ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ 10 અને 12ની પરીક્ષાના પેપરોની ચકાસણી ચાલી રહી છે. ત્યારે રાજકોટમાં એક શિક્ષક કે જેના પત્ની કેન્સર સામે ઝઝૂમી રહ્યા હોવા છતાં બોર્ડની ઉત્તરવહીઓ ચકાસી રહ્યા છે. આ વાત છે રાજકોટના મવડી વિસ્તારમાં આવેલી સરદાર પટેલ વિદ્યાસંકુલની કે જ્યાં પડધરીની એસ. પી. જે. મહેતા સ્કૂલના સિનિયર શિક્ષક રાજેશભાઈ તળપદા ધોરણ 10ના સામાજિક વિજ્ઞાનના પેપરોનું એસેસમેન્ટકરી રહ્યા છે. તેમના પત્ની મીનાબેન કપુરીયા કે જેમને અગાઉ બ્રેસ્ટ અને બાદમાં મગજનુ કેન્સર ડિરેકટ થયુ. બબ્બે વખત કેન્સરને મ્હાત આપતાં મીનાબેનની કીમોથેરાપીની દવાઓ ચાલુ હોવા છતા તેઓ પડધરીના ઉકરડાની સરકારી પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવી રહ્યા છે. તો રાજેશભાઈ પત્નીની આવી કપરી પરિસ્થિતિમાં નૈતિક ફરજ સમજી બોર્ડના પેપરોની ચકાસણી કરી રહ્યા છે. અન્ય શિક્ષકો જે આ જવાબદારી છે ભાગી રહ્યા છે તેમને સંદેશો આપતા જણાવે છે કે, બોર્ડના પેપરની ચકાસણી એ એક વાર્ષિક ઉત્સવ છે અને તેથી કોઈપણ પ્રકારની મુશ્કેલ પરિસ્થિતિમાં દરેક શિક્ષકોએ આ ફરજ અચૂક નિભાવવી જોઈએ. રાજેશભાઈનું માનવું છે કે, સરકાર જ્યારે સરકારી શિક્ષકોને ફરજ દરમિયાન મોટો પગાર આપે છે, ત્યારે શિક્ષકોએ બોર્ડના પેપરોની ચકાસણી પોતાની નૈતિક ફરજ સમજી કરવી જોઈએ. નિયામકે પેપર ચકાસણીમાંથી મુક્તિ અપાવવાનું કહ્યું હતુંઃ રાજેશભાઈ
રાજકોટના પડધરી તાલુકામાં આવેલી એસ. પી.જે. મહેતા મિડલ સ્કૂલના સિનિયર શિક્ષક રાજેશભાઈ તળપદાએ જણાવ્યું હતું કે, ધોરણ 9 અને 10માં સામાજિક વિજ્ઞાન ભણાવું છું. આ વર્ષે રાજકોટના મવડીમાં આવેલી સરદાર પટેલ વિદ્યા સંકુલમાં બોર્ડના પેપરની ચકાસણી માટે મારો ઓર્ડર આવ્યો હોવાથી 11મી માર્ચે હાજર થયો. ત્યારે નિયામક કે. જી. ભેંસાણીયાને ધ્યાનમાં આવ્યું કે, મારા પત્નીને અગાઉ બ્રેસ્ટ કૅન્સર અને બાદમાં મગજના કેન્સરની સારવાર ચાલુ છે, છતાં પેપર ચકાસણી માટે હું પહોંચ્યો. જેથી તેમણે કહ્યું કે, બોર્ડના નિયમ પ્રમાણે જો તમે આધાર પુરાવાઓ આપશો તો હું તમને પેપર ચકાસણીમાંથી મુક્તિ આપી શકીશ. ‘મેં પેપર ચકાસણીની કામગીરીને નૈતિક ફરજ સમજી’
જેથી મેં કહ્યું કે, બોર્ડના પેપરોની ચકાસણીમાંથી મુક્તિ તો મળી જાય, પરંતુ સરકાર જ્યારે દર મહિને મોટો પગાર આપતી હોય તો આપણે આ આપણી નૈતિક ફરજ સમજીને આ કામગીરી કરવી જોઈએ. જેથી મેં તેમણે કહ્યું કે મારે મુક્તિ નથી જોઈતી, પરંતુ આ નૈતિક ફરજ છે તેમ સમજીને પેપર ચકાસણીની કામગીરી કરીશ. જેથી નિયામક ભેંસાણીયા પણ મારી વાત સાથે સહમત થયા અને કહ્યુ કે દરેક શિક્ષકોએ બોર્ડની પેપર ચકાસણી એ વાર્ષિક ઉત્સવ છે તેમ સમજીને આ કામગીરી કરવી જોઈએ. જેથી મારી દરેક શિક્ષકોને પણ વિનંતી છે કે, દર વર્ષે જ્યારે બોર્ડના પેપરોની ચકાસણીનો ઓર્ડર આવે ત્યારે તેને નૈતિક ફરજ સમજીને આ કામગીરી કરવી જોઈએ. ‘હાલમાં પેપર ચકાસણીમાં મારી ફરજ કો-ઓર્ડિનેટરની છે’
હાલ સરદાર પટેલ વિદ્યા સંકુલ શાળામાં ધોરણ 10ના સામાજિક વિજ્ઞાનના પેપર ચકાસણીમાં કો-ઓર્ડિનેટર તરીકે ફરજ બજાવી રહ્યો છું. જેમાં 4 શિક્ષકો પેપર ચેક કરે તેની ઊપર 1 મોડરેટર હોય છે અને આ રીતે એક ટીમ બને છે. આ રીતની 10 ટીમ ઉપર 1 કો-ઓર્ડિનેટર હોય છે. કોઈ વિદ્યાર્થીને પેપરમાં 80માંથી 10થી ઓછા અને 75થી વધુ માર્ક્સ આવે તો તે પેપર કો-ઓર્ડિનેટરે ફરી વખત ચકાસવાનું હોય છે. ‘હાલ મારા પત્નીની કિમોથેરાપિની ટ્રીટમેન્ટ ચાલુ છે’
તેમણે વધુમાં જણાવ્યું હતુ કે, મારા પત્ની મીનાબેન કપુરીયા પડધરીની ઉકરડા સરકારી પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવી રહ્યા છે, જેમની ઉંમર 52 વર્ષની છે. વર્ષ 2023માં માર્ચ મહિનામાં તેને બ્રેસ્ટ કેન્સર ડિટેક્ટ થયું. 7 મહિના પછી સર્જરી કરાવી. જે પછી કિમોથેરાપિની ટ્રીટમેન્ટ પૂર્ણ થઈ, ત્યાં મગજનું કેન્સર ડિટેક્ટ થયું. જેથી વર્ષ 2024માં નવેમ્બર માસમાં તેની પણ ટ્રીટમેન્ટ કરાવી. હાલ મારા પત્નીની કિમોથેરાપિની ટ્રીટમેન્ટ ચાલુ છે. સવાર-સાંજ 5-5 ટેબલેટના ડોઝ ચાલુ છે અને દર 21 દિવસે ડોક્ટરને બતાવવાનું હોય છે, તેમ છતાં તે પણ હાલ સ્કૂલમાં પોતાની આચાર્ય તરીકે ફરજ બજાવી રહ્યા છે. પત્નીનું મનોબળ ખૂબ સારું હોવાથી બબ્બે વખત કેન્સર જેવી ઘાતક બિમારી સામે ઝઝૂમી સ્વસ્થ બન્યા છે.