રાજકોટ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ગઇ તા.27.01.2025ના ફરિયાદીની 17 વર્ષની સગીરવયની દીકરીને આરોપી લલચાવી ફોસલાવી અપહરણ કરી લઈ ગયેલ હોવાની ફરિયાદ નોંધાઈ હતી. જે મામલે ગુજરાત હાઇકોર્ટમાં હેબિયસ કોર્પસ દાખલ થયેલ જેથી ભોગબનનાર તેમજ આરોપીને શોધી કાઢવા એલ.સી.બી. ઝોન-2ની અલગ-અલગ ટીમો બનાવી અલગ અલગ સ્થળના સી.સી.ટી.વી. ફુટેજો તથા ખાનગી બાતમીદારો તથા ટેકનિકલ સોર્સના માધ્યમથી ભોગ બનનારની શોધખોળ હાથ ધરવામાં આવી. દુષ્કર્મ સહિતની કલમનો ઉમેરો કરી વધુ તપાસ હાથ ધરી
આ દરમિયાન મળેલ બાતમીના આધારે ભોગ બનનાર સગીરા તેમજ આરોપીઓ લોઠડા ગામ ખાતેથી મળી આવતા આરોપી મનીષ ઉર્ફે મનીયો અરવિંદભાઇ અધેરા (ઉ.વ.20), અરવિંદ કરશન અધેરા (ઉ.વ.52) અને વિકાસ અરવિંદ અધેરા (ઉ.વ.22)ને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આરોપી મનીષ સગીરાને ભગાડી પ્રથમ તેના જેતપુર રહેતાં કાકાના ઘરે ગયો હતો જ્યાંથી તેના કાકાએ આરોપીના પિતાને જાણ કરતાં તેઓ પિતા-પુત્ર જેતપુર દોડી ગયાં હતાં અને બાદમાં ચારેય ત્યાંથી લોઠડા રહેવા આવતાં રહ્યાં હતાં. અહીં તેઓ ભાડાના મકાનમાં જેટલાં રૂપિયા તેની પાસે હતાં. તેનું કરિયાણું લઈ મકાનમાં જ પડ્યાં રહેતાં હતાં. હાલ પોલીસે આરોપી વિરુધ્ધ દુષ્કર્મ સહિતની કલમનો ઉમેરો કરી વધુ તપાસ હાથ ધરી છે. પંખાના હૂંકમાં ચૂંદડી બાંધી ફાંસો ખાઈ લીધો
રાજકોટના રૈયા રોડ પર ત્રિલોક પાર્કમાં આવાસ ક્વાર્ટરમાં રહેતો રવિ કનુભાઈ રાઠોડ (ઉ.વ.21) નામનો યુવક સાંજે 8.30 વાગ્યે ઘરે હતો ત્યારે પંખાના હૂંકમાં ચૂંદડી બાંધી ફાંસો ખાઈ લીધો હતો. બનાવ સમયે માતા-પિતા બહાર ગામ ગયા હતા અને તેઓ જયારે ઘરે પરત આવ્યા ત્યારે રૂમનો દરવાજો ખોલીને જોતા પુત્રને લટકતી હાલતમાં જોઈ હતપ્રભ બની ગયા હતા અને બુમાબુમ કરતા આસપાસના રહેવાસીઓ દોડી આવ્યા હતા. બનાવ અંગે 108ને જાણ કરતા ઇએમટીએ સ્થળ પર પહોંચી યુવકને જોઈ તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. આ બનાવની જાણ યુનિવર્સીટી પોલીસને કરવામાં આવતા પોલીસે મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર યુવક ખાનગી કોલેજમાં ઇલેક્ટ્રિક મેઇન્ટેનન્સનું કામ કરતો હતો. રવિવારે આખો દિવસ કોલેજમાં ઇલેક્ટ્રિકનું કામ કર્યા બાદ ઘરે આવીને પગલું ભરી લીધું હતું. બે બહેનના એકના એક ભાઈના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. યુવકે ક્યાં કારણોસર આપઘાત કર્યો તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. કુલ રૂ.7.15 લાખનો મુદામાલ કબ્જે કર્યો
રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ચોકકસ બાતમીના આધારે દાહોદથી ચોરીના બે આરોપી પોપટસિંહ ઉર્ફે મલખાંગ સીકલીગર (ઉ.વ.37) અને શેરૂસિંહ સુનીલસિંહ સીકલીગર (ઉ.વ.25)ને પકડી પાડી તેની પાસેથી રોકડ રૂ.60 હજાર અને સોનાના અલગ-અલગ દાગીના મળી કુલ રૂ.7.15 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો. બંને શખસો તાળા રીપેર કરવાનું કામ કરતા હતા અને શહેરમાં અલગ-અલગ જગ્યાએ ફરી તાળા રીપેર તેમજ લોકરના લોક રીપેર કરવાના બહાને ઘરમાં જઈ મકાન માલિકોની નજર ચૂકવી ચોરીને અંજામ આપતા હતા. ઉલ્લેખનીય છે કે, બંને શખસોએ રાજકોટમાં બી ડીવીઝન અને માલવીયાનગર પોલીસ મથકમાં ચોરી કરી હતી જે તમામ મુદામાલ ક્રાઈમ બ્રાંચની ટીમે કબજે કર્યો હતો. ઉપરાંત બન્ને શખ્સો વિરૂધ્ધ અલગ અલગ પોલીસ મથકમાં ચોરી સહિતના ગુનાઓ નોંધાયેલ હોવાનું સામે આવ્યું છે.