ઉનાળો આવતા જ કેરીની યાદ આવે. કેરીની વાત આવે તો તાલાલા અને કચ્છની કેસર કેરીને કેવી રીતે ભૂલી શકાય? આ વખતે સારી કેરી ક્યારથી બજારમાં મળશે? કેરીનો ભાવ શું રહેશે? આવા સવાલો મનમાં થાય તે સ્વભાવિક છે. આજની સન્ડે બિગ સ્ટોરીમાં આ સવાલોના જવાબ મળશે. દિવ્ય ભાસ્કરે ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢ, રાજકોટ અને કચ્છમાં ખેડૂતો, કેરીના બગીચાના માલિકો અને વેપારીઓ તેમજ ગ્રાહક સાથે વાત કરીને આ રિપોર્ટ તૈયાર કર્યો છે. તાલાલામાં આંબા પર આવેલા 70 ટકા મોર નાશ પામ્યા
કેસર કેરી માટે પ્રખ્યાત તાલાલા જે જિલ્લામાં આવેલું છે તે ગીર સોમનાથમાં 57 હજારથી વધુ વીઘામાં કેરીના બગીચા છે. જૂનાગઢ જિલ્લામાં 32 હજાર અને અમરેલી જિલ્લામાં 26 હજારથી વધુ વીઘામાં કેરીના બગીચા છે. આ વખતે મધિયા નામના રોગની કેરીના ઉત્પાદન પર માઠી અસર પડી છે. જેના કારણે આંબા પર આવેલા મોર બળી ગયા છે. કેરીનું પીઠું ગણાતા તાલાલામાં તો આંબે આવેલા 70 ટકા મોર નાશ પામ્યા હતા. માત્ર 30 ટકા જેટલા જ મોર બચ્યા હતા. જેના કારણે કેરીનું ઉત્પાદન ઓછું થવાનો અંદાજ છે. તાલાલામાં રહેતા ધવલ કોટડિયા નામના ખેડૂત કેરીના ઓછા ઉત્પાદનની વાતને સમર્થન આપે છે. તેઓ કહે છે કે ખેડૂતો હવે આંબા કાપવા તરફ વળ્યા છે. દર વર્ષે સ્થિતિ દયનીય બનતી જાય છેઃ ખેડૂત
ધવલ કોટડિયાએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે, અમારો આખા વર્ષનો જીવન નિર્વાહ કેરીના પાક પર હોય છે. એક વર્ષની કમાણીથી અમારે આખું વર્ષ ઘર ચલાવવાનું હોય છે પરંતુ દર વર્ષે પરિસ્થિતિ ખૂબ જ દયનીય બનતી જાય છે. જેટલો ખર્ચો કરીએ છીએ તેટલો ખર્ચો પણ નથી નીકળતો. ખેડૂતો આંબા કાપવા તરફ વળ્યા છે. આ વખતે પાક નિષ્ફળ જતાં તમામ આશા પર પાણી ફરી વળ્યું છે. આ વખતે મોર સારા આવ્યા હતા ત્યારે ખૂબ જ આશા બંધાણી હતી કે ગયા વખતની નુકસાની પણ ભરપાઇ થઇ જશે પરંતુ પ્રતિકૂળ વાતાવરણને લઇ મોટાભાગનો પાક નિષ્ફળ ગયો છે. તેનો સર્વે થવો જોઈએ અને વળતર મળવું જોઇએ તો જ ખેડૂતો ઊભા થઇ શકશે. સરકારે તાત્કાલિક સર્વે કરીને પાક વીમો આપવો જોઇએ. તાલાલાના કેરીના એજન્ટ મનસુખ પરમાર ખેડૂતની આ વાતમાં સૂર પૂરાવે છે. તેઓ મિશ્ર ઋતુના કારણે કેરીના પાકને નુકસાન ગયાનું કહે છે. આ વખતે ઉત્પાદન અતિશય નબળું છેઃ એજન્ટ
