સુરતમાં 14 માર્ચની મોડી રાત્રે છ વર્ષની બાળકીનું અપહરણ કરીને તેના પર પાસવી બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. ત્યારે છેલ્લા ત્રણ દિવસમાં બળાત્કારની પાંચ જેટલી ફરિયાદ સુરત શહેરમાં નોંધાય છે. જેમાં એક ગેંગરેપનો પણ સમાવેશ થઈ રહ્યો છે. આ પાંચ ફરિયાદમાં બાળકી, સગીરાથી લઈને મહિલા સુધી ભોગ બની છે. પત્ની વતનમાં ને પતિએ 6 વર્ષની બાળકીને ધૂળેટીની રાતે પીંખી
પહેલા બનાવમાં કતારગામ મિનાક્ષીવાડી પાસે ફૂટપાથ પર શ્રમજીવી પરિવાર છ વર્ષીય બાળકી સાથે રહે છે. શ્રમજીવી પરિવાર કડિયા કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત તા.14મીએ સાંજે પરિવાર જમીને મિનાક્ષીવાડી પાસેના ઈવી સ્ટેશન પાસે ફૂટપાથ પર સૂઈ ગયો હતો. દરમિયાન રાત્રિના સમયે એક અજાણ્યો શખ્સ આવી સૂતેલી 6 વર્ષીય બાળકીનું ઊંઘમાં જ મોઢું દબાવી દઈ ઉંચકીને તેનું અપહરણ કરી લઈ જતો રહ્યો હતો. બાદમાં ત્યાં નજીક આવેલા નગરપાલિકાના સ્પોર્ટસ કોમપ્લેક્ષ મેદાનમાં લઈ જઈ તેણે બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં મધરાત્રિએ આરોપી હવસ સંતોષી બાળકીને એકલી છોડી ભાગી ગયો હતો. બાળકી જ્યાં રહેતી હતી, ત્યાં તેના પડાવ પર આવી હતી. દરમિયાન બાળકીને બ્લીડિંગ શરૂ થયું હતું, જેથી માતા બાળકીને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખાતે લઈ આવી હતી. હાલમાં સારવાર માટે બાળકીને હોસ્પિટલના લેબર રૂમમાં દાખલ રાખવામાં આવી છે. આ ઘટના અંગે કતારગામ પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચને જાણ થતાં જ પોલીસ દોડતી થઇ હતી. પોલીસે સ્મીમેર ખાતે પહોંચી બાળકીનું નિવેદન લેતા ગંભીર ગુનો હોવાનું જાણવા મળતા જ ક્રાઇમ બ્રાન્ચના-6 પીઆઇ, 13 પીએસઆઈ સહિત સ્થાનિક કતારગામ પોલીસની, સિંગણપોર પોલીસની ટીમ મળી કુલ 150 પોલીસ માણસોએ અલગ-અલગ ટીમો બનાવીને આજુબાજુના પડાવ અવાવરું જગ્યાઓ અને 200 જેટલા સીસીટીવી કેમેરાઓ ચેક કરી તપાસ હાથ ધરી હતી. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે સીસીટીવી ફૂટેજ તથા હ્યુમન સોર્સિસથી ઓળખ કરી બાળકી ઉપર દુષ્કર્મ આચરનાર આરોપી અજય અશોક વર્મા (ઉં.વ.25 રહે.ધનારડી ગામ તા. ઉતરોલા જિ.બલરામ ઉત્તરપ્રદેશ)ને કાસાનગર ગુરુકુળ રોડ પરથી ઝડપી પાડયો હતો. પોલીસે પકડેલ નરાધમ અજય પરિણીત છે અને તેની પત્ની વતન ઉત્તરપ્રદેશ રહે છે. તે છેલ્લા દોઢ મહિનાથી શેરડી રસના મશીન પર કામ કરે છે અને કતારગામમાં રૂમ ભાડે રાખીને રહેતો હતો. વધુમાં અજય વર્મા બે વર્ષ અગાઉ સુરતમાં રહીને પીઓપીનું કલર કામ કર્યું હતું. આ બનાવ અંગે વધુ તપાસ પોલીસ કરી રહી છે. આ પણ વાંચો…સુરતની છ વર્ષની માસૂમ દર્દથી કણસતી રહી કાકાએ ભત્રીજી પર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી
બીજા બનાવમાં, ઇચ્છાપોર વિસ્તારમાં રહેતી 16 વર્ષ 9 માસની વય ધરાવતી સીમા (નામ બદલ્યું છે) હાલ તેની માતાને ઘરકામમાં મદદ કરે છે. ઇચ્છાપોર વિસ્તારમાં રહેતાં સીમાનાં કૌટુંબિક સગા કાકા મુકેશ (નામ બદલ્યું છે)એ 6 માસ અગાઉ સીમાની એકલતાનો લાભ લઈ ઘરમાં ઘૂસી જઈ દરવાજો બંધ કરી જબરદસ્તી દુષ્કર્મ કર્યું હતું. બાદ શરીર સંબંધ બાંધવા બાબતે બધાને કહી દઈ બદનામ કરવાની ધમકી આપી ફરીવાર બળાત્કાર ગુજાર્યો હતો. જેનાં પગલે સીમાને હાલ પાંચ માસનો ગર્ભ રહી જવા પામ્યો છે. સમગ્ર હકીકત સામે આવતાં સીમાની માતા દ્વારા ઈચ્છાપોર પોલીસ મથકમાં કૌટુંબિક દીયર મુકેશ વિરુદ્ધ બી.એમ.એસની કલમ 64 (2) (એફ), 64 (2) (એમ), 351 (2) તથા પોકસો અંતર્ગત ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદ સંદર્ભે તપાસ કરી મુકેશની ધરપકડ કરવામાં આવી હતી. માથામાં સિંદુર પુરી લગ્ન કરવાનું કહી દુષ્કર્મ આચર્યું
ત્રીજા બનાવમાં, મુળ યુપીનાં અયોધ્યા જિલ્લાનાં રૂદૈલી તાલુકાનાં સાલારપુર ગામની 23 વર્ષીય યુપીવાસી મુમતાઝ (નામ બદલ્યું છે) હાલ દોઢ મહિનાથી પુણા વિસ્તારમાં ઈડલી સંભારની લારી ચલાવે છે. ત્રણ વર્ષ અગાઉ તેનો સંપર્ક સુરતનાં સહારા દરવાજા ખાતે માર્કેટમાં મજૂરીકામ કરતાં હમવતની મોહિત માયારામ યાદવ (રહે. ગામ- પુરેનુરઅલી, પોસ્ટ. નેવરા, તા. રૂદૌલી, થાના. મવઈ, જિ. અયોધ્યા, ઉત્તરપ્રદેશ) સાથે થયો હતો. મોહિત જ્યારે વતનમાં જતો તે વેળા મળવા માટે જતો હતો. આ દરમિયાન તેણે મુમતાઝનાં માથામાં સિંદુર પુરી ભવિષ્યમાં લગ્ન કરશે તેવો વિશ્વાસ આપી શરીર સંબંધ બાંધ્યો હતો. દરમિયાન તેમનાં સંબંધની જાણ મુમતાઝનાં પરિવારને થઈ જતાં મે, 2024માં મોહિતે લગ્ન કરી સાથે રહીશું કહેતાં મુમતાઝ ઘર છોડી સુરત આવી ગઈ હતી. થોડો સમય સાથે રાખી શારીરિક સંબંધ બાંધ્યા બાદ સમજાવી પટાવી “હાલ આપણે વતનમાં જવું પડશે, હું તને પરત લઈ આવીશ” કહી વતનમાં મુકી આવ્યો હતો. બાદ મોહિતે પોતાનો મોબાઈલ નંબર બદલી નાંખી મુમતાઝનો સંપર્ક કાપી નાંખ્યો હતો. અંતે છેલ્લા દોઢ માસથી સુરત આવી આજીવીકા માટે પુણા વિસ્તારમાં ઈડલી સંભારની લારી ચાલુ કરી મુમતાઝે મોહિતની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ, કોઈ ભાળ નહીં મળતાં અંતે મુમતાઝ દ્વારા પુણા પોલીસ મથકમાં મોહિત યાદવ વિરૂદ્ધ ઈપીકો કલમ 376(1) અંતર્ગત ફરિયાદ નોંધાવવામાં આવી હતી. મળતી જાણકારી મુજબ આરોપી મોહિત યાદવને ઝડપી પાડવા માટે પુણા પોલીસ દ્વારા એક ટીમ અયોધ્યા ખાતે રવાના કરવામાં આવી છે. સોળ વર્ષીય સગીરા પર યુવકનો બળાત્કાર
ચોથા બનાવમાં, મહારાષ્ટ્રિયન પરિવારની 16 વર્ષ 10 માસની સુરેખા (નામ બદલ્યું છે) અભ્યાસ છોડ્યા બાદ તેની માતાને ઘરકામમાં મદદ કરે છે. સ્થાનિક વિસ્તારમાં રહેતાં પ્રવિણ ઉર્ફે સોનુ દિપક પવાર (ઉં.વ. 29, ધંધો. ટેમ્પો ડ્રાયવર, મહાપ્રભુ નગર, લિંબાયત, સુરત)એ મિત્ર દ્વારા સંપર્ક કરી સુરેખા સાથે મિત્રતા કેળવી હતી. બાદ પ્રેમ જાળમાં ફસાવી લગ્નની લાલચ આપી તે સુરેખાને ગત 2 માર્ચનાં રોજ વતનમાં ભગાડી ગયો હતો અને વારંવાર શરીર સંબંધ બાંધ્યા હતાં. બાદમાં 12 માર્ચનાં રોજ સુરેખાને લઇ લિંબાયત પરત થયો હતો. પૂછતાછ કરાતાં સુરેખા દ્વારા પરિવારને સમગ્ર હકીકત જણાવતાં સુરેખાની માતા દ્વારા ગતરોજ (15 માર્ચ) લિંબાયત પોલીસ મથકમાં સોનુ વિરુદ્ધ બી.એન.એસ ની કલમ અને પોક્સો અંતર્ગત ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આરોપી પ્રવિણ પવારની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. દીકરાની નજર સામે મહિલા પર ગેંગરેપ
પાંચમાં બનાવમાં, મુળ મહારાષ્ટ્રના અમરાવતીની વતની 37 વર્ષીય પરિણીતા હાલ પતિ સાથે પાલિતાણા રહે છે. પતિ પાલિતાણામાં નોકરી કરે છે અને પરિણીતાના આ બીજા લગ્ન છે. પ્રથમ પતિ થકી બે સંતાન છે અને બીજા પતિ થકી 3.5 વર્ષનું બાળક છે. દરમિયાન પરિણીતા વતન અમરાવતી જવા પાલિતાણાથી બસમાં અમદાવાદ આવી હતી. અમદાવાદથી ટ્રેનમાં બેસી અમરાવતી જવા નીકળી હતી. અહીં ટ્રેનમાં તેણીને એક હરેશ નામનો યુવક મળ્યો હતો. હરેશ સાથે 5 બાળકો અને તેની પત્ની પણ હતી. હરેશે પરિણીતાને તેના પતિને ઓળખે છે, એવી ઓળખ આપી તેઓ પણ અમરાવતી જતા હોવાનું કહ્યું હતુ. ઉધના રેલવે સ્ટેશને ઉતરી હરેશ પોતાના પરિવારની સાથે પરિણીતાને પણ સાથે લઈ ગયો હતો. મોટાવરાછા, ચીકુવાડી ખાતે ફૂટપાથ પાસે આવેલી એક જગ્યાએ પરિણીતાને બેસાડી પોતાના પરિવારને મુકવા ગયો હતો. થોડા સમય બાદ તે ચીકુવાડી પરત ફર્યો હતો. પીડિતાએ હરેશ સાથે અમરાવતીને બદલે અહીં કેમ લઈને આવ્યો તે મુદ્દે રકઝક પણ કરી હતી. જોકે, ત્યારબાદ એકલતાનો લાભ લઈ હરેશે બળજબરી-મારઝૂડ કરી પીડિતા સાથે બળાત્કાર કર્યો હતો. પીડિતાનો મોબાઈલ અને રોકડા 3500 રૂપિયા લૂંટી તે ભાગી છૂટયો હતો. પીડિતા અહીં અર્ધબેહોશ હાલતમાં પડી હતી, ત્યારે શંકર ટકલા નામના બીજા યુવકની નજર તેના પર પડી હતી. શંકરે દાનત બગાડી પીડિતા સાથે દુષ્કર્મ આચર્યુ હતુ. બીજા દિવસે પણ બંને નરાધમોએ અલગ-અલગ સમયે આવી પીડિતા સાથે બદકામ કર્યુ હતુ. પોલીસે હોશમાં આવેલી પીડિતાની પૂછપરછ કરતા બે નરાધમોએ બળાત્કાર ગુજાર્યો હોવાની અને લૂંટ ચલાવી હોવાની વેદના વ્યક્ત કરતા પોલીસે સ્થાનિક વિસ્તારમાં તપાસ કરી હતી. આખરે બંને નરાધમો હરેશ વાઘેલા (ઉં.વ.25, રહે, મનીષા ગરનાળા પાસે ઉત્રાણ) અને શંકર ટકલા (ઉં.વ. 30, રહે., મનીષા ગરનાળા પાસે ઉત્રાણ)ને પકડી પાડયા હતા. હરેશ પાસેથી પીડિતાનો મોબાઇલ રિકવર કરાયો હતો. બંને આરોપી પ્લાસ્ટિક ભંગારનું કામ કરે છે. પીડિતાની તબિયત હાલ સ્થિર છે. ઉત્રાણ પોલીસે બળાત્કારના ગુનામાં બંને નરાધમોની ધરપકડ કરી હતી.