રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા 100 કલાકની અંદર સમગ્ર ગુજરાતમાં અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. આ આદેશ મળતાની સાથે જ ગુજરાત પોલીસ એક્શન મોડમાં આવી છે. સુરત પોલીસ દ્વારા પણ શહેરના ચારેય ઝોનમાં અસામાજિક તત્ત્વોની વિગતવાર યાદી તૈયાર કરવામાં આવી રહી છે. જ્યારે ક્રાઈમ બ્રાન્ચે 1300 ગુનેગારોની યાદી તૈયાર કરી છે, જેમાં 300 હાર્ડકોર ક્રિમિનલ્સ સામેલ છે. 17 માર્ચની સાંજે 22 ગુનેગારને પોલીસ સ્ટેશન બોલાવી તમામને કાન પકડાવ્યાં હતાં. ઉલ્લેખનીય છે કે, અમદાવાદ પોલીસે પણ ગેંગોના નામ સાથે 1300 ગુનેગારોનું લિસ્ટ બનાવ્યું છે. જ્યારે વડોદરામાં ત્રણ ગેંગ એક્ટિવ હોવાનું સામે આવ્યું છે. 22 અસામાજિક તત્ત્વોને પોલીસ સ્ટેશન બોલાવાયા
સુરત ક્રાઈમ બ્રાન્ચે વિશેષ તપાસ દરમિયાન 1300 જેટલા ગુનેગારોને યાદી બનાવી છે. તેમાં 300 ગંભીર ગુનાઓમાં સામેલ છે, જ્યારે બાકીના બોડી ઑફેન્સ (શારીરિક હુમલા), પ્રોપર્ટી ઑફેન્સ (ચોરી, દબાણ, જમીન કબજો) અને ઓર્ગેનાઈઝ ક્રાઈમ (ટોળકી આધારિત ગુનાઓ) સાથે સંકળાયેલા છે. પોલીસના આ લિસ્ટમાં 20થી 25 ગુજસીટોક (ગુજરાત એન્ટી-સોશિયલ એક્ટ) હેઠળ નોંધાયેલા ગુનેગારો પણ સામેલ છે. 100 કલાકના આ અભિયાન હેઠળ 22 શખ્સને સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સ્ટેશન પર બોલાવવામાં આવ્યા હતા, જ્યાં તેમને ‘કાન પકડીને’ બેસી જવાની ફરજ પડી હતી. પોલીસ દ્વારા આ શખ્સોની વારંવાર પૂછપરછ કરવામાં આવી હતી અને તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે તે સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે. સુરત ક્રાઈમ બ્રાન્ચના ડીસીપીનું નિવેદન
સુરત ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી ભાવેશ રોઝીયાએ જણાવ્યું હતું કે, ડીજીપી વિકાસ સહાય દ્વારા ગુજરાતભરની પોલીસને 100 કલાકની અંદર ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. આ ટાર્ગેટમાં અસામાજિક તત્ત્વો, બોડી ઑફેન્સ, ઓર્ગેનાઈઝ ક્રાઈમ અને પ્રોપર્ટી ઑફેન્સમાં સંડોવાયેલા ગુનેગારોની યાદી તૈયાર કરવા અને તાત્કાલિક પગલાં ભરવા જણાવવામાં આવ્યું છે. સુરત ક્રાઈમ બ્રાન્ચે આ ટાર્ગેટ મુજબ વિશેષ તપાસ શરૂ કરી છે, જેમાં 1300 ગુનેગારોને ઓળખી લેવામાં આવ્યા છે. આગામી દિવસોમાં તેમના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવશે. 15 માર્ચે સુરત પોલીસે બે કલાકમાં 100થી વધુ શંકાસ્પદ અને ગુનેગારોને તપાસ્યા
સુરત શહેર પોલીસે 15 માર્ચે અમરોલી-કોસાડ વિસ્તારમાં વિશેષ કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું હતું. આ ઓપરેશન 15 માર્ચ 2025ના રોજ સાંજે 7:00થી રાત્રે 9:00 વાગ્યા સુધી ચાલ્યું હતું. શહેરના સૌથી સંવેદનશીલ વિસ્તાર અમરોલી-કોસાડ વિસ્તારમાં વિશેષ કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં અમરોલી-કોસાડ વિસ્તારમાં કરાયેલા કોમ્બિંગ ઓપરેશન દરમિયાન કુલ 100થી વધુ શંકાસ્પદ તત્ત્વો અને ગુનેગારોની તપાસ કરવામાં આવી હતી. GP Act કલમ 135 હેઠળ 7 અને કલમ 142 હેઠળ 2 લોકો સામે કાર્યવાહી, પ્રોહિબિશન કબજાના 4 કેસ, BNSS કલમ 126 અને 170 મુજબ 28 શખ્સોની તપાસ, 40 MCR ચેક, 4 હિસ્ટ્રીશીટર ગુનેગારોની ચકાસણી, 7 નાસતા ફરતા આરોપીઓની તપાસ, 8 લિસ્ટેડ બૂટલેગરો અને 2 જુગારીઓ પર ચેકિંગ કરવામાં આવ્યું હતું. અમદાવાદ પોલીસે તૈયાર કર્યું 1300થી વધુ ગુનેગારોની યાદી
