વડોદરામાં હોલિકા દહનની (13 માર્ચ) મોડી રાત્રે સર્જાયેલ અકસ્માતથી હડકંપ મચી ગયો હતો. આ ઘટનામાં આઠ લોકોને કારચાલક રક્ષિત ચોરસિયાએ ઉડાવ્યા હતા, જેમાં એક મહિલાનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. આ ઘટનામાં ત્રણ પરિવારોના સભ્યો ભોગ બન્યા છે. જેમાં કેવલાની પરિવારના ત્રણ માસૂમ બાળકો ભોગ બન્યા છે. આ પરિવારના મોભી અને સૌથી વધુ ઇજાગ્રસ્ત થયેલા અને MBBSનો અભ્યાસ પૂર્ણ કરેલ કોમલ કેવલાનીના પિતાએ દિવ્ય ભાસ્કર સાથે વાતચીત કરતા નમ આંખોથી કહ્યું કે, એવા એક વ્યક્તિના લીધે આવી ઘટના બની કે જે નશાની હાલતમાં હતો. બાળકોની સર્જરી કરવી પડી છે. પહેલાં જેવી નોર્મલ લાઇફ તો બાળકોને મળવાની જ નથી. ત્રણ દિવસથી હોસ્પિટલમાં છીએ અને કલાકનો પણ ટાઈમ મળતો નથી. આવા લોકોને સજા તો મળવી જ જોઈએ. બન્ને ભાઈઓ હોસ્પિટલમાં જ કંટીન્યુ બેઠા છીએઃ અજિત કેવલાની
વધુમાં અજિત કેવલાનીએ જણાવ્યું હતું કે, અમારા બાળકો એક સારૂ ભવિષ્યને જોઈને સારું ભણતર રાખનારા છે. આ ઘટના ઘટી ગઈ એક શખસના લીધે કે જે દારૂ પીને કાર ચલાવતો હતો, કા પછી કોઈક પ્રકારનો નશો કરીને ચલાવતો હતો. અમે તો કંટીન્યુ અકસ્માત થયો ત્યારથી દવાખાનાથી નીકળી નથી શક્યા. મારો ભાઈ પણ અન્ય હોસ્પિટલમાં જ કંટીન્યુ બેઠો છે અને હું આ હોસ્પિટલમાં કન્ટિન્યુ બેઠો છું. ‘બેબીની બીજી એક સર્જરીની વાત ચાલી રહી છે’
વધુમાં કહ્યું કે, અમે એક કલાક માટે પણ બહાર નથી નીકળ્યા, હું ખાલી એક કલાક માટે ફ્રેશ થઈને પાછો આવ્યો હતો. બાકી કંટીન્યુ બેઠો છું. આજે પણ નાવા નથી ગયો. કાલે રાત્રે સાંજે જઈને ફ્રેશ થઈને તરત પાછો આવ્યો હતો. એટલે અમારે અહીંયા મલ્ટીપલ ફેક્ચર છે, એક સર્જરી થઈ ગઈ છે બેબીની અને બીજી એક સર્જરીની વાત ચાલી રહી છે. ત્યાં આગળ જયેશની પણ એક સર્જરી ચાલુ છે અને બીજી પણ થશે. આ જે કિસ્સો છે, જેને પણ આ કર્યું છે એ ફૂલ કેફી પદાર્થ પીધેલી હાલતમાં જણાયો છે. એની સામે સરકાર દ્વારા કડક કાર્યવાહી થવી જોઈએ. ‘બાળકોના સારા ભવિષ્ય માટે ખુબ મહેનત કરીએ છીએ’
બાળક કોઈ પણ હોય અને પરિસ્થિતિ પરિવારની કેવી પણ હોય બાળક ઈચ્છતું હોય સારું ભણવાનું તો વાલી દરેક દ્રષ્ટિએ મહેનત કરીને પૈસાનો જુગાડ કરીને બધું જ કરતા હોય છે. આ બાળકો ભણનારા છે, સારા ભવિષ્ય માટે, લોકો માટે ભણનાર છે. આજે મારી દીકરી ડોક્ટર પછી માસ્ટર્સ કરી રહી છે. બાળકોને ફાઇનાન્શિયલી સપોર્ટ કરીને અભ્યાસ કરાવી રહ્યા છીએ. ‘એક બાદ એક ત્રણ હોસ્પિટલ ફર્યા’
વધુમાં કહ્યું કે, અમે લોકો તો નીકળી જ નથી શક્યા. ના મારો ભાઈ નીકળી શક્યો છે, ના અમે નીકળી શક્યા છીએ. ન તો પોલીસ સ્ટેશનને જઈ શક્યા છીએ. અકસ્માતમાં ઘવાયેલ બાળકોને હોસ્પિટલમાં અમે લઈ આવ્યા. રાત્રે 2:30 વાગ્યાની આસપાસ પહેલા તો એક હોસ્પિટલમાં લઈ ગયા, પછી બીજીમાં લઈ ગયા પછી ત્રીજી હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવી હતી. અમારી પાસે એટલો સમય નથી કે, અમે ફરિયાદ કરીએ. આ જવાબદારી સરકાર અને પોલીસ તંત્રની છે. ‘આરોપીને સજા તો થવી જ જોઈએ’
ફરિયાદ અંગે પૂછતા તેઓએ જણાવ્યું કે, એ વિચારણામાં જ છે. કારણ કે, આમેરું પહેલું કામ છે. પોતાનો બાળક તરફનું ધ્યાન આપવું. જે અમારી વાલી તરીકેની ડ્યુટી છે, હમણાં પહેલા એ પૂરી કરીશું. સરકાર તરફની જે જવાબદારી છે એ પણ અમે કરીશું અને સરકારે જ ધ્યાન રાખવું જોઈએ અને પોલીસે કડક પગલા લેવા જોઈએ. આ લોકો કોઈ પંદર દિવસમાં કે બે મહિનામાં તૈયાર નથી થવાના અને પાછળની જિંદગી તો નથી જ મળવાની. બાળક જે પ્રમાણે નોર્મલ ચાલતો હોય તેવો ચાલી શકશે, કે દોડી શકશે તેવું કશું અત્યારે કહી શકાય એવું નથી. કન્ડિશન એટલે નોર્મલ લાઇફ તો નથી જ મળવાની, તો એને સજા તો થવી જ જોઈએ. કાયદાકીય જેટલી સજા થઈ શકતી હોય તેટલી સજા તો થવી જોઈએ. શાહ પરિવાર પણ ત્રણ સભ્ય હોસ્પિટલમાં દાખલ
આ સમગ્ર અકસ્માતમાં સૌથી વધુ ઇજાગ્રસ્ત પુરાવ પટેલ સયાજી હોસ્પિટલના આઇસીયુ યુનિટમાં છે અને સત્તત પોતાની પત્નીનું નામ લેવાની કોશિશ કરે છે. પરંતુ તેઓની સ્થિતિ નાજુક હોવાથી કઈ પણ બોલી શકતા નથી. તેઓને એ પણ નથી ખબર કે તેઓની પત્ની હવે આ દુનિયામાં નથી. બીજી બાજુ શાહ પરિવારના બે માસૂમ બાળકો અને તેઓની માતા ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. જેમાં જૈમી શાહની સ્થિતિ સારી છે, જ્યારે બાળકી રેન્સીને પગના ભાગે ગંભીર ઇજાઓ હોવાથી ટાંકા લેવાની ફરજ પડી છે અને ત્યારબાદ સર્જરી કરવી પડે તેવી સ્થિતિ છે. જ્યારે માતા નિશાબેન શાહને સાથળના ભાગે ઈજાઓ હોવાથી તેઓની એક સર્જરી આજે કરવામાં આવી છે, જ્યારે અન્ય ત્રણ ચાર સર્જરી કરવાની જરૂરિયાત પડે તેવી શક્યતાઓ છે.