ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ટીમાણા ગામે રહેતા એજ્યુકેટેડ યુવા ખેડૂતે આધુનિક ટેકનોલોજીની મદદથી ગુજરાતના નાનકડા ગામમાં કમાલની ખેતી કરી કૃષિ ક્ષેત્રે નવો કીર્તિમાન કાયમ કર્યો છે. હિમ ખંડોમાં થતી કેસરની ખેતી ભાવનગર જિલ્લાના અંતરિયાળ ગામડામાં કરી ભાવનગર જિલ્લામાં ખેતી પ્રગતિના પંથે હોવાનું પુરવાર કર્યું છે. દોઢ વર્ષમાં 800 ગ્રામથી વધુ કેસરનું ઉત્પાદન
સમગ્ર રાજ્ય સાથે સાથે ગોહિલવાડ પંથકના ગામડાઓમાં રાજાશાહી કાળથી આજની તારીખ સુધી પરંપરાગત ખેતી થતી આવી છે. ખાસ કરીને રોકડિયા પાકોની ખેતી અને બાગાયત ખેતી આ બે મુખ્ય ખેતી ભાવનગર જિલ્લામાં અસ્તિત્વ ધરાવે છે. પરંતુ આ પરંપરાગત ખેતીમાં આજે ટેકનોલોજીનો સમાવેશ કરી તદ્દન નવાજ પ્રકારની ખેતી આજના યુવાનો વિકસાવી રહ્યા છે. ત્યારે સમગ્ર વિશ્વમાં કેસરની ખેતી મોંઘી અને ખર્ચાળ ગણાય છે, પરંતુ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ટીમાણા ગામના ગ્રેજ્યુએટ યુવા ખેડૂત જયપાલ રોહિતભાઈ પંડ્યાએ અસંભવને સંભવ કરી બતાવ્યું છે. ભારતમાં કેસરની ખેતી જમ્મુ કાશ્મીરમાં થાય છે આ ખેતી માટે હવામાન ખૂબ જ અગત્યનું ગણવામાં આવે છે. આથી ઠંડા પ્રદેશો સિવાય કેસરની ખેતી કરવી અત્યંત મુશ્કેલ સાબિત થાય છે. પરંતુ ટીમાણા ગામના યુવા ખેડૂતે ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને મુશ્કેલ ગણાતી ખેતીને પણ ખુબ સરળતાપૂર્વક કરી બતાવી છે. છેલ્લા દોઢ વર્ષમાં 800 ગ્રામથી વધુ કેસરનું ઉત્પાદન કરી લાખો રૂપિયાની કમાણી કરી છે. જમીન, પાણી, ખાતર કે દવા વિના ઘરમાં જ ખેતી
આ અંગે માહિતી આપતા યુવા ખેડૂતે જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયા અને અન્ય પ્રચાર પ્રસાર માધ્યમોથી પ્રેરણા લઈને સૌ પ્રથમ કેસરની ખેતીનો બારીકાય પૂર્વક અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ એના માટે જરૂરી સાધનો વસાવી કેસરનું બિયારણ કાશ્મીરમાંથી મેળવ્યું હતું. આજે કોઈ પણ પ્રકારની જમીન, પાણી, ખાતર કે રાસાયણિક દવા વિના માત્ર 12×15ના રૂમમાં રૂપિયા 15 લાખનું આર્થિક રોકાણ કરી આ ખેતી શરૂ કરી છે. આ કેસરની ખેતી થકી અત્યાર સુધીમાં રૂપિયા 8 લાખની માતબર રકમ ખેડૂતે રળી છે. તદુપરાંત રાજ્યના અનેક પ્રગતિશીલ અને પ્રયોગશિલ ખેડૂતોને પણ આ યુવા ખેડૂતે પ્રશિક્ષણ પૂરું પાડવા સાથે કેસરની ખેતી તરફ પ્રોત્સાહિત કર્યા છે. અનેક યુવા ખેડૂતો જયપાલની મદદ લઈ કેસરની ખેતી કરતા પણ થયા છે. કેસરનું ઓનલાઈન વેચાણ કરવામાં આવે છે મોટાભાગે કેસરની ખપત મોરબી જિલ્લામાં થઈ રહી હોવાનું જયપાલે જણાવ્યું હતું. કેસરને ઝેડ પ્લસની કેટેગરી પ્રાપ્ત થઈ
જયપાલે ઉત્પાદિત કરેલી કેસરની ચકાસણી લેબોરેટરીમાં કરાવતા આ કેસરને ઝેડ પ્લસની કેટેગરી પ્રાપ્ત થઈ છે. જે ગુણવત્તામાં ખૂબ ઊંચી માનવામાં આવે છે. એક જ વખત રોકાણ કર્યા બાદ ખૂબ આસાનીથી આ ખેતી કરી શકાતી હોવાનું ખેડૂત જયપાલે જણાવ્યું છે. ત્યારે આગામી સમયમાં જયપાલ જેવા અનેક પ્રગતિશીલ અને પ્રયોગશીલ ખેડૂતો આ ટાઈપની કોમર્શિયલ ખેતી તરફ ચોક્કસ આગળ વધશે અને સફળ થશે એવો આશાવાદ યુવા ખેડૂત જયપાલે વ્યક્ત કર્યો છે.