અમદાવાદ શહેરના વસ્ત્રાલમાં 13 માર્ચ, 2025 એટલે કે હોળીની રાત્રે અસામાજિક તત્ત્વોએ નિર્દોષોને ફટકાર્યા અને વાહનોના કાચ તોડ્યા હતા. આ ઘટનાને પગલે રાજ્યના DGP વિકાસ સહાયે 15 માર્ચ, 2025ના રોજ તમામ જિલ્લા અને શહેરના પોલીસ વડા સાથે વીડિયો-કોન્ફરન્સ દ્વારા બેઠક યોજી હતી. જેમાં રાજ્યના પોલીસ વડાએ તમામ પોલીસ કમિશનર, રેન્જ આઈજી અને પોલીસ અધિક્ષકને 100 કલાકમાં રાજ્યના પ્રત્યેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અસામાજિક તત્ત્વોની યાદી તૈયાર કરવા કડક સૂચના આપવામાં આવી હતી. આ બેઠક બાદ અમદાવાદ શહેર પોલીસ કમિશનરે સૂચના આપતા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા 16 માર્ચ, 2025ના રોજ અમદાવાદ શહેરની અલગ-અલગ ગેંગની તથા કુખ્યાત ગુનેગારોની યાદી બનાવી હતી, જેમાં 25થી વધુ ગેંગનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું હતું. આ યાદી રાજ્યના પોલીસ વડાની કચેરીએ પહોંચાડવામાં આવશે. ત્યારબાદ ત્યાંથી મળતા આદેશ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. હવે ગુનેગારોને ખૂણે ખૂણેથી શોધીને કડક કાર્યવાહી કરવા અમદાવાદ પોલીસ કમિશનરે સૂચના આપી છે. તેમજ 1300 જેટલા ગુનેગારોની યાદી પણ તૈયાર કરી લીધી છે. આગામી સમયમાં શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તાર ગુનેગારોને તમામ બાબતો જાણીને તેની યાદી રાજ્યના પોલીસ વડાને મોકલવા માટેની તૈયારી કરવામાં આવી છે. લતિફના સમયના ટપોરીઓ એક્ટિવ છે કે નહીં તેની તપાસ
અમદાવાદ શહેરમાં જ્યારે લતિફનું સામ્રાજ્ય હતું તે સમયે સામાન્ય ટપોરીમાંથી ગુનેગાર બનેલા અસામાજિક તત્ત્વો શહેરની શાંતિને નુકસાન કરવા માટે સક્રિય છે કે નહીં તેની વિગત મેળવવા માટે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આખા ગુજરાતના ક્રાઈમ સાથે સંડોવાયાલી ગેંગોની યાદી પહેલેથી પોલીસ પાસે હતી. પરંતુ હવે તેઓ એક્ટિવ છે અથવા તેમની સાથે કયા લોકો કનેક્ટ છે? હાલ કયા વ્યવસાય સાથે જોડાયેલા છે? અથવા બીજા ગુનેગારો આ ગેંગમાં જોડાયા છે કે નહીં તેની વિગત એકત્ર કરવામાં આવી રહી છે. 17 માર્ચની સવારે શહેર પોલીસ કમિશનર જી. એસ. મલિક અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની કચેરી પહોંચ્યા હતા. જ્યાં ડીસીપી અજીત રાજીયાણ, જોઈન્ટ કમિશનર શરદ સિંઘલ હાજર હતા. તેમની સાથે કરેલી મિટિંગમાં અમદાવાદ શહેરની ગેંગ અને તેમને દાબી દેવાની ચર્ચા કરવામાં આવી હતી. જેમાં મોટાભાગે ઝોન પાંચ વિસ્તારમાં આવી નાની-મોટી એક્ટિવ ગેંગ અગાઉ હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે લતીફ સમયના ગુનેગારો હવે બિલ્ડરો બની ગયા છે અને તેમની સાથેના ટપોરીઓ હજી ક્યાંક અને ક્યાંક સક્રિય હોય તેવી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને વિગતો મળી છે. વડોદરામાં ગુનેગારો સામે કડક કાર્યવાહી
વડોદરા શહેરમાં પણ ગુનેગારોની યાદી બનાવવાની પ્રક્રિયા ચાલી રહી છે. પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે જણાવ્યું કે, રાજ્યમાં જુદા જુદા વિસ્તારમાં બનેલી કેટલીક ક્રાઇમની ઘટનાઓને લઇને સમગ્ર રાજ્યમાં એક એક્સસાઇઝ કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે વડોદરા શહેરમાં પણ પ્રોપર્ટીને લગતા ગુના, શરીર સંબંધી ગુનાઓમાં જે લોકો સંડોવાલેયા હોય છે અને જે લાંબા સમયથી ક્રિમિનલ એક્ટિવિટીના માધ્યમથી ગેરકાયદેસર મિલકત વસાવી હોય છે. સરકારી અને ખાનગી જમીનો ઉપર દબાણ કરીને બેઠા હોય છે, ગુનાઇત પ્રવૃત્તિ ચલાવતા હોય છે, આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવા માટેની સૂચના છે, તે મુજબ વડોદરા શહેરમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, વડોદરામાં જાણીતા રિપીટ ગુનેગારો છે, પ્રોપર્ટીને લગતા ગુના, શરીર સંબંધી ગુનાઓ અને સાયબર ગુનાઓ સહિતના ગુનાઓમાં સંડોવાયેલા શખ્સોની યાદી પણ તૈયાર કરવામાં આવી રહી છે. સાથે સાથે ક્રિમિનલ ઇન્ટેલિજન્સના માધ્યમથી એમના હાલની એક્ટિવિટી અને જંગમ અને સ્થાવર મિલકતોની પણ વિસ્તૃત તપાસ કરવા કરવામાં આવી રહી છે અને એક ટાર્ગેટ લિસ્ટ તૈયાર કરવાની પ્રક્રિયા પણ શહેરમાં ચાલી રહી છે.