અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા ફ્લેટ પર દરોડો પાડી એટીએસ અને ડીઆરઆઈએ 95 કિલો સોનું અને 60 લાખથી વધુની રોકડ કબજે કરતા ચકચાર મચી છે. સૌ કોઈના મનમાં એક જ સવાલ છે કે, આ સોનું અને રોકડ ક્યાંથી આવી અને કોણ લાવ્યું? ત્યારે એજન્સીઓની તપાસમાં અમદાવાદથી મળી આવેલા આ મુદ્દામાલનું કનેકશન મુંબઈ સુધી લંબાયું છે. મૂળ અમદાવાદનો અને મુંબઈમાં રહેતો અને ડબ્બા ટ્રેડીંગ સાથે સંકળાયેલો મેઘ શાહ નામના યુવકે ડબ્બા ટ્રેડીંગના માધ્યમથી મેળવેલા નાણાંમાંથી સોનું ખરીદીને સંતાડવા માટે અમદાવાદમાં ફ્લેટ ભાડે રાખ્યો હતો. હર્ષદ મહેતાની માફક શેરબજારમાં નાની સ્ક્રીપ્ટનો અપડાઉન કરતો મેઘ શાહ સેન્ટ્રલ એજન્સીઓના રડારમાં આવ્યો હતો. એજન્સીઓની તપાસ બાદ બાતમી મળતા અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા આવિષ્કાર એપાર્ટમેન્ટમાં દરોડો પાડી અંદાજિત 84 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. અમદાવાદના આવિષ્કાર ફ્લેટમાં શું બન્યું?
અમદાવાદના પાલડીમાં આવેલા આવિષ્કાર એપાર્ટમેન્ટમાં આવેલા એક બંધ ફ્લેટ પર દરોડો પાડી અમદાવાદ ATS અને DRIની ટીમે દરોડો પાડી 95.5 કિલો સોનું અને 60 લાખથી વધુની રોકડ રકમ જપ્ત કરી. આ બંને મુદ્દામાલ એટલો મોટો હતો કે, એજન્સીઓએ તેનું વજન અને ગણતરી માટે વજનકાંટો અને મશીન મંગાવવા પડ્યા હતા. સમગ્ર મામલો કઈ રીતે બહાર આવ્યો?
આ સમગ્ર મામલામાં મેઘ શાહનું નામ સામે આવ્યું છે. અમદાવાદમાંથી મળી આવેલા મુદ્દામાલનું કનેકશન પણ મુંબઈ સુધી લંબાયું છે. મેઘ શાહ મુંબઈમાં રહેતો હતો અને ડબ્બા ટ્રેડીંગનો ‘બેતાજ બાદશાહ’ કહેવાય છે. ગુજરાતના કેટલાક ડબ્બા ટ્રેડર પણ તેની સાથે કનેક્ટ હોય તેવી આશંકા છે. પરંતુ તેણે શેર બજારમાં નાની સ્ક્રીપ્ટને અપડાઉન કરીને અનેક લોકોના રૂપિયા ચાંઉ કર્યા હોવાનું ધીમે ધીમે લોકોને ખબર પડતી ગઈ અને આ વાત સેન્ટ્રલ એજન્સી પાસે ગઈ ત્યારબાદ તેના અનેક વ્યવહારો અને વહીવટ વિશે માઇક્રો સ્કેનિંગ કરવામાં આવ્યું હતું. જેમાં મેઘ શાહનું ગુજરાત કનેક્શન સામે આવ્યું અને તેના કેટલાક શંકાસ્પદ કોલ અને પાલડીના એક એડ્રેસનો સતત સ્કેનિંગમાં આવતા આખો ભાંડો સેન્ટ્રલ એજન્સી અને ગુજરાત એટીએસએ ફોડી નાખ્યો. શેરબજારની સ્ક્રીપ્ટોને અપડાઉન કરી કરોડો રૂપિયા એકઠા કર્યા
ગુજરાત એટીએસના અધિકારીઓ પાસેથી મળતી મહત્વની માહિતી પ્રમાણે મેઘ શાહ મૂળ મુંબઈમાં રહે છે અને તે વર્ષોથી ડબ્બા ટ્રેડિંગ સાથે કનેક્ટેડ છે અનેક સ્ક્રિપ્ટ ડાઉન કરવા કે પછી અપ લઈ જવા માટે તે મોટો ખેલાડી માનવામાં આવતો હતો. તેણે આવી રીતે અનેક સ્ક્રિપ્ટમાં કરોડો રૂપિયા ભેગા કર્યા હતા અને તે તમામ ટ્રેડિંગ મોટાભાગે કરાવતો હતો. જેથી ઓનલાઇન ટ્રાન્જેક્શન બહુ ખબર પડતી નથી. પરંતુ ધીમે ધીમે રોકડ રકમ વધતી ગઈ પહેલા તો તેણે સોનું ખરીદવાનું શરૂ કર્યું અને તેણે ધીમે ધીમે કરોડો રૂપિયાનું સોનું ભેગું કરીને તેને સાચવવા માટે શું કરવું તેનો પ્લાન કર્યો હતો. શેરબજારના નાણાંથી સોનું ખરીદી સંતાડવા અમદાવાદમાં ફ્લેટ ભાડે રાખ્યો
ભૂતકાળમાં હર્ષદ મહેતા જેને શેરબજારમાં અનેક લોકોને રોવડાવ્યા હતા અને તેણે કેટલીક સ્ક્રીપ્ટ સાથે ચેડા કર્યા હોવાની શક્યતા હતી તે જ મોડસ ઓપરેન્ડી મેઘ શાહ હોવાની શકયતા એટીએસને અને સેન્ટ્રલ એજન્સીને છે. જાણવા મળતી વિગત પ્રમાણે મેઘ શાહે પાલડીમાં આ એપાર્ટમેન્ટ બે નંબરના રૂપિયાથી ખરીદેલું સોનુ અને રોકડ રૂપિયા જે હવાલાથી આવ્યા હતા તે સાચવવા માટે રાખ્યો હતો. પરંતુ આખરે આ અંગેની ચોક્કસ માહિતી એજન્સીને મળતા મોટી રેડ ને સફળતા મળી છે. ડબ્બા ટ્રેડીંગથી સ્ટોક માર્કેટ ફેન્ટસી એપ સુધીની સફર
સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ માહિતી મુજબ મેઘ શાહ પોતે બજાર બાઝીગર ગેમ્સ પ્રાઈવેટ લિમિટેડનો ડાયરેક્ટર છે. મેઘ શાહે સોશિયલ મીડિયા પર આપેલી વિગત મુજબ સ્ટોકમાર્કેટને પોતાનો રસનો વિષય ગણાવ્યો છે. પોતે જણાવે છે કે, સ્ટોક ટ્રેડર તરીકે સ્ટોક માર્કેટમાં પોતાની જર્ની શરૂ કરી અને અનેક કંપનીઓને આગળ વધવા માટે મદદ કરી. હાલ તેને ભારતની પ્રથમ સ્ટોક માર્કેટ ફેન્ટસી એપ બજાર બાઝીગર શરૂ કર્યાનો દાવો કર્યો છે. આ એપ લોકોને એક જ સમયે શીખવા અને કમાવાનું પ્લેટફોર્મ પૂરી પાડતી હોવાનું કહેવાયું છે.