મનસુખ પરમારે દિવ્ય ભાસ્કરને કહ્યું કે, આ વખતે ઉત્પાદન અતિશય નબળું છે. ફળ સારું આવશે, કેરી સારી આવશે પણ મોડી આવશે. વાતાવરણ ખૂબ જ અસર કરી ગયું છે. ઝાકળ મિશ્ર ઋતુથી ખૂબ જ નુકસાન થયું છે. આંબા પર મોર તો આવ્યા પણ ફળ ન બન્યું. તાલાલા યાર્ડમાં કેરીની કોઇ આવક નથી. મે મહિનામાં યાર્ડમાં આવક થશે પછી લોકો સુધી પહોંચશે. મે મહિનો જતો રહે તો નક્કી નહીં, જૂનમાં સરખી કેરી મળશે. કેરીના બોક્સનો ભાવ ભાવ 1000 થી 1500ની વચ્ચે રહેશે. મારે 40 વિઘામાં બગીચો છે. માત્ર ખાવા પૂરતી કેરી આવશે. કાળજી ખૂબ જ રાખી હતી પણ મધિયા રોગનું પ્રમાણ મોટું હતું. 5 વખત દવા છાંટી પણ અસર ન થઇ. તાલાલા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી રમેશ ડાંડના મતે આ વર્ષે કેરીનું ઉત્પાદન 50 ટકા જ થયું છે. કેરીનો ભાવ પણ વધશે તેવું તેમનું કહેવું છે. પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છેઃ માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી
રમેશ ડાંડે જણાવ્યું કે, ઝાકળ, ઠંડી, ગરમી બધું નડી ગયું. પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. આ વખતે કેરી મે મહિનાના પહેલાં અઠવાડિયા પછી જ મળશે. હજુ કોઇ આવક થઇ જ નથી. હજુ નાની કાચી કેરી આવે છે. કેરીનું ફળ મોટું અને સારી ક્વોલિટીવાળું આવશે. આ વખતે 10 કિલોના બોક્સનો ભાવ ઓછામાં ઓછો 1,000 રૂપિયા રહેશે. ગયા વર્ષે 700, 800 કે 900 રૂપિયાનો ભાવ હતો. ઉત્પાદન ઓછું છે એટલે ભાવ ચોક્કસ વધશે. કેરીના પાક માટે કાળજી ખૂબ જ રાખી હતી પણ વાતાવરણમાં કંઇ ખબર જ નથી પડતી. મારે ખુદને 25 વીઘાનો બગીચો છે. મેં અઢી-ત્રણ લાખ રૂપિયાનો ખર્ચ કરી નાખ્યો છે. તેમ છતાં માત્ર ઘરે ખાવા પૂરતી કેરી આવે તેવું હાલની પરિસ્થિતિમાં લાગે છે. 2023-24ની સરખામણીએ ગયા વર્ષે એટલે કે 2024-25માં તાલાલા માર્કેટિંગ યાર્ડમાં કેરીની આવક અડધી થઇ ગઇ હતી. ગોરધનભાઇ ગીર સોમનાથ જિલ્લાના હડમતિયા ગામના ખેડૂત છે. તેઓ આ વખતે કેરીનો પાક ઓછો થવાની આશંકા વ્યક્ત કરે છે. આ વખતે પાક ઓછો આવશેઃ ખેડૂત
ગોરધનભાઇએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે, છેલ્લા કેટલાક સમયથી આંબામાં મોર આવે છે પરંતુ મધિયા રોગનો એવો જોરદાર એટેક છે કે મોર બળીને ખાખ થઇ જાય છે. વરસમાં અમે એક પાક લેતા હોઇએ છીએ. જેનાથી આખા વર્ષનો નિભાવ ખર્ચ ચાલતો હોય છે. બાળકોના અભ્યાસના ખર્ચથી લઇને જીવન નિર્વાહ ચલાવવો મુશ્કેલ બને છે. છેલ્લા કેટલાક વર્ષોથી કેરીનો પાક નિષ્ફળ જાય છે જેથી ખેડૂતોને જીવવું ખૂબ જ મુશ્કેલ બની ગયું છે. આ વખતે પાક ખૂબ જ ઓછો આવશે. આ તો ગીર સોમનાથ જિલ્લાનું ચિત્ર હતું. આવી જ કંઇક સ્થિતિ જૂનાગઢ જિલ્લામાં પણ છે. જૂનાગઢમાં પણ કેસર કેરીના ઉત્પાદનમાં આ વર્ષે ઘટાડો જોવા મળે તેવી શક્યતા છે. આંબામાં મોર સામાન્ય કરતાં કાળાશ પડતો હોય તેવો જોવા મળે છે. કિરીટભાઇ ભીંબર ભેંસાણ તાલુકાના સાલપરા ગામે કેરીનો બગીચો ધરાવે છે. તેઓ આ વખતે ઊંચા ભાવે કેરી વેચાશે તેવું અનુમાન વ્યક્ત કરે છે. ગ્રાહકોએ ઊંચો ભાવ ચૂકવવો પડશેઃ બગીચાના માલિક
કિરીટભાઇએ દિવ્ય ભાસ્કરને કહ્યું કે, મારે 10 થી 12 હજાર આંબા છે. જેમાં 265 પ્રકારની કેરીઓ થાય છે પરંતુ સૌથી વધુ કેસર કેરીનું ઉત્પાદન આવે છે. આ વખતે શરૂઆતમાં ખૂબ જ સારા મોર બેઠાં હતા પરંતુ વાતાવરણની ભારે અસરના કારણે મોર બળી ગયા છે. જેથી ઉત્પાદન ખૂબ જ ઓછું જોવા મળશે. આ વખતે ઉત્પાદન ઓછું હોવાના કારણે મે મહિનાના મધ્ય પહેલાં સારી કેરી કોઇને ખાવા નહીં મળે. ખેડૂત ભાઇઓને પણ ઊંચો ભાવ લેવા બજારમાં વધુ ભાવે કેરી વેચવી પડશે જેનાથી ગ્રાહકોએ પણ ભાવ ઊંચો ચૂકવવો પડશે. ખેડૂતોને નુકસાની થશેઃ કૃષિ નિષ્ણાત
કૃષિ નિષ્ણાત જી.આર.ગોહિલે કહ્યું કે, આ વર્ષે આંબામાં મોરમાં કાળાશ પડતી જોવા મળી છે. ચાલુ વર્ષે કુલ 30 ટકા કેસર કેરીનું ઉત્પાદન આવશે. ગયા વર્ષે જે ખેડૂતોને જે નુકસાની થઇ હતી તે આ વર્ષે પણ થશે. પહેલો પાક તો સદંતર નિષ્ફળ ગયો છે. જે સારા મોર આવ્યા હતા તે બળી ગયા. એકની એક દવાનો છંટકાવ વારંવાર કરવાથી તેની સાઇડ ઇફેક્ટ પણ આવે છે. જેથી પાકમાં ઘટ આવે છે. રાત અને દિવસના વાતાવરણમાં આવેલા તાપમાનના કારણે મધિયો રોગ આવી ગયો છે. તાપમાનના કારણે ગોટલા વગરની કેરી આવે છે. જે થોડા ટાઇમ પછી ખરી જાય છે. વારંવાર દવાનો છંટકાવ ન કરો અને આંબાની બાજુમાં છાણીયા ખાતરની રિંગ કરી અને આંબા પાસે નાખી દો એટલે આવતા વર્ષે થોડી ઘણી રાહત રહેશે. ગીર સોમનાથ અને જૂનાગઢના ખેડૂતો-વેપારીઓનો મત જાણ્યા બાદ અમે અમરેલી જિલ્લાનો ચિતાર મેળવ્યો હતો. વિનુભાઇ પટોળિયા અમરેલીના ધારીમાં કેરીનો બગીચો ધરાવે છે. તેઓ કહે છે કે આ વખતે દવા અને માવજતનો ખર્ચ વધી ગયો હતો. માવજતનો ખર્ચ વધી ગયોઃ બગીચાના માલિક
વિનુભાઇએ દિવ્ય ભાસ્કરને કહ્યું કે, મારે 800 આંબા છે. આ વખતે માલ સારો હતો પરંતુ વાતાવરણની અસરને કારણે ઘણી નુકસાની પણ જવાનો ભય છે. પાક માટે ખૂબ જ કાળજી લેવી પડી હતી. જો હવે કોઇ કુદરતી આફત ન આવે તો સિઝન લાંબી આલશે. દર વર્ષે 20 કિલોના બોક્સના 2000 રૂપિયા જેટલો ભાવ લોકો ચૂકવે છે. આ વખતે એની આસપાસ જ ભાવ રહેવાની પૂરી શક્યતા છે. ભદ્રેશ ભેંસાણીયા ધારી તાલુકાના મોરઝર ગામે વાડી ધરાવે છે. અન્ય ખેડૂતોની જેમ તેમણે પણ કેરીનું ઓછું ઉત્પાદન થયાનો મત વ્યક્ત કર્યો છે. અમુક આંબામાં 5થી 10 કિલો જ પાક આવશેઃ ખેડૂત
ભદ્રેશ ભેંસાણીયાએ દિવ્ય ભાસ્કરને કહ્યું કે, અમારા ગામની વાડીમાં 95 ટકા આંબા છે. તેમાં કેસર કેરીઓ આવે છે. જાન્યુઆરી અને ડિસેમ્બરમાં ખૂબ જ મોર આવ્યા હતા પણ વાતાવરણના પલટા અને ઝાકળના વધુ પ્રમાણને લીધે મોર બળી જવાનો મોટો પ્રશ્ન સામે આવ્યો છે. અમુક આંબામાં માંડ 5 થી 10 કિલો જ પાક આવશે. ઉત્પાદન ખૂબ જ ઓછું આવવાનું છે. માર્કેટમાં દર વર્ષ કરતાં 80 ટકા ઉત્પાદન ઓછું થાય તેવી પૂરી સંભાવના છે. જેને કારણે ભાવ ઊંચો રહેવાનો છે અને ખેડૂતોને નુકસાની તો જશે જ એટલે એ પૂરતો ભાવ પણ લેશે. તેઓ વધુમાં કહે છે કે, ટાઉતે વાવાઝોડા પછી કેરીના ઉત્પાદન પર સતત માઠી અસર પડી છે. લોકોએ પોતાના બગીચા કાઢી નાખ્યા છે, આંબાઓ કાપી નાખ્યા છે. આ વખતે કેરી માટે એપ્રિલના અંત સુધી રાહ જોવી પડશે અને મે મહિનાના મધ્ય પછી કેરીની સારી આવક થશે. મધિયા રોગનો એટેક ખૂબ જ ખરાબ હતો. આ રોગને પહોંચી વળવાનો કોઇ રસ્તો જ નથી. વાતાવરણના કારણે ગીર સોમનાથ, જૂનાગઢ અને અમરેલીની જેમ કચ્છમાં પણ કેસર કેરીના પાકને નુકસાન થયું છે. બટુકસિંહ જાડેજા કચ્છની કેસર કેરીના હોલસેલના વેપારી અને કેરીના બગીચાના માલિક છે. તેઓ કહે છે કે જે ભાગ્યશાળી હશે તેને સરખો પાક આવશે. હવામાનના લીધે 70 ટકા ફૂલ ખરી ગયાઃ વેપારી
બટુકસિંહ જાડેજાએ દિવ્ય ભાસ્કરને કહ્યું કે, કચ્છની કેસર કેરીમાં પહેલાં તો ભગવાને રાજીના રેડ કરી દીધા હતા. પહેલાં પાંદડા નહોતા એટલા તો ફૂલ હતા પણ હવામાનના લીધે હવે 70 ટકા ખરીને બળી ગયા. જે ફૂલમાં દાણા બંધાવાની તૈયારી હતી તે ન થયું. ફૂલમાં ફૂગ આવી ગઇ એટલે રાખ જેવું થઇ ગયું. જે કેરી રહી હશે તેનું ફળ ખૂબ સારું આવશે. ભાગ્યશાળી હશે તેને સરખો પાક આવશે. બટુકસિંહ આગળ જણાવે છે કે, મારે 300 એકર જમીન છે. બધામાં આંબા નથી, 150 એકરમાં આંબા છે. સારી કેરી ખાવી હોય તો મે મહિનાના અંત સુધી રાહ જોવી પડશે. માંડ એક મહિનો કેરી ખાવા મળશે. હાલ આંબામાં 100 નંગ હોય પરંતુ પાકતા પાકતા તેમાંથી 25 થી 30 નંગ પડી જાય એટલે ઘટ તો આવવાની જ છે. બોક્સનો ચોક્કસ ભાવ ન કહી શકાય પણ 1000 રૂપિયાથી વધુની ગણતરી રાખવી જ પડશે, બાકી ખેડૂતને પોસાય તેમ નથી. પાકની વાત કરતાં તેઓ કહે છે કે, અમે કોઇ દવાનો છંટકાવ કરતા નથી. માત્ર કુદરતી રીતે જ કેરીને પાકવા દઇએ છીએ. યુરિયા આપતા નથી. 1992થી આંબા વાવ્યા છે. તે કુદરતી રીતે ચાલે છે. વિદેશમાં પણ ખૂબ ખૂબ મોટી માંગ હોય છે, તેમાં પણ ઉત્પાદન ઓછું છે. ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી અને કચ્છની સ્થિતિ જાણ્યા બાદ રાજકોટની વાત કરીએ. રાજકોટના ગોંડલમાં માર્કેટિંગ યાર્ડમાં કેરીની આવક શરૂ થઇ ગઇ છે. ગોંડલના વેપારીને આવક વધવાની ધારણા
દિવ્યેશ રાદડિયા ગોંડલના કેરીના વેપારી છે. તેઓ કહે છે કે, આ વખતે આવક સારી છે. હજુ આવક વધે તેવી ધારણા છે. ખેડૂતોને પૂરતો ભાવ મળશે એવી ધારણા છે. ગોંડલના અન્ય વેપારી પરેશ ભાલાળાએ દિવ્ય ભાસ્કરને કહ્યું કે, 15 દિવસ વહેલી કેરી આવી છે. ગોંડલ યાર્ડ મોટું છે એટલે અહીં સૌ પ્રથમ કેરી આવે છે. આ વખતે શરૂઆતનો ભાવ 2500 થી 3100 રૂપિયા છે. જેમ આવક વધશે એમ ભાવ થોડા નીચા જશે. 15 દિવસ વહેલી કેરી આવીઃ બગીચાના માલિક
બગીચાના માલિક જયેશ બોઘરાએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે, એક બોક્સ નો ભાવ 3100 રૂપિયા બોલાયો છે. હજુ ધીમે ધીમે માલ ઉતરશે અને આવનારા દિવસમાં હજુ માલ આવશે. સિઝન કરતા આ વખતે 15 દિવસ વહેલો માલ ઉતર્યો છે. ગોંડલ બાદ અમે રાજકોટના વેપારીઓ અને ગ્રાહકને મળ્યા હતા અને તેમનો મત જાણ્યો હતો. રાજકોટના વેપારીએ કહ્યું કેરીનું ઉત્પાદન ઓછું
કમલેશ ધામેચા રાજકોટના કેરીના વેપારી છે. તેમણે દિવ્ય ભાસ્કરને કહ્યું કે, હાલ કેરીનું ઉત્પાદન સાવ ઓછું છે. હાલ તો રત્નગીરીની હાફૂસ અને રત્નાગીરીની કેસર કેરી આવી રહી છે. રાજકોટમાં વધુ રત્નગીરીની હાફૂસ ખવાય છે. સારી કેરીનો ભાવ એક કિલોના 800 રૂપિયા આસપાસ છે અને થોડું એવરેજ ફળ હોય તો 600 રૂપિયાની કિલો છે. ગયા વર્ષ કરતાં પાક ઓછો છે અને ભાવ વધુ છે. ગયા વર્ષે આવા સમયે 500-600 રૂપિયાની કિલો કેરી મળતી. જેનો ભાવ હાલમાં 800 રૂપિયા જેવો છે. આ વખતે વતાવરવણને લઈ પાક ઓછો થયો હોવાનું જાણવા મળ્યું છે. રત્નાગીરી કેરીનો એક કિલોનો ભાવ 800 રૂપિયાઃ વેપારી
રાજકોટના અન્ય એક વેપારી સંદીપ પટેલે કહ્યું હતું કે હાલ તો મહારાષ્ટ્રના રત્નાગીરીનો જ માલ આવે છે. ભાવ ઊંચો છે. જેના કારણે વેચાણ ઓછું છે. આ વખતે ઉત્પાદનમાં પણ ઘટાડો થાય તેવી વાત છે. એક કિલોનો ભાવ 800 રૂપિયા છે. હાલ સૌરાષ્ટ્રનો માલ આવતો નથી પણ એપ્રિલમાં આવશે. આ દરમિયાન દિવ્ય ભાસ્કરની ટીમને કેરી ખરીદવા આવેલા અમિત દરજી મળ્યા. તેમણે કેરીનો ભાવ વધુ હોવાનું જણાવ્યું. ડબલ જેવા ભાવ છેઃ ગ્રાહક
અમિત દરજી કહે છે કે, આ વખતે ભાવ બહુ ઊંચો છે. અમે પરિવારમાં 5 સભ્યો છીએ. અમારે એક મહિનામાં બેથી અઢી બોકસ કેરી જોઇએ. આ વખતે વાતાવરણના લીધે માલ ઓછો આવે છે. જેથી ભાવ વધુ હોવાનું વેપારી કરી રહ્યા છે. ભાવના કારણે લોકો ઓછી ખરીદી કરી રહ્યા છે. જનરલી આવા સમયે 500 રૂપિયા ભાવ હોય છે પણ આ વખતે 800 રૂપિયા ભાવ છે. હાલ તો ભાવ ડબલ જેવા છે. જે પરવડે નહી તેવા છે. હજુ એકાદ મહિનો રાહ જોવી પડશે. માલ આવશે એટલે ભાવ નીચા આવશે. મધિયો રોગ શું છે?
મધિયો એક પ્રકારની જીવાત છે. જે ઓક્ટોબરથી મે મહિના સુધી કેરીના પાકને નુકસાન કરે છે. આ જીવાત કૂમળા પાન અને ફૂલમાંથી રસ ચૂસે છે. જેથી ફૂલ ખરી પડે છે. જીવાતના શરીરમાંથી ચીકણો મધ જેવો રસ ઝરે છે. જે આંબાના પાન ઉપર પડતા ત્યાં કાળી ફૂગ થઇ જાય છે અને કેરીના ઉત્પાદનને નુકસાન થાય છે. કેરીના પાકને થયેલા નુકસાન બદલ હવે ખેડૂતોને વળતર આપવાની માંગ ઉઠી રહી છે. ભારતીય કિસાન સંઘે કૃષિ મંત્રીને પત્ર લખીને ખેડૂતોને થયેલા નુકસાન વિશે રજૂઆત કરી છે. ખેડૂતોને વળતર આપવાની માંગ
ગીર સોમનાથ જિલ્લા કિસાન સંઘના પ્રમુખ ભરત સોજીત્રાએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે, છેલ્લા 5 વર્ષથી આંબામાં મોર તો આવે છે પણ વાતાવરણ અનુકૂળ ન હોવાથી એ મોર બળી જાય છે અને નુકસાની વેઠવાનો વારો આવે છે. છેલ્લા 5 વર્ષથી અમે સરકારને સતત રજૂઆત કરી છે, આવેદન પત્રો પણ આપ્યા છે, અમારા ચૂંટાયેલા પ્રતિનિધિને પણ વિનંતી કરી છે કે આંબાને પાક વીમા હેઠળ આવરી લો. જેથી ખેડૂતોને રાહત થાય. ગીર સોમનાથ જિલ્લા કિસાન સંઘના મહામંત્રી રાજુભાઇ પાનેલીયાએ કહ્યું કે, શરૂઆતમાં આંબામાં મોર આવ્યો ત્યારે એવું લાગ્યું કે ઉત્પાદન ઘણું થશે પરંતુ ગ્લોબલ વોર્મિંગ અને મધિયા નામનો રોગ એવો લાગ્યો છે કે ખેડૂતોએ આઠથી દસ વખત દવાનો છંટકાવ કરવો પડ્યો છે.