રાજકોટનાં 150 ફૂટ રિંગરોડ પર એટલાન્ટિસ એપાર્ટમેન્ટ ખાતે ધુળેટીનાં દિવસે અગ્નિકાંડ સર્જાયો હતો. જેમાં 3 લોકોના મોત નિપજ્યા હતા. જોકે આ અંગે હજુપણ ગુનો નોંધાયો નથી. જેને લઈને વિપક્ષ પણ હવે મેદાને આવ્યો છે અને પ્રદેશ કોંગ્રેસનાં મહામંત્રી મહેશ રાજપુતે આ મામલે સરકાર સામે સવાલો ઉઠાવ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે, RMCનો ફાયર વિભાગ પણ ઇન્ચાર્જ ઉપર ચાલી રહ્યો છે. મુખ્યમંત્રી અને ગૃહમંત્રી મોટી-મોટી વાતો કરે છે પણ કાયદાનો અમલ કરવામાં અને સ્ટાફની ભરતી કરવામાં આવતી નથી. ઇન્ચાર્જ ગમે ત્યારે તેમના હાથ ખંખેરી શકે છે. ઘટનાના ચાર દિવસ બાદ પણ ગુનો દાખલ કરવામાં આવ્યો નથી. ડે. મેયરની આ બિલ્ડીંગમાં ભાગીદારી હોવાનો આરોપ પણ તેમણે લગાવ્યો હતો. જોકે ડે. મેયર નરેન્દ્રસિંહે આ તમામ આરોપો ફગાવ્યા હતા. પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી મહેશ રાજપૂતે જણાવ્યું હતું કે, ગુજરાતમાં શહેરી વિકાસ મંત્રી, મુખ્યમંત્રી, ગૃહમંત્રી પણ મોટી-મોટી વાતો કરે છે. જોકે કાયદાનો અમલ અને સ્ટાફની ભરતી કરાવવામાં આવતી નથી. TRP અગ્નિકાંડ બાદ પણ ફાયર વિભાગમાં અધિકારીઓ હોવા જોઈએ તે હોતા નથી. કોઈ અધિકારી ચાર્જમાં આવે, કોઈ કચ્છ ખાતેથી આવીને અહીં લાંચ લેતા પકડાય છે. આ હિંમત કર્મચારીઓ ભાજપ સરકારમાં જ કરી શકે છે. હાલમાં પણ ફાયર વિભાગ ઇન્ચાર્જ ઉપર ચાલે છે. ચીફ ફાયર ઓફિસર કાયમી હોવો જોઇએ. પરંતુ TRP અગ્નિકાંડને આટલો સમય થયા છતાં કોઈ કાયમી ઓફિસર નિમાયો નથી. કાયમી ઓફિસર હોય તો તેની જવાબદારી બંધાય છે. જ્યારે ઇન્ચાર્જ ગમે ત્યારે હાથ ઊંચા કરી શકે છે. રાજકોટમાં ફાયર સેફટી સહિતનાં નામે નાના લોકોને કેમ હેરાન કરવાનું કામ તંત્ર દ્વારા કરવામાં આવે છે. ફાયરની એનઓસીનાં નામે તમામ સમાજની વાડીઓ બંધ કરી દેવામાં આવી હતી. મનપા કમિશ્નર બેસે છે તે બિલ્ડીંગની ફાયર એનઓસી જાહેર કરવી જોઈએ. જો આપણા કોલરમાં ડાઘ હોય તો મોટા માથાઓને છાવરવા પડતા હોય છે. એટલાન્ટિસ એપાર્ટમેન્ટમાં પણ એ પરિસ્થિતિ છે કે, બિલ્ડરને હાથ અડાડી શકાય તેમ નથી. કારણ કે, ત્યાં બિલ્ડરની પોતાની ઓફીસ પણ આવેલી છે. અને રાજકોટનાં ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા પણ ત્યાં બેસે છે અને ભાગીદાર છે. ભાજપના રાજમાં માત્ર એક નોટિસ, બે નોટિસ અને ત્રણ નોટિસ આપીને લોકો અને મીડિયા ભૂલી જાય તે પ્રકારની કામગીરી ચાલી રહી છે. રાજકોટમાં ફાયર વિભાગ દ્વારા હવે ચેકીંગ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં 74 બિલ્ડીંગને નોટિસ આપવામાં આવી છે. પરંતુ તેમાં ક્યાં મોટા નેતાનાં બિલ્ડીંગમાં ચેકીંગ કર્યું અને નોટિસ આપી ? ત્રણથી પાંચ માળનાં નાના બિલ્ડીંગઓને હાલ નોટિસો અપાય છે. અગાઉ સર્વેશ્વર ચોકમાં બનેલા બનાવ બાદ શિવમ કોમ્પ્લેક્સ પણ આ જ રીતે બંધ કરી દેવામાં આવ્યું હતું. તેમાં પણ બિલ્ડરે છત ભરી હોવાનું કહેવા છતાં અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધાયો હતો. શિવમ કોમ્પ્લેક્સમાં જો બિલ્ડર ઉપર ગુનો દાખલ કરે તો ભૂતપૂર્વ મેયર અને હાલના પૂર્વ ગવર્નર ઉપર ગુનો દાખલ કરવો પડે તેમ હતો. તેમજ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી પણ શિવમ કોમ્પ્લેક્સનાં નિર્માણ સમયે સ્ટેન્ડિંગ ચેરમેન હતા. માટે બિલ્ડર ઉપર ગુનો દાખલ કરવાને બદલે માત્ર અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. એટલાન્ટિસ બિલ્ડીંગ મુદ્દે જો મેયર અને સરકારે કાર્યવાહી કરવી હોય તો સાંજ સુધીમાં ગુનો દાખલ થવો જોઈએ. જેની બદલે આજે ચાર દિવસ સુધી ફરિયાદ નોંધાઈ નથી. ત્યારે તાત્કાલિક બિલ્ડર કે એસોસિએશન સામે ગુનો દાખલ કરવામાં આવે તેવી મારી માંગ છે. રાજકોટનાં ડે. મેયર નરેન્દ્રસિંહ જાડેજાએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, એટલાન્ટિસ એપા. ખાતે બનેલી દુર્ઘટના ખરેખર દુઃખદ છે. અને આ મામલે પોલીસ દ્વારા સઘન તપાસ કરવામાં આવી રહી છે. જોકે આ બિલ્ડીંગમાં મારી કોઈ ભાગીદારી હોવાની વાતમાં કોઈ તથ્ય નથી. તેમજ ત્યાં મારી કોઈ બેઠક પણ નથી. જો કોઈપણ વ્યક્તિ એવા દસ્તાવેજી પુરાવા બતાવશે તો જાહેર જીવન છોડી દેવાની મારી તૈયારી છે. કોંગ્રેસનાં નેતાઓ માત્ર પાયાવિહોણા આરોપો લગાવે છે. તેમના આવા આરોપોમાં કોઈપણ સચ્ચાઈ નથી.