સુરતની સાઉથ ગુજરાતની સેલ્ફ ફાઈનાન્સ કોલેજ મેનેજમેન્ટ એસોસિએશનની લાંબા સમયથી ચાલી આવતી માંગને અંતે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ માન્યતા આપી છે. હવે ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ કોલેજોમાં ફી નિયંત્રણ માટે ફી રેગ્યુલેટરી કમિટી બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય કોમન યુનિવર્સિટી એક્ટના અમલના ભાગરૂપે લેવામાં આવ્યો છે. યુનિવર્સિટીએ FRCની રચનાને લીલીઝંડી આપી
યુનિવર્સિટીના નિર્ણય અનુસાર, જો કોલેજોએ ફી વધારવી હોય તો તેમને એફઆરસી સમક્ષ યોગ્ય પુરાવા સાથે પ્રસ્તાવ રજૂ કરવો પડશે. બીજી તરફ, જો ફી વધારવાની ઇચ્છા ન હોય, તો કોલેજોને એફિડેવિટ આપવું પડશે. કોલેજો યુનિવર્સિટી દ્વારા નક્કી કરાયેલી ફી કરતા વધુ ફી લઈ શકશે નહીં. સિન્ડિકેટે અગાઉ FRC રચનાનો પ્રસ્તાવ તૈયાર કર્યો હતો પરંતુ, સેનેટ સભ્યોના વિરોધને કારણે તે સમયસર અમલમાં આવી શક્યો નહોતો. જોકે, હવે કોમન યુનિવર્સિટી એક્ટની જોગવાઈઓના અમલને ફરજિયાત બનાવાતા યુનિવર્સિટીએ FRCની રચનાને લીલીઝંડી આપી છે. FRCનો સંયુક્ત પેનલ અને તેની રચના
FRCની રચના માટે સાત સભ્યોની કમિટી બનાવવામાં આવશે, જેમાં વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતો સામેલ રહેશે. જેમાં કુલપતિ, હાઈકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ, પૂર્વ કુલપતિ અથવા કોઈ પ્રતિષ્ઠિત સંસ્થાના ડાયરેક્ટર, જાહેર અથવા નેશનલાઈઝડ બેંકના પૂર્વ જનરલ મેનેજર, સીએ (જે યુનિવર્સિટીમાં ઓડિટ-સંબંધિત સેવાઓ આપી નથી), કુલસચિવ, ફાયનાન્સ અને એકાઉન્ટ્સ ઓફિસર સામેલ રહેશે.