ગુજરાત ન્યૂઝ રૂમ | અમદાવાદ
ગુજરાતના વર્તમાન 180 ધારાસભ્યોની કુલ સંપત્તિ 3009 કરોડ રૂપિયા છે. એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ(એડીઆર)ના રિપોર્ટ મુજબ દેશમાં સૌથી વધુ કર્ણાટકના 223 ધારાસભ્ય પાસે 14,179 કરોડની સંપત્તિ છે. દેશનાં 28 રાજ્ય અને 3 કેન્દ્રશાસિત પ્રદેશના 4,092 ધારાસભ્યોની કુલ સંપત્તિ 73,348 કરોડ છે. દેશમાં 45% એટલે કે 1,861 અને ગુજરાતમાં 21% એટલે કે 37 ધારાસભ્ય સામે ગુના દાખલ થયેલા છે. દેશમાં કુલ 1,205 ધારાસભ્ય સામે મહિલાવિરોધી ગુના, હત્યા, હત્યાની કોશિશ, અપહરણ જેવા ગંભીર ગુના નોંધાયેલા છે. તેમાં ગુજરાતના 26 ધારાસભ્ય સામેલ છે. દેશમાં સૌથી વધુ ગુજરાતના 55% ધારાસભ્યો ગ્રેજ્યુએટ પણ થયેલા નથી. ભાજપના 1,653 ધારાસભ્યોની કુલ સંપત્તિ 26,270 કરોડ અને કોંગ્રેસના 646 ધારાસભ્યોની કુલ સંપત્તિ 17,357 કરોડ રૂપિયા છે. દેશના ધારાસભ્યોની સરેરાશ સંપત્તિ 18 કરોડ રૂપિયા છે. કુલ 119 ધારાસભ્યોની સંપત્તિ 100 કરોડથી વધુ છે. દેશમાં ગુજરાતના 55% ધારાસભ્યો ગ્રેજ્યુએટ પણ થયેલા નથી. ગુજરાતના 98 ધારાસભ્યો ધો.5થી ઓછું અથવા ધો.5થી 12 અથવા ડિપ્લોમા સુધી અભ્યાસ કર્યો છે. દેશમાં સરેરાશ 35% એટલે કે 1,440 ધારાસભ્યો ગ્રેજ્યુએશનથી ઓછું ભણેલા છે અને 24% એટલે કે 977 ધારાસભ્યોએ પોસ્ટ ગ્રેજ્યુએશન કે તેથી વધુ અભ્યાસ કર્યો છે. દેશમાં માત્ર 10% એટલે કે 400 મહિલા જ ધારાસભ્ય છે. તેમાં ગુજરાતની 14 છે. મહારાષ્ટ્રના એક ધારાસભ્યની સંપત્તિ ગુજરાતના 180થી વધુ મહારાષ્ટ્રના ઘાટકોપર પૂર્વ બેઠક પરથી ભાજપના ધારાસભ્ય પરાગ શાહની સંપત્તિ 3,383 કરોડ છે. જે ગુજરાતના 180 ધારાસભ્યની કુલ સંપત્તિ 3,009 કરતાં વધુ છે. ગુજરાતમાં સૌથી વધુ 661 કરોડની સંપત્તિ માણસાના ધારાસભ્ય જયંતી પટેલ પાસે છે. દેશમાં 1,431 કરોડની સંપત્તિ સાથે કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડી.કે.શિવકુમાર બીજા ક્રમે છે. ભાજપના 638 MLA ગુનાહિત છબીવાળા | ભાજપના 1,653 ધારાસભ્યમાંથી 39% એટલે કે 638 સામે ગુના દાખલ થયેલા છે. કોંગ્રેસના 646 ધારાસભ્યમાંથી 52% એટલે કે 339 ગુનાહિત છબી ધરાવે છે. આંધ્રપ્રદેશની તેલુગુ દેશમ્ પાર્ટીના 134માંથી 86% એટલે કે 115 ધારાસભ્યો સામેલ કેસ દાખલ થયેલા છે.