પાકિસ્તાનમાં ટ્રેન હાઇજેક કરનાર બલૂચિસ્તાન લિબરેશન આર્મી (BLA)એ દાવો કર્યો છે કે તેણે તમામ 214 બંધકોને મારી નાખ્યા છે. આજે BLAએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, અમે પાકિસ્તાની સેનાને બંધકોની અદલા-બદલી માટે 48 કલાકનો સમય આપ્યો હતો, પરંતુ પાકિસ્તાનની જીદને કારણે ઘણા લોકોએ જીવ ગુમાવ્યા. BLAએ કહ્યું કે, આ યુદ્ધ હજુ પૂરું નથી થયું, પરંતુ વધુ તીવ્ર બન્યું છે. પોતાની સ્વતંત્રતા માટે લડી રહેલા બલૂચ લડવૈયાઓ સતત હુમલા કરી રહ્યા છે. પાકિસ્તાની સેના તેના સૈનિકોના મૃતદેહ મેળવી શકતી નથી. BLAએ કહ્યું કે, ઓપરેશન દારા-એ-બોલાન પૂર્ણ થયા પછી, અમે તેની વિગતવાર માહિતી આપીશું. 12 માર્ચે BLAએ જાફર એક્સપ્રેસને હાઈજેક કરી. બીજા જ દિવસે એટલે કે 13 માર્ચે, પાકિસ્તાની સેનાએ દાવો કર્યો કે ટ્રેન હાઇજેક સંકટ સમાપ્ત થઈ ગયું છે. તેમણે કહ્યું હતું કે અમે 33 બલૂચ લડવૈયાઓને મારી નાખ્યા છે. આ કાર્યવાહીમાં કેટલાક બંધકો પણ માર્યા ગયા છે. બલૂચ આર્મીએ કહ્યું- અમારા લડવૈયાઓ માર્યા માર્યા નથી, તેમણે પોતે જ શહીદી પસંદ કરી
BLAએ કહ્યું કે, અમારા લડવૈયાઓએ પોતે શહીદી પસંદ કરી, પરંતુ હવે પાકિસ્તાની સેના અમારા આત્મઘાતી બોમ્બરોના મૃતદેહોને પોતાની સફળતા તરીકે રજૂ કરવાનો પ્રયાસ કરી રહી છે. જ્યારે અમારા લડવૈયાઓનું વાસ્તવિક મિશન છેલ્લા શ્વાસ સુધી લડવાનું અને પીછેહઠ ન કરવાનું હતું. બલૂચ આર્મીએ કહ્યું કે, અમે હંમેશા યુદ્ધના નિયમો અને આંતરરાષ્ટ્રીય કાયદાઓ અનુસાર કાર્ય કર્યું છે, પરંતુ પાકિસ્તાની સરકારે પોતાના સૈનિકોને બચાવવાને બદલે તેમનો ઉપયોગ યુદ્ધના બળતણ તરીકે કર્યો છે. પાકિસ્તાની સેના, તેની તમામ લશ્કરી અને ગુપ્તચર ક્ષમતાઓ હોવા છતાં, બંધકોને છોડાવવામાં નિષ્ફળ ગઈ. પાકિસ્તાને કહ્યું- ટ્રેન હાઇજેકમાં ભારતનો હાથ, ભારતે આરોપોને ફગાવ્યા
પાકિસ્તાને આ ટ્રેન હાઇજેકમાં ભારતનો હાથ હોવાનો આરોપ લગાવ્યો હતો. ભારતે પાકિસ્તાનના આરોપોને ફગાવી દીધા. ભારતીય વિદેશ મંત્રાલયે એક પ્રેસ રિલીઝ જારી કરીને કહ્યું કે, દુનિયા જાણે છે કે આતંકવાદનું કેન્દ્ર ક્યાં છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું- અમે પાકિસ્તાન દ્વારા લગાવવામાં આવેલા બધા આરોપોને નકારીએ છીએ. આખી દુનિયા જાણે છે કે પાકિસ્તાન વૈશ્વિક આતંકવાદનું કેન્દ્ર છે. પાકિસ્તાન પોતાની આંતરિક સમસ્યાઓ અને નિષ્ફળતાઓ માટે બીજાઓને દોષી ઠેરવતું રહે છે. તે પોતાની તરફ જુએ તો સારું રહેશે. અગાઉ, પાકિસ્તાની વિદેશ કાર્યાલયે પણ દાવો કર્યો હતો કે, હાઈજેક દરમિયાન બલૂચ લડવૈયાઓ અફઘાનિસ્તાનમાં તેમના માસ્ટરના સંપર્કમાં હતા અને તેમને ત્યાંથી આદેશો મળી રહ્યા હતા. જોકે, અફઘાન સરકારે આ દાવાને નકારી કાઢ્યો છે. હુમલો બલૂચિસ્તાનના બોલાન જિલ્લામાં થયો
11 માર્ચે સવારે 9 વાગ્યે જાફર એક્સપ્રેસ ક્વેટાથી પેશાવર જવા રવાના થઈ. સિબી પહોંચવાનો સમય બપોરે 1.30 વાગ્યાનો હતો. અગાઉ, બપોરે લગભગ 1 વાગ્યે બલૂચ લિબરેશન આર્મીએ બલૂચિસ્તાનના બોલાન જિલ્લાના મશ્કાફ વિસ્તારમાં ગુડાલર અને પીરુ કુનરી વચ્ચે આ હુમલો કર્યો હતો. આ એક પહાડી વિસ્તાર છે, જ્યાં 17 ટનલ છે, જેના કારણે ટ્રેન ધીમી ગતિએ ચલાવવી પડે છે. આનો ફાયદો ઉઠાવીને BLAએ ટ્રેન પર હુમલો કર્યો. સૌ પ્રથમ બલૂચ આર્મીએ મશ્કાફમાં ટનલ નંબર-8માં રેલવે ટ્રેક ઉડાવી દીધો. આ કારણે જાફર એક્સપ્રેસ પાટા પરથી ઉતરી ગઈ. આ પછી BLAએ ગોળીબાર શરૂ કર્યો. ગોળીબારમાં ટ્રેન ડ્રાઈવર પણ ઘાયલ થયો હતો. આ ટ્રેનમાં સુરક્ષા દળો, પોલીસ અને ISI એજન્ટો મુસાફરી કરી રહ્યા હતા. બધા પંજાબ જઈ રહ્યા હતા. તેઓએ BLA હુમલાનો જવાબ આપ્યો, પરંતુ BLAએ ટ્રેન કબજે કરી લીધી. આ દરમિયાન ઘણા સુરક્ષા કર્મચારીઓ માર્યા ગયા. ઘટનાની માહિતી મળતાં પાકિસ્તાની સેનાએ જમીન પરથી BLA પર ગોળીબાર કર્યો અને હવામાંથી બોમ્બ પણ છોડ્યા, પરંતુ BLA લડવૈયાઓએ કોઈક રીતે સેનાના ભૂમિ ઓપરેશનને અટકાવી દીધું. ગયા વર્ષે 25-26 ઓગસ્ટ, 2024ની રાત્રે BLAએ આ ટ્રેનના રૂટ પર કોલપુર અને માખ વચ્ચેનો પુલ ઉડાવી દીધો હતો. જેના કારણે ટ્રેન સેવા બંધ થઈ ગઈ હતી. 11 ઓક્ટોબર, 2024થી ટ્રેન સેવા ફરી શરૂ કરવામાં આવી હતી. બલૂચિસ્તાન લિબરેશન આર્મી શું છે?
બલૂચિસ્તાનના ઘણા લોકો માને છે કે ભારત-પાકિસ્તાનના ભાગલા પછી તેઓ એક સ્વતંત્ર દેશ તરીકે રહેવા માંગતા હતા, પરંતુ તેમની સંમતિ વિના તેમને પાકિસ્તાનમાં સમાવવામાં આવ્યા. આ કારણે બલૂચિસ્તાનમાં આજે પણ સેના અને લોકો વચ્ચે સંઘર્ષ ચાલુ છે. BLAની મુખ્ય માગ પાકિસ્તાનથી અલગ થઈને બલૂચિસ્તાન દેશ બનાવવાની છે. બલૂચિસ્તાનમાં આઝાદીની માંગણી કરતા ઘણા સંગઠનો છે. આમાં બલૂચિસ્તાન લિબરેશન આર્મી (BLA) સૌથી શક્તિશાળી સંગઠન છે. આ સંગઠન 70ના દાયકામાં અસ્તિત્વમાં આવ્યું હતું, પરંતુ 21મી સદીમાં તેનો પ્રભાવ વધ્યો છે. BLA બલૂચિસ્તાનને પાકિસ્તાની સરકાર અને ચીનથી મુક્ત કરાવવા માગે છે. તેઓ માને છે કે બલૂચિસ્તાનના સંસાધનો પર તેમનો અધિકાર છે. પાકિસ્તાન સરકારે 2007માં બલૂચિસ્તાન લિબરેશન આર્મીને આતંકવાદી સંગઠન તરીકે સૂચિબદ્ધ કર્યું હતું. ગ્લોબલ ટેરરિઝમ ઇન્ડેક્સમાં પાકિસ્તાન બીજા ક્રમે
સિડની સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ફોર ઇકોનોમિક્સ એન્ડ પીસ દ્વારા બહાર પાડવામાં આવેલા ગ્લોબલ ટેરરિઝમ ઇન્ડેક્સ (GTI) રિપોર્ટ 2025માં, પાકિસ્તાનને વિશ્વમાં બીજા ક્રમનો સૌથી વધુ આતંકવાદથી પ્રભાવિત દેશ તરીકે વર્ણવવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર, પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા અને બલૂચિસ્તાન સૌથી વધુ આતંકવાદથી પ્રભાવિત વિસ્તારો છે. દેશભરમાં થયેલી કુલ આતંકવાદી ઘટનાઓમાંથી 90% ઘટનાઓ આ વિસ્તારમાં બની હતી. રિપોર્ટમાં સતત બીજા વર્ષે તહરીક-એ-તાલિબાન પાકિસ્તાનને પાકિસ્તાનનું સૌથી ખતરનાક આતંકવાદી સંગઠન ગણાવ્યું છે. 2024માં, જૂથે 482 હુમલા કર્યા, જેમાં 558 લોકોના મોત થયા, જે 2023 કરતા 91% વધુ છે.