કલોલના સાંતેજ નજીક જમીન દલાલ દશરથ ઉર્ફે ટીનાજી સોમાજી ઠાકોર અને તેના મિત્ર ગિરિશ કાંતિજી ઠાકોરની નર્મદા કેનાલમાં ફેંકી હત્યા કરવાના કેસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. આ હત્યા ઇન્સ્ટાગ્રામ સ્ટાર પૂનમ ઠાકોર સાથેના આડા સંબંધની શંકાને કારણે કરવામાં આવી હતી. પૂનમના પતિ ભરત જેમતુમલ ઠાકોરે સાગરિતો સાથે મળીને આ ચકચારી કૃત્ય આચર્યું હતું. રાપર પોલીસે ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્યા હતા અને સાંતેજ પોલીસને હવાલે કર્યા હતા. હત્યા પછી રોકડ સાથે રાપર પહોંચ્યા આરોપી
રાપરના પીઆઇ જે.બી. બુબડીયાએ જણાવ્યું કે, પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે રાપરના બસ સ્ટેશન પાસે ત્રણ શંકાસ્પદ ઇસમો રોકડ ભરેલી બેગ સાથે ફરતા હતા. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ભાભર તાલુકાના ખડોસણ ગામના ભરત ઠાકોર, કાકરેજના મેઘરાજ રૂગનાથ ઠાકોર અને પ્રકાશ વશરામભાઇ ઠાકોરને પકડી પાડ્યા. તેમની પાસેથી રૂ. 5.93 લાખ રોકડ ભરેલી બેગ જપ્ત કરવામાં આવી. હત્યા માટે ઉંઘની ગોળીનો ઉપયોગ
પોલીસ તપાસમાં ખુલ્યું કે, દશરથ ઠાકોર અને તેના મિત્ર ગિરિશને ભાભર જમીન વેચાણના બહાને કારમાં બેસાડવામાં આવ્યા હતા. ભરત ઠાકોરે જમવામાં ઉંઘની ગોળી ભેળવી બંનેને બેભાન બનાવ્યા અને સાગરિતો મેઘરાજ અને પ્રકાશની મદદથી બંનેને નર્મદા કેનાલમાં ફેંકી દીધા. હત્યાનું કારણ આડા સંબંધની શંકા
આ કેસમાં મુખ્ય આરોપી ભરત ઠાકોરે પોતાની પત્ની અને ઇન્સ્ટાગ્રામ સ્ટાર પૂનમ ઠાકોર સાથે દશરથના આડા સંબંધ હોવાની શંકા રાખી હતી. આ શંકાને કારણે ભરત દશરથ પાસેથી વારંવાર પૈસા પડાવતો હતો. દશરથના પૈસાથી નવી કાર પણ ખરીદવામાં આવી હતી. મૃતકના પુત્રએ નોંધાવી ફરિયાદ
મૃતક દશરથ ઠાકોરના પુત્ર માહિલ દશરથજી ઠાકોરે સાંતેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યું કે, પૂનમના પતિ ભરત ઠાકોર અને તેના સાગરિતોએ આડા સંબંધની શંકાને કારણે દશરથની હત્યા કરી છે. પોલીસ તપાસ ચાલુ
હત્યા બાદ આરોપીઓ રાપર પહોંચ્યા હતા, જ્યાંથી તેઓ રોકડ સાથે ઝડપાયા. હાલ પોલીસ આ કેસમાં વધુ તપાસ કરી રહી છે અને અન્ય સંડોવાયેલા લોકોની શોધખોળ કરી રહી છે. રાપરમાં આરોપીઓ પકડાતા સમગ્ર ઘટનાનો ઘટસ્ફોટ થતાં ચકચાર મચી છે. ત્યારે રાપર પોલીસે ત્રણેય આરોપીઓને સાંતેજ પોલીસને હવાલે કરી દીધા છે.