોના ફીડબેક’
અમારી તમામ ટીમો દ્વારા સેનિટેશન માટેની કામગીરી કરવામાં આવી છે. જેમાં રોડ ક્લિનિંગ કરવાની સાથે કચરાનું પ્રોસેસિંગ પણ કરવામાં આવી રહ્યું છે. કચરાનું મેનેજમેન્ટ વધુમાં વધુ સારી રીતે કરી શકાય તે માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આ માટે કોર્પોરેશનનાં જુદા-જુદા વિભાગોને જવાબદારી સોંપવામાં આવી રહી છે. તેમાં નાગરિકો પણ જોડાય તેવા પ્રયાસ કરાઈ રહ્યા છે. નાકરાવાડી અંગે તેઓએ જણાવ્યું હતું કે, ખૂબ ટૂંકા સમયમાં 44,000 લોકોએ ફીડબેક આપ્યા છે. તો કચરાનું સેગ્રીગેશન પણ વધારી શકાય તેમ છે. ‘લોકો સૂકા કચરામાંથી આવક મેળવી શકે’
અમારું આયોજન એવું છે કે, આગામી સમયમાં ઘરેથી તેમજ સોસાયટીમાંથી જ કચરાને કમ્પોઝ કરવામાં આવે, જેથી નવો કચરો નાકરાવાડી સુધી પહોંચાડવાની જરૂર જ પડશે નહીં. કચરાનાં બે પ્રકાર છે, જેમાં ભીનો કચરો અલગ કરીને તેને કમ્પોઝ કરવામાં આવે તો સૂકો કચરો તો સોનુ જ છે. દેશમાં એવી અનેક સોસાયટી છે કે જે પોતાનો સૂકો કચરો મનપાને આપવાને બદલે ભંગારનું કામકાજ કરતા વેપારીઓને આપી આવક મેળવે છે. ત્યારે લોકોમાં આ અંગેની સમજ વધે તે માટેનું એક કેમ્પઈન ચલાવવામાં આવી રહ્યું છે. ‘ઇન્દોરમાં લોકો સ્વયંભૂ જોડાઈ છે’
સ્વચ્છતા સર્વેક્ષણનું પરિણામ શું આવશે તે હાલમાં કહેવું મુશ્કેલ છે. કારણ કે આખા દેશના શહેરો આ માટે ફાઈટ કરતા હોય છે. પણ અમારો ટાર્ગેટ છે કે આગામી સમયમાં સ્વચ્છતા માટે વધુમાં વધુ લોકોને જાગૃત કરવા છે. હું ઇન્દોર ગયો ત્યારે ત્યાં બે સામાન્ય મજૂરો ચર્ચા કરતા હતા કે, આ વર્ષે સતત ચોથી વખત સ્વચ્છતામાં પ્રથમ ક્રમાંક મેળવવો છે. લોકોનું આ પ્રકારથી જોડાય ત્યારબાદ રેન્ક તો આવવાનો જ છે. ઇન્દોરમાં હાલમાં કચરાનું સેગ્રીગેશન કરવા માટેનું એક મોડલ બની ચૂક્યું છે. જેમાં લોકો સ્વયંભૂ જોડાઈ રહ્યા છે. આવું મોડલ રાજકોટમાં પણ બનાવવા માટે કામગીરી કરવામાં આવી રહી છે. જેના સારા પરિણામો ચોક્કસ મળશે. ભાસ્કરના સર્વેમાં ઠેર-ઠેર કચરાના ઢગલા જોવા મળ્યાં
રાજકોટમાં સ્વચ્છતાની સ્થિતિ અંગે દિવ્ય ભાસ્કર દ્વારા સર્વે કરાયો હતો, જેમાં ઠેર-ઠેર કચરાના ઢગલા જોવા મળી રહ્યાં છે. તેમજ પ્રિમોન્સૂન કામગીરી બાદ ફરીથી શહેરના વોકળાઓમાં કચરાનાં ઢગલા જોવા મળ્યા છે. અનેક સ્થળે લોકો પણ જ્યાં-ત્યાં પાનની પિચકારી મારતા તેમજ કચરો ફેંકતા જોવા મળ્યા હતા. ત્યારે હજુ લોકોમાં આ મામલે જોઈએ તેવી જાગૃતિ આવી નથી, તે હકીકત છે. સાથે જ અનેક મુખ્ય માર્ગો ઉપર તંત્ર દ્વારા સતત સફાઈ થતી હોવાનું પણ જોવા મળ્યું હતું. ત્યારે તંત્રની આ કામગીરીમાં લોકો જોડાય તે જરૂરી છે. દુર થયેલા ન્યુસન્સ પોઈન્ટ ફરી બન્યાં
મનપા દ્વારા ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન માટેની નવી ટેકનોલોજી સાથે મિલકતોનો સર્વે શરૂ કરાયો છે. પણ, આ સર્વેની શહેરની સ્વચ્છતા અને સફાઈ ઉપર કેટલી અસર થશે? તે આવનારો સમય જ કહેશે. અગાઉ કેન્દ્ર સરકારના આદેશના પગલે રાજકોટ સહિત દેશભરમાં સ્વચ્છતા એજ સેવા અભિયાન શરૂ કરાયું હતું, તેની પણ ખાસ અસર થઇ નથી. જ્યાંથી ન્યુસન્સ પોઈન્ટ દુર થયા હતા તે સ્થળોએ ફરીથી ન્યુસન્સ પોઈન્ટ બની ગયા છે. જાહેરમાં કચરો ફેકવાનું લોકો બંધ કરે તો સ્પર્ધામાં રાજકોટ દેશના નંબર વન સ્વચ્છ શહેર ઇન્દોરથી પણ આગળ નીકળી શકે તેમ છે. આ માટે જ લોકોને જાગૃત કરવાના પ્રયાસો થઈ રહ્યા છે, પરંતુ તેમાં ક્યારે અને કેટલી સફળતા મળશે તે તો આવનારો સમય જ બતાવશે. ઇન્દોર અને રાજકોટ વચ્ચે મહત્વનાં તફાવત નાકરાવાડીમાં કચરાનાં ઢગલા રેન્ક પાછળ ધકેલે છે!
મહાનગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશનમાં ભીનો અને સૂકો કચરો અલગથી એકત્ર કરવાની સાથે ડમ્પિંગ યાર્ડમાં વૈજ્ઞાનિક ઢબે ભીનો અને સુક્કો કચરો અલગથી જ પ્રોસેસ કરી નિકાલ કરવા નાકરાવાડીમાં કચરો એકત્ર કરાય છે. પરંતુ પ્રોસેસિંગ નહીં થવાથી આ કચરાને લઈ ફેલાતા પ્રદુષણથી સ્વચ્છતા સર્વેક્ષણમાં દરવર્ષે રાજકોટ પાછળ ધકેલાય છે. કચરાનો વૈજ્ઞાનિક રીતે નિકાલ થતો નથી. ગતવર્ષે નાકરાવાડીના કચરાના ઢગલાના કારણે સર્વેક્ષણમાં 400 માર્ક કપાયા હતા. આમ સ્વચ્છતા સર્વેક્ષણમાં રાજકોટ દરવર્ષે પાછળ ધકેલાય છે, તેનું એક મુખ્ય અને મોટું કારણ નાકરાવાડી પણ છે. ત્યારે મ્યુ. કમિશનર માટે નાકરાવાડીમાં થયેલા કચરાનાં ઢગલા મોટો પડકાર છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments