હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આગામી સાત દિવસ વાતાવરણ શુષ્ક રહેવાની સંભાવના છે. આ સાથે જ તાપમાનમાં કોઈ નોંધપાત્ર ફેરફારની શક્યતાઓ નહિવત છે, પરંતુ લઘુત્તમ અને મહત્તમ તાપમાન ઘટતી જતી સ્થિતિમાં રહેશે. પરંતુ આ ઘટાડો ફક્ત એકથી બે ડિગ્રી સેલ્સિયસનો હોઈ શકે છે. આગામી પાંચ દિવસ વાતાવરણ યથાવત્ રહેવાની શક્યતાઓ છે. ઉલ્લેખનીય છે કે, ગત સપ્તાહની સરખામણીમાં આ સપ્તા દરમિયાન મહત્તમ તાપમાનમાં ઘટાડો આવતા ગરમીથી આંશિક રાહત મળી છે. રાજ્યના તમામ જિલ્લાઓનું મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ કરતા ઓછું નોંધાઈ રહ્યું છે, જેથી ગુજરાતવાસીઓને હાલ પૂરતી ગરમીથી રાહત મળી છે. તો બીજી તરફ આગામી 5 દિવસ દરિયાકાંઠા વિસ્તારમાં બફારાનો અનુભવ થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. પવનોની દિશા બદલાતા તાપમાન ઘટ્યું
રાજ્ય ઉપર હાલમાં પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ દિશા તરફથી પવનો ફુકાઈ રહ્યા છે, જેથી તાપમાનમાં ઘટાડો આવ્યો છે. જો ફરી એક વખત પવનની દિશા બદલાય તો તાપમાનમાં વધારો થઈ શકે છે, પરંતુ આગામી પાંચ દિવસ દરમિયાન તેની શક્યતાઓ ઓછી રહેલી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ ભેજ યુક્ત હોવાને કારણે બફારાનો અનુભવ થશે. જેથી હવામાન વિભાગ દ્વારા સમગ્ર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં બફારા માટે ચેતવણી જાહેર કરી છે. ગુજરાતમાં તાપમાન 40 ડિગ્રીથી નીચે રહ્યું
ગુજરાતનો તમામ જિલ્લાઓનું મહત્તમ તાપમાન ગત સપ્તાહ કરતા ઘટીને 40 ડિગ્રી સેલ્સિયસથી ઓછું નોંધાઈ રહ્યું છે. ગતરોજ રાજ્યમાં સૌથી વધુ મહત્તમ તાપમાન રાજકોટમાં 38.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ ઉપરાંત ચાર મહાનગરોમાં પણ મહત્તમ તાપમાન 36થી 38°cની આસપાસ રહ્યું હતું. જેમાં અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન 37.8, વડોદરાનું મહત્તમ તાપમાન 37.6 અને સુરતનું મહત્તમ તાપમાન 37.2 ડિગ્રી સેલ્સિયસ હતું. જ્યારે આજે પણ મધ્ય ગુજરાતમાં એટલે કે, અમદાવાદ અને આસપાસના વિસ્તારનું મહત્તમ તાપમાન 37થી 38 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતાઓ છે.