અમદાવાદ શહેરના વસ્ત્રાલમાં હોળીની રાત્રે(13 માર્ચ, 2025) ગુંડાઓએ બેફામ બની નાગરિકોને માર માર્યા બાદ રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય એક્શનમાં આવ્યા હતા. તેમણે 15 માર્ચ, 2025ના રોજ બપોરે 3 વાગ્યે અસામાજિક તત્ત્વો સામે કડક પગલાં લેવા માટે સ્પષ્ટ સૂચના અપાયા બાદ સુરત પોલીસ સંપૂર્ણ એક્શન મોડમાં આવી ગઈ છે. શહેરમાં ગુનાખોરીને કાબૂમાં લેવા માટે છેલ્લાં બે દિવસમાં વિશેષ કોમ્બિંગ ઓપરેશન હાથ ધરાયું હતું. જેમાં 250થી વધુ શારીરિક શોષણ અને અન્ય ગંભીર ગુનાઓમાં સંડોવાયેલાં અસામાજિક તત્ત્વો, તડીપાર કરાયેલા અને પાસા લાગેલા ઈસમોની તપાસ કરવામાં આવી હતી. રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે આ આદેશ કર્યાના આજે(17 માર્ચ, 2025) બપોરે 3 વાગ્યે 48 કલાક પૂર્ણ થઈ રહ્યા છે. આ 48 કલાકમાં અમદાવાદ પોલીસે 25થી વધુ ગેંગનું લિસ્ટ તૈયાર કરી લીધું છે. સંવેદનશીલ વિસ્તારમાં ખાસ પોલીસ કાર્યવાહી
સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં સતત અસામાજિક તત્ત્વોની હિલચાલ પર નજર રાખવામાં આવી રહી છે. અમરોલી કોસાડ આવાસમાં સફળ કોમ્બિંગ ઓપરેશન બાદ હવે ઉધના વિસ્તારમાં પણ આ અભિયાનને તેજ કરવામાં આવ્યું હતું. ઉધના પોલીસ સ્ટેશન દ્વારા રાત્રિ દરમિયાન અચાનક કોમ્બિંગ હાથ ધરાયું હતું, જેમાં 40થી વધુ પોલીસકર્મીઓ જોડાયા હતા. પોલીસે માત્ર શંકાસ્પદ ઇસમોને જ ચેક કર્યા નહીં, પણ અસામાજિક તત્ત્વોનાં ઘરોમાં પણ અચાનક દરોડા પાડ્યા હતા. તડીપાર કરાયેલા અને પાસા લાગેલા ઈસમોની વિગતવાર તપાસ કરવામાં આવી હતી, જેથી શહેરમાં કાયદો-વ્યવસ્થાને વધુ મજબૂત બનાવી શકાય. સુરત પોલીસ કાયદો-વ્યવસ્થા જાળવી રાખવા સક્રિય
ડીજીપી વિકાસ સહાયે સ્પષ્ટ રીતે આદેશ આપ્યા છે કે, રાજ્યમાં અસામાજિક તત્ત્વો માટે કોઈ સ્થાન નહીં રહે. આ જ હેતુસર સુરત પોલીસ સતત સક્રિય છે અને આવનારા દિવસોમાં પણ આવી ચુસ્ત કાર્યવાહી ચાલુ રહેશે. જો કોઈ શખ્સ કાયદાનો ભંગ કરવાનો પ્રયાસ કરશે, તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. 15 માર્ચે સુરત પોલીસે બે કલાકમાં 100થી વધુ શંકાસ્પદ અને ગુનેગારોને તપાસ્યા
DGP વિકાસ સહાયના આદેશ બાદ સુરત શહેર પોલીસે એ જ દિવસે અમરોલી-કોસાડ વિસ્તારમાં વિશેષ કોમ્બિગ ઓપરેશન હાથ ધર્યું હતું. આ ઓપરેશન 15 માર્ચ 2025ના રોજ સાંજે 7:00 થી રાત્રે 9:00 વાગ્યા સુધી ચાલ્યું. શહેરના સૌથી સંવેદનશીલ વિસ્તાર અમરોલી-કોસાડ વિસ્તારમાં વિશેષ કોમ્બીંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં અમરોલી-કોસાડ વિસ્તારમાં કરાયેલા કોમ્બિગ ઓપરેશન દરમિયાન કુલ 100થી વધુ શંકાસ્પદ તત્વો અને ગુનેગારોની તપાસ કરવામાં આવી હતી. GP Act કલમ 135 હેઠળ 7 અને કલમ 142 હેઠળ 2 લોકો સામે કાર્યવાહી, પ્રોહિબિશન કબ્જાના 4 કેસ, BNSS કલમ 126 અને 170 મુજબ 28 શખ્સોની તપાસ, 40 MCR ચેક, 4 હિસ્ટ્રીશીટર ગુનેગારોની ચકાસણી, 7 નાસતા ફરતા આરોપીઓની તપાસ, 8 લિસ્ટેડ બુટલેગરો અને 2 જુગારીઓ પર ચેકીંગ કરવામાં આવ્યું હતું. આ પણ વાંચો: ધુળેટીના દિવસે કલર ઉડાવવા બાબતે થયેલા ઝઘડામાં કાર્યવાહી: પાંડેસરા પોલીસે યુવક પર હુમલાના આરોપીઓને જાહેરમાં કરાવી ઊઠક બેઠક અમદાવાદ શહેરના વસ્ત્રાલમાં 13 માર્ચ, 2025 એટલે કે હોળીની રાત્રે અસામાજિક તત્ત્વોએ નિર્દોષોને ફટકાર્યા અને વાહનોના કાચ તોડ્યા હતા. આ ઘટનાને પગલે રાજ્યના DGP વિકાસ સહાયે 15 માર્ચ, 2025ના રોજ તમામ જિલ્લા અને શહેરના પોલીસ વડા સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા બેઠક યોજી હતી. જેમાં રાજ્યના પોલીસ વડાએ તમામ પોલીસ કમિશ્નર, રેન્જ આઈજી અને પોલીસ અધિક્ષકને આગામી 100 કલાકની અંદર રાજ્યના પ્રત્યેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવા કડક સુચના આપવામાં આવી હતી. અસામાજિક તત્વોની યાદીમાં કેવા તત્વોનો સમાવેશ કરવો તે અંગે પણ સ્પષ્ટતા કરી હતી. વારંવાર શરીર સંબંધી ગુનાઓમાં સંકળાયેલા વ્યક્તિઓ, ખંડણી ઉઘરાવવા, ધાક-ધમકી આપવાના ગુનાઓમાં સંડોવાયેલા વ્યક્તિઓ, મિલકત સામેના ગુનાઓ આચરનારા, પ્રોહિબિશન અને જુગારનો ગેરકાયદેસર ધંધો કરનારા તત્વો, ખનીજ ચોરી જેવા ગુનાઓમાં સંકળાયેલા તથા અન્ય અસામાજીક કૃત્યો દ્વારા જનતામાં ભય ફેલાવનારા તત્વોને આ યાદીમાં સમાવવા આદેશ કરાયા છે. આ બેઠક બાદ અમદાવાદ શહેર પોલીસ કમિશનરે સૂચના આપતા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા 16 માર્ચ, 2025ના રોજ અમદાવાદ શહેરની અલગ-અલગ ગેંગની તથા કુખ્યાત ગુનેગારોની યાદી બનાવી હતી. જેમાં 25થી વધુ ગેંગનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું હતું. આ યાદી રાજ્યના પોલીસ વડાની કચેરીએ પહોંચાડવામાં આવશે ત્યારબાદ ત્યાંથી મળતા આદેશ